Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દો કદમ તુમ ભી ચલો, એક કદમ હમ ભી ચલેં

દો કદમ તુમ ભી ચલો, એક કદમ હમ ભી ચલેં

05 August, 2022 09:32 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

દાદર માર્કેટનું વૅલેટ પાર્કિંગ વીસેક દિવસથી બંધ પડ્યા બાદ બીએમસીએ એને ચાલુ રાખવા હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાથી વેપારીઓએ પણ એક પગલું વધવાનો લીધો નિર્ણય : લોકો માટે મહત્ત્વનું ગણાતું આ પાર્કિંગ ફરી શરૂ થશે

બીએમસી અને દાદર વ્યાપારી સંઘના સંયુક્તપણે શરૂ કરાયેલી વૅલેટ-પાર્કિંગની સુવિધાનો અનેક લોકો લાભ લેતા હતા. બીએમસીનો સાથ ન મળતાં વ્યાપારી સંઘના અનેક પ્રયાસ છતાં પણ આ પાર્કિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

બીએમસી અને દાદર વ્યાપારી સંઘના સંયુક્તપણે શરૂ કરાયેલી વૅલેટ-પાર્કિંગની સુવિધાનો અનેક લોકો લાભ લેતા હતા. બીએમસીનો સાથ ન મળતાં વ્યાપારી સંઘના અનેક પ્રયાસ છતાં પણ આ પાર્કિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.


દાદર માર્કેટમાં ટ્રાફિકનો ભારે ત્રાસ હોવાથી લોકો અહીં શૉપિંગ કરવા આવતાં હંમેશાં અચકાતા હોય છે. એથી દાદરને ટ્રાફિકમુક્ત કરવા માટે દાદર વ્યાપારી સંઘ અને બીએમસી બન્ને આગળ આવ્યાં હતાં અને બન્નેએ સાથે મળીને વૅલેટ પાર્કિંગ શરૂ કર્યું હતું. એને પ્રતિસાદ સારો મળી રહ્યો હતો. બીએમસી દ્વારા સહકાર ન મળતાં છેલ્લા વીસેક દિવસથી આ પાર્કિંગ નાછૂટકે બંધ કરવું પડ્યું છે, પરંતુ બીએમસીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાથી અને વેપારીઓએ આગળ આવવાની તૈયારી દેખાડી હોવાથી લોકો માટે મહત્ત્વનું ગણાતું પાર્કિંગ ફરી શરૂ થવાના સંજોગો નિર્માણ થયા છે.

બીએમસી અને સંઘના સહયોગથી શરૂ થયું હતું પાર્કિંગ



દાદર વ્યાપારી સંઘ, બીએમસી, મુંબઈ પોલીસ, મુંબઈ ટ્રાફિક પોલીસ અને પાર્કના સહયોગથી દાદર-વેસ્ટ માર્કેટમાં મે મહિનાથી વૅલેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. એથી મુંબઈવાસીઓ પાર્કિંગની ચિંતા કર્યા વગર દાદર-વેસ્ટની માર્કેટમાં વાહન લઈને પણ ખરીદી કરી શકતા હતા. પાર્કિંગ માટે ઍપ પણ તૈયાર કરાઈ હતી. આ પ્રથમ પ્રકારનું સહયોગી મૉડલ છે જે DVS, Park+, બીએમસી, MTP અને MP દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. આ નવા પાર્કિંગ મૉડલને કારણે દુકાનદારો અને શૉપિંગ કરનારાઓ દાદર માર્કેટમાં પોતાનાં વાહનોમાં આવી શકતા હતા.


દાદર વ્યાપારી સંઘની ભારે નારાજગી

દાદર વ્યાપારી સંઘના પ્રેસિડન્ટ સુનીલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૧માં દિવાળી વખતે અમારા સંઘ દ્વારા પાર્કિંગની સુવિધા શરૂ કરાઈ હતી. એમાં ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં સારોએવો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ કોરોનાનું પ્રમાણ વધ્યા બાદ આ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ અમે બીએમસીથી લઈને અન્ય વિભાગ સાથે મળીને લોકોની સુવિધા માટે આ ઇનિશ્યેટિવ લેવા વાતચીત કરી હતી. દાદર માર્કેટ સહિત શિવાજી પાર્કમાં અને જિમખાનામાં આવતાં વાહનોનું પાર્કિંગ કરવું જટિલ સમસ્યા બની ગઈ હતી. એથી આ વૅલેટ મૉડલ પ્રત્યે મુંબઈકરોએ ઉત્સાહ દાખવ્યો હતો. રહેવાસીઓ, શૉપિંગ કરવા આવતા લોકો, દુકાનદારો, શિવાજી મંદિરની મુલાકાત લેતા લોકો, નજીકના લગ્ન-હૉલમાં આવતા લોકો, સલૂન, હોટેલ, રેસ્ટોરાં, ડૉક્ટરો, વકીલો, સગાંસંબંધીને ત્યાં આવતા લોકો વગેરે તમામ આ સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા હતા. ખૂબ નૉમિનલ દરે આ સુવિધા લોકોને અપાઈ રહી છે જેથી લોકો શૉપિંગ કરી શકે અથવા ક્યાંય જવું હોય તો જઈ શકતા, પરંતુ બીએમસી દ્વારા જરાય સપોર્ટ મળી રહ્યો ન હોવાથી અંતે અમારે આ સુવિધા બંધ કરવી પડી હતી. અમે એક વખત નહીં, અનેક વખત બીએમસીના સંબંધિત ​વિભાગમાં મળીને પણ આવ્યા અને બે વખત પત્ર પણ લખ્યો હતો. આ બધું લોકોની સુવિધા માટે અમે કરી રહ્યા છીએ એમ છતાં બીએમસી લોકોની સુવિધા માટે પણ રસ દેખાડતી ન હોય એવું લાગી રહ્યું છે. જો સુધરાઈ એને ફરી શરૂ કરવા માગતી હોય તો અમારી પૂરેપૂરી તૈયારી છે.’


​બીએમસીએ સાથ ન આપ્યો

આ ડિજિટલ પાર્કિંગથી લોકોને ખૂબ રાહત મળી હતી, પરંતુ તંત્રનો સાથ ન મળતાં આ સુવિધા બંધ થઈ ગઈ હતી એમ જણાવીને દાદર વ્યાપારી સંઘના સેક્રેટરી દીપક દેવરુખકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસીના આ પાર્કિંગને પહેલાં ૧૦થી ૧૫ ટકા જેટલો પ્રતિસાદ મળતો હતો, પરંતુ અમે ચાર મહિના સંઘના ખર્ચે સાડાચાર લાખ રૂપિયા ખર્ચીને વૅલેટ પાર્કિંગ ચલાવ્યું ત્યારે લોકોનો બમણો પ્રતિસાદ મળવા લાગ્યો હતો. અમે ડ્રાઇવરદીઠ ૧૬,૦૦૦ રૂપિયાનો પગાર, સુપરવાઇઝરનો પગાર એવા તમામ ખર્ચા કર્યા હતા. ત્યાર બાદ બીએમસીના અમારા વૉર્ડના અધિકારી કિરણ દિઘાવકરની મુલાકાત લઈને અમારા સંઘ અને બીએમસીએ સાથે મળીને વૅલેટ પાર્કિંગ મે મહિનાથી શરૂ કર્યું હતું. પાર્ક+ દ્વારા અહીં ડિજિટલ રીતે લોકોને પાર્કિંગ સુવિધા અપાઈ રહી હતી.’

બીએમસી સાથ આપે તો કેમ નહીં

બીએમસીએ હકારાત્મક પ્રતિસાદ આપવાની વાત કરી છે એવો પ્રશ્ન પૂછતાં સંઘના સેક્રેટરી દીપક દેવરુખકરે કહ્યું હતું કે ‘આ સુવિધા લોકોના હિતમાં છે અને એને શરૂ કરાવવા અમે ઘણી વખત મહેનત કરી છે. સ્વખર્ચે પણ અમે કામ કર્યું છે. બીએમસી જો હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યું હોય તો ફરી આ સુવિધા કેમ નહીં શરૂ કરીએ? ચોક્કસ અમે પણ આ વિશે ફરી બીએમસી સાથે ચર્ચા કરીને સુવિધા શરૂ કરાવવાના તમામ પ્રયત્નો કરીશું.’

બીએમસીનું શું કહેવું છે?

બીએમસીના જી-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રશાંત સપકાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસી અને વેપારી સંઘે વિવિધ રીતે કામ કરીને આ સુવિધા લોકો માટે શરૂ કરી હતી. આ સુવિધાથી દાદર માર્કેટ જેવા પરિસરમાં લોકોને સારીએવી સુવિધા મળી હતી અને એની સાથે ટ્રાફિક જૅમની સમસ્યા ઉકેલવા પણ મદદ થઈ રહી હતી. આ સુવિધા ચાલુ રાખવા બીએમસીથી થતી દરેક મદદ કરવામાં આવશે. વેપારી સંઘ સાથે વાતચીત કરીને આ વૅલેટ પાર્કિંગની સુવિધા શરૂ કરવા વિશે ચર્ચા પણ કરીશ.’

આ પ્રશ્નોનો નિવેડો લાવવાની જરૂર

થોડા સમય પહેલાં અહીં મૂકેલાં વૅલેટ પાર્કિંગનાં બોર્ડ દૂર કરાવી દેવાયાં હતાં. આ બોર્ડને વાંચીને લોકો ખરીદી કે અન્ય કોઈ પણ કારણસર આવ્યા હોય તો તેમને પાર્કિંગની અત્યાધુનિક સુવિધા મળતી હતી. જોકે પછી બોર્ડ ન હોવાથી પાર્કિંગને ઓછો પ્રતિસાદ મળવા લાગ્યો હતો. અહીં બસ-સ્ટૅન્ડ જેવું બનાવીને ત્યાં સિનિયર સિટિઝનોને બેસવા માટેની જગ્યા, ટ્રાફિક પોલીસની બીટ, ઓલા-ઉબર માટે લોકેશન પૉઇન્ટ, પરિસરનું બ્યુટિફિકેશન જેવી અનેક અન્ય સુવિધા માટે સંઘે તૈયારીઓ કરી લીધી હતી. ટ્રાફિક પોલીસે બેસ્ટને પત્ર લખીને અહીં રહેલા બસ-સ્ટૉપને ખસેડવાની પણ વાત કરી હતી. ટ્રાફિક વિભાગ દ્વારા પૂરતો સહયોગ મળ્યો, પરંતુ બીએમસી દ્વારા પરવાનગીની રાહમાં બધું કામ અટકી પડ્યું હતું. દાદર માર્કેટની પાર્કિંગ સુવિધા પરથી સાઉથ મુંબઈની માર્કેટમાં પણ આ સુવિધા શરૂ કરવા પત્રવ્યવહાર થયા તથા રત્નાગિરિ, નાશિકમાં પણ તહેવારોમાં આ સુવિધા ઊભી કરાઈ. દાદરની પાર્કિંગ સુવિધાથી અનેક લોકો પ્રોત્સાહિત થયા. અહીં રસ્તાના વચ્ચેના ડિવાઇડરને પણ દૂર કરવાની વાત કરાઈ હતી. જોકે બીએમસીએ અહીં જરૂરિયાતની અનેક પરવાનગીઓ આપવા પર ધ્યાન આપ્યું ન હોવાથી પાર્કિંગ સુવિધા બંધ કરાઈ હતી.

તમે જાણો છો?

દાદર જેવા પરિસરમાં જ્યાં હંમેશાં ટ્રાફિક જોવા મળે છે ત્યાં આ પાર્કિંગમાં એકસાથે એક વખતે ૧૭૦૦ ફોર-વ્હીલર પાર્ક કરી શકાય છે. પાર્કિંગના ચાર્જિસ નૉમિનલ રાખવામાં આવ્યા હોવાથી એકથી ચાર કલાકના ફક્ત ૧૦૦ રૂપિયા જ ચૂકવવાના રહેશે. ત્યાર બાદ ૨૫ રૂપિયા પ્રતિ કલાકનો વધારાનો ચાર્જ ગ્રાહકો પાસેથી લેવામાં આવતો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 09:32 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK