Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગવર્નરના મુદ્દે બીજેપીએ ઉદ્ધવ ઠાકરે પર કર્યો કાઉન્ટર-અટૅક

ગવર્નરના મુદ્દે બીજેપીએ ઉદ્ધવ ઠાકરે પર કર્યો કાઉન્ટર-અટૅક

26 November, 2022 08:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજેપી પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે કોણે શું કરવું, કેવું વર્તન કરવું અને ક્યાં જવું એ દરેકનો વ્યક્તિગત અધિકાર છે ત્યારે તેમને આ રીતે ઉતારી પાડવા એ કેટલું યોગ્ય છે? બાળાસાહેબ ઠાકરેએ તમને આવા સંસ્કાર આપ્યા છે?

ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી

ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી



મુંબઈ : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગત સિંહ કોશયારીની આકરી ટીકા કરી છે. છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરનારા કોશયારીને વૃદ્ધાશ્રમમાં મોકલો એવું કહ્યું હતું. રાજ્યપાલે શિવાજી મહારાજનું અપમાન કર્યું જ નથી એવો દાવો બીજેપીના પ્રદેશાધ્યાક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કર્યો છે. તેમણે ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો છે કે કોઈ સન્માનનીય વ્યક્તિએ શું કહેવું જોઈએ અને કેવું વર્તન કરવું જોઈએ એની ટીકા કરવાના સંસ્કાર બાળાસાહેબ ઠાકરેએ આપ્યા છે? 
ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે નાગપુરમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન તરીકે સાવ નિષ્ફળ ગયેલા ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ વિશે આવું બોલવું યોગ્ય નથી. રાજ્યપાલ પર આવી રીતે કોઈ ટીકા નથી કરતું. તેમણે શિવાજી મહારાજ વિશે જે કહ્યું છે એને કોઈનું સમર્થન નથી, પણ રાજ્યપાલની હવે ઉંમર થઈ છે, તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવા જોઈએ એવું કહેવું યોગ્ય નથી. બાળાસાહેબ ઠાકરેને તમને આવા સંસ્કાર આપ્યા છે?
બીજેપીના પ્રદેશાધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે ‘રાજ્યપાલના વિરોધમાં આંદોલન કરવાનો તેમને અધિકાર છે, પણ તેમણે અઢી વર્ષ સારું કામ કર્યું છે તે તમે ભૂલી ગયા? તેમણે છત્રપતિ શિવાજીનું ક્યારેય અપમાન નથી કર્યું. બોલતી વખતે કેટલાક વાંધાજનક શબ્દ નિવેદનમાં આવ્યા હોવાથી આ વિવાદ ઊભો થયો છે.’
રાજ્યપાલ દિલથી મરાઠી વ્યક્તિઓને પ્રેમ કરે છે
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરીષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતાએ ગઈ કાલે રાજ્યપાલ વિશે કહ્યું હતું કે ‘હું તેમને નજીકથી ઓળખું છું. તેમને મરાઠી ભાષા પ્રત્યે પ્રેમ છે. તે એકમાત્ર રાજ્યપાલ છે જે મરાઠી ભાષા શીખી રહ્યા છે. ઝડપથી મરાઠી બોલતી વખતે તેમના મોઢામાંથી જે શબ્દો નીકળે છે એનો જુદો જ અર્થ કરવામાં આવે છે. તેઓ દિલથી મરાઠી વ્યક્તિને પ્રેમ કરનારા રાજ્યપાલ છે.’ 
દરમ્યાન જાણવા મળ્યું હતું કે રાજ્યપાલ ભગત સિંહ કોશયારી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે દિલ્હીની મુલાકાતે ગયા છે. દિલ્હીમાં બીજેપીના કેન્દ્રીય નેતાઓની મુલાકાત કરીને રાજ્યપાલની બદલી સંદર્ભે ચર્ચા હોવાની શક્યતા છે. 
ના થાણે, ના દાદર, અહીં બનશે એકનાથ શિંદે જૂથનું કાર્યાલય
શિવસેનામાં બળવો કરીને મુખ્ય પ્રધાન બનેલા અને પોતાનું અલગ જૂથ બનાવનારા એકનાથ શિંદે થાણે અથવા દાદરમાં તેમની મુખ્ય ઑફિસ બનાવે એવી અટકળો લગાવાતી હતી. જોકે થાણે કે દાદર નહીં, પણ મંત્રાલય નજીકના સી-૨ બંગલામાં તેમની ઑફિસ બનશે. મંત્રાલયની સામે આવેલા પ્રધાનોના બંગલામાં એકનાથ શિંદેનું મુખ્ય કાર્યાલય બનશે એટલે અહીં કાયમ વિરોધી નેતાઓ સામસામે આવવાની શક્યતા છે. એકનાથ શિંદે જૂથના નવા બનનારા કાર્યાલયમાં સભાગૃહ, નાગરિકોને બેસવા માટેની જગ્યા, પ્રેસ કૉન્ફરન્સ અને બેઠકો માટે હૉલ હશે. પક્ષના પ્રમુખ સહિત પ્રવક્તા અને પદાધિકારીઓ માટે કૅબિન તૈયાર કરાશે. 
આવતી કાલે એકનાથ શિંદે જૂથ કામાખ્યાદેવીનાં દર્શને જશે
એકનાથ શિંદે અને તેમની સાથેના શિવસેનાના ૪૦ તેમ જ ૧૦ અપક્ષ વિધાનસભ્યો શિવસેનામાં બળવો થયો હતો ત્યારે વાયા સુરત ગુવાહાટીની હોટેલમાં કેટલાક દિવસ રોકાયા હતા. એ સમયે બધાએ કામાખ્યાદેવીના દર્શન કર્યાં હતાં અને બધું યોગ્ય રીતે પાર પડશે તો ફરી અહીં આવીને માથું નમાવવાનું કહ્યું હતું. બળવા બાદ એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા હતા. સરકારને પાંચ મહિના થવા આવ્યા છે ત્યારે તેઓ રવિવારે કામાખ્યાદેવીનાં દર્શને જઈ રહ્યા છે. આ માટે ગુવાહાટીમાં હોટેલની ૧૦૦ રૂમ બુક કરવામાં આવી છે. એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય કિશોર જોરગેવારના જણાવ્યા મુજબ ગુવાહાટીના કામાખ્યા મંદિરથી ૨૦ મિનિટના અંતરે આવેલી હોટેલમાં ૧૦૦ રૂમ બુક કરવવામાં આવી છે. અહીં એકનાથ શિંદેની સાથે શિવસેનાના ૪૦ અને ૧૦ અપક્ષ વિધાનસભ્યો ઉપરાંત શિવસેનાના ૧૨ સંસદસભ્યો પણ પહોંચશે. દર્શન કર્યા બાદ સાંજે જ બધા ફ્લાઇટમાં મુંબઈ પાછા ફરશે.
સંજય રાઉતના જામીન રદ કરવાની ઈડીની અરજી ફગાવી દેવાઈ
ગોરેગામની પત્રાચાલના કથિત ૧૦૩૯ કરોડ રૂપિયના કૌભાંડ કેસમાં જામીન પર જેલની બહાર આવેલા શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતના જામીન રદ કરવા સંબંધી અરજી આ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી થવાની શક્યતા હતી, પરંતુ જસ્ટિસ એમ. એસ. કર્ણિકની ખંડપીઠે સાંભળવાની ના પાડીને ફગાવી દીધી હતી. આથી સંજય રાઉતને આ મામલામાં રાહત મળી છે. પત્રાચાલ મામલામાં સંજય રાઉત ૧૦૧ દિવસ જેલમાં બંધ હતા. ૯ ડિસેમ્બરે પીએમએલએ કોર્ટ તેમના જામીન મંજૂર કરતાં તેઓ જેલની બહાર આવ્યા હતા. ઈડી હવે હાઈ કોર્ટની બીજી ખંડપીઠ સમક્ષ જામીનસંબંધી અરજી દાખલ કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK