નિસર્ગ વાવાઝોડાથી અલીબાગ, મુરુડ, રાયગડ, રત્નાગિરિમાં ભારે નુકસાન

ભારે પવનને કારણે અલીબાગમાં ઘણાં વૃક્ષો ધરાશાયી થયાં.
નિસર્ગ વાવાઝોડાએ મુંબઈને બાકાત રાખીને અલીબાગ, મુરુડ, રાયગડ અને રત્નાગિરિમાં વિનાશ વેર્યો હતો. વાવાઝોડાની અસરથી બુધવારની સવારથી સૂસવાટા મારતો પવન શરૂ થયો હતો અને બપોરે એનું જોર વધ્યું હતું. વેગવાન પવન અને વરસાદને કારણે અનેક ઠેકાણે ઝાડવાં ઊખડી ગયાં હતાં અને ઘર અને ગોદામોનાં છાપરાં ઊડી ગયાં હતાં. ઘણા વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
રત્નાગિરિના દરિયાકાંઠે એક વહાણ ધસડાઈને આવ્યું હતું જેના ૧૦ ખલાસીઓને બચાવવામાં આવ્યા.
રાયગડ અને રત્નાગિરિના કાંઠાળ વિસ્તારોમાં નૅશનલ ડિઝૅસ્ટર રિલીફ ફૉર્સ (NDRF)ના જવાનો તહેનાત કરવામાં આવ્યા હોવાથી તેમણે કિનારા વિસ્તારના ૧૩,૦૦૦ રહેવાસીઓને સુરક્ષા માટે શાળાઓનાં હંગામી આશ્રય સ્થાનોમાં મોકલ્યાં હતાં. અન્યોને ઘરમાં રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. રત્નાગિરિના મિર્યા બંદરના કિનારે દરિયામાં એક જહાજ કિનારા સાથે ટકરાતાં ૧૦ ખલાસીઓ મુસીબતમાં મુકાયા હતા તે તમામને રેસ્ક્યુ ટીમે બચાવ્યા હતા. રાયગડ જિલ્લાના શ્રીવર્ધનમાં વૃક્ષો તૂટવાની અને છાપરાં ઊડવાની અનેક ઘટનાઓ બની હતી.