અકોલા જિલ્લામાં પ્રભાકરના ગામ મોરગાવ ભાકરેમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
જવાન પ્રભાકર જંજાલ, લાન્સનાયક પ્રદીપકુમાર
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં શનિવારે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયેલા આર્મીના ૨૬ વર્ષના જવાન પ્રભાકર જંજાલના આજે અકોલામાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કુલગામના ફ્રીસલ ચિન્નીગામ વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા એ દરમ્યાન પ્રભાકર અને લાન્સનાયક પ્રદીપકુમાર શહીદ થયા હતા.
અકોલા જિલ્લામાં પ્રભાકરના ગામ મોરગાવ ભાકરેમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રભાકર શહીદ થવાના સમાચાર મળતાં ગામમાં શોક છવાઈ ગયો હતો. પ્રભાકર ૨૦૧૯માં આર્મીમાં જોડાયો હતો અને ૨૦૨૦માં તેને સેકન્ડ મહાર રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યો હતો. ચાર મહિના તે મણિપુરમાં હતો અને પછી તેને રાષ્ટ્રીય રાઇફલ્સ (સ્પેશ્યલ સ્ક્વૉડ)ના ભાગરૂપે કુલગામ જિલ્લામાં તહેનાત કરવામાં આવ્યો હતો. થોડા મહિના પહેલાં જ પ્રભાકરનાં લગ્ન થયાં હતાં.
ADVERTISEMENT
કુલગામ એન્કાઉન્ટરમાં મૃત્યુઆંક ૮ થયો
કુલગામ જિલ્લામાં થયેલા ટ્વિન એન્કાઉન્ટરમાં મૃત્યુઆંક વધીને ૮ થયો હતો. ગઈ કાલે સલામતી દળોને વધુ બે આતંકવાદીઓના મૃતદેહ મળ્યા હતા. શનિવારે કુલગામ જિલ્લાનાં બે ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું.