Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શું પ્રી-વેડિંગ શૂટ કરે છે સંસ્કૃતિનો નાશ?

શું પ્રી-વેડિંગ શૂટ કરે છે સંસ્કૃતિનો નાશ?

08 August, 2022 09:46 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આ વિચારધારામાં માનતા સાગર સમુદાયના બંધુત્રિપુટી તરીકે પ્રખ્યાત પૂજ્ય મુનિરાજ શ્રી આગમ-પ્રશમ-વજ્રરત્ન સાગરજી મહારાજસાહેબે કરેલા આહવાન પછી શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન તપગચ્છ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનાં ૩૦૦થી વધુ શ્રાવકો-શ્રાવિકાઓએ લીધી બાધા

સાગર સમુદાયના બંધુત્રિપુટી તરીકે પ્રખ્યાત પરમ પૂજ્ય મુનિરાજ શ્રી આગમ-પ્રશમ-વજ્રરત્ન સાગરજી મહારાજસાહેબે પ્રી-વેડિંગની પ્રથાના દૂષણને રોકવા માટે સંઘને આહવાન કર્યા બાદ આ દૂષણને ફેલાતું રોકવાની પ્રતિજ્ઞા લઈ રહેલાં શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન તપગચ્છ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનાં શ્રાવકો-શ્રાવિકાઓ.

સાગર સમુદાયના બંધુત્રિપુટી તરીકે પ્રખ્યાત પરમ પૂજ્ય મુનિરાજ શ્રી આગમ-પ્રશમ-વજ્રરત્ન સાગરજી મહારાજસાહેબે પ્રી-વેડિંગની પ્રથાના દૂષણને રોકવા માટે સંઘને આહવાન કર્યા બાદ આ દૂષણને ફેલાતું રોકવાની પ્રતિજ્ઞા લઈ રહેલાં શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન તપગચ્છ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનાં શ્રાવકો-શ્રાવિકાઓ.


બદલાતા યુગ અને ફૅશનની સાથે થોડાં વર્ષોથી લગ્નની તારીખ પહેલાં યુગલો દ્વારા પ્રી-વેડિંગ શૂટ કરાવવાની શરૂઆત થઈ છે. એમાં યુગલ કોઈ પણ હિલસ્ટેશન કે ફરવા જવાનાં સ્થળોએ જઈને વિવિધ પ્રકારના વસ્ત્રપરિધાન કરીને વિડિયો કે ફોટોશૂટ કરાવે છે. આ પ્રી-વેડિંગ શૂટિંગ આપણા દેશની સંસ્કૃતિ, મર્યાદા અને લાજશરમ નેવે મૂકી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે એનો પ્રસાર રોકવા અંધેરી-વેસ્ટમાં શાંતાવાડીમાં આવેલા શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન તપગચ્છ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન સાગર સમુદાયના બંધુત્રિપુટી તરીકે પ્રખ્યાત પરમ પૂજ્ય મુનિરાજ શ્રી આગમ-પ્રશમ-વજ્રરત્ન સાગરજી મહારાજસાહેબે પહેલ કરી છે. શુક્રવારના પ્રવચનમાં તેમણે આહવાન કર્યા બાદ આ સંઘના ૩૦૦થી વધુ વડીલો અને યુવાનોએ પ્રી-વેડિંગ શૂટ તેઓ કે તેમના પરિવારજનો નહીં કરે એવી બાધા લીધી હતી.

આ માહિતી આપતાં મુનિ વજ્રરત્ન સાગરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડાં વર્ષોથી જે પ્રી-વેડિંગનું કલ્ચર આવ્યું છે એનાથી આપણા સમાજમાંથી, આપણી આર્ય સંસ્કૃતિમાંથી લાજ, શરમ અને મર્યાદાનો નાશ થઈ રહ્યો છે. આ દૂષણ આખા સમાજને, રાષ્ટ્રને એક દિવસ ભરખી શકે છે. આપણા બાપદાદાના સમયમાં તો માતા-પિતા જે પરિવારમાં લગ્ન કરે ત્યાં જ પુત્ર-પુત્રીનાં લગ્ન થતાં હતાં. લગ્ન પહેલાં તો એકબીજાના ચહેરા પણ જોવા પામતા નહોતા. જેનાં લગ્ન થતાં હતાં એ યુવાન-યુવતીને લગ્ન પછી જ એકબીજાનો પરિચય થતો હતો. સમય જતાં આ પ્રથામાં બદલાવ આવ્યો અને હવે માતા-પિતા યુવક-યુવતીઓની મીટિંગ કરાવીને તેમનાં લગ્ન કરાવે છે.’



જોકે થોડા સમયથી હવે પ્રી-વેડિંગ શૂટિંગની નવી ફૅશન શરૂ થઈ છે એમ જણાવતાં મુનિ વજ્રરત્ન સાગરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘હવે તો યુવક-યુવતી જેનાં લગ્ન થવાનાં હોય છે તે લગ્ન પહેલાં સાથે હરેફરે છે, એકબીજાનો સ્પર્શ પણ કરે છે. રાવણ પાસે સીતા હતી ત્યારે રાવણ જાણતો હતો કે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં કોઈ પણ સ્ત્રીનો લગ્ન પહેલાં સ્પર્શ કરવો એ સંસ્કૃતિની વિરોધી પ્રક્રિયા છે. લગ્ન થાય, સાત ફેરા ફર્યા પછી જ સ્ત્રીનો સ્પર્શ કરી શકાય છે. આજના સમયમાં હવે તો સ્પર્શ છોડો, લગ્ન પહેલાં જ યુવક-યુવતી પ્રી-વેડિંગ માટે લાખો રૂપિયા ખર્ચ કરીને કાશ્મીર, ગોવા, જેસલમર, ઉદયપુર, જયપુર જેવાં સ્થળોએ સાથે ફરવા જાય છે અને ફોટોગ્રાફરની સામે જ એવાં દૃશ્યો શૂટ કરાવે છે કે ફોટોગ્રાફર માટે પણ ક્યારેક શરમજનક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. આ યુવક-યુવતીનાં દૃશ્યો લેનાર કૅમેરામૅનના મનમાં કેવો અહોભાવ થતો હશે એ કોઈ જ વિચારતું નથી. આ સમયે ક્યાં જતી રહે છે આપણી લાજ, શરમ, મર્યાદા અને આપણા દેશની સંસ્કૃતિ? જૈન સમાજની સંસ્કૃતિ?’


મુનિ વજ્રરત્ન સાગરજી મહારાજસાહેબે તેમના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે ‘અહીં પણ આ વાતનો અંત આવતો નથી. પ્રી-વેડિંગના ફોટો યુવક-યુવતીઓ અને તેમનાં માતા-પિતા પણ હોંશે હોંશે જાહેરમાં વાઇરલ કરે છે ત્યારે પણ તેઓ વિચારતાં નથી કે લગ્ન પહેલાંનાં આવાં દૃશ્યોની બીજાના માનસ પર કેવી અસર થતી હશે. આજનો યુવાવર્ગ લગ્ન પછી શું કરે છે એમાં કોઈને રસ નથી, પણ પ્રી-વેડિંગ શૂટિંગ કરવાથી આપણે જૈન સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિની મર્યાદાના ખુલ્લેઆમ ધજાગરા કરી રહ્યા છીએ. આમ છતાં આ પ્રથાને કોઈ જ રોકવા તૈયાર નથી. આ પ્રથા કોઈ પણ સંજોગોમાં બંધ થવી જોઈએ. આજે શરૂ થયેલી પ્રી-વેડિંગ શૂટની ફૅશન ભવિષ્યમાં લગ્ન પહેલાં યુવાપેઢીને કંઈ પણ કરતી કરી દેશે. અત્યારે જો એને રોકવામાં આવશે નહીં તો આપણી સંસ્કૃતિ આવતા કાળમાં કઈ દિશામાં જશે એ વિચારોથી શરીરમાં કંપારી છૂટી જાય છે. આપણા સમાજની લાજ, મર્યાદા, શરમ અને સંસ્કૃતિને બચાવવા માટે પ્રી-વેડિંગ શૂટને બંધ કરવું જોઈએ.’    

મહારાજસાહેબના પ્રવચનની અમારા સંઘનાં શ્રાવકો-શ્રાવિકાઓ અને યુવાનો પર ધારી અસર થઈ હતી એમ જણાવતાં આ સંઘના સભ્ય અને જ્વેલરીનો બિઝનેસ કરતા ૪૭ વર્ષના ભાવિક કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાજસાહેબે તેમના પ્રવચનમાં જે રજૂઆત કરી એનાથી મારું દિલ હચમચી ગયું હતું. મારે પણ ૨૨ વર્ષનો પુત્ર અને ૧૮ વર્ષની પુત્રી છે. મારા પરિવારમાં મારાં બાળકોના એકાદ-બે વર્ષમાં પ્રસંગ આવીને ઊભા રહેશે. આજે આપણા જૈન સમાજની, આપણા દેશની સંસ્કૃતિની રક્ષા માટે કોઈએ તો પહેલ કરવી જ પડશે. આથી મહારાજસાહેબના પ્રવચનથી પ્રેરિત થઈને મેં અને પ્રવચનમાં હાજર રહેલી મારી પત્ની સહિત ૩૦૦થી વધુ લોકોએ તેમના પરિવારજનોમાં પ્રી-વેડિંગનું દૂષણ ઘૂસવા નહીં દેવાની પ્રતિજ્ઞા લીધી હતી. અમારા જૈન સમાજની રીતે અમે જાહેરમાં મહારાજસાહેબ પાસે પ્રી-વેડિંગ શૂટ નહીં કરવાની કે કરાવવાની બાધા માટે પચ્ચક્ખાણ લીધું હતું.’


મહારાજસાહેબની વાત માર્મિક હતી અને એમાં સમાજની સચ્ચાઈનાં અમને દર્શન થયાં હતાં એમ જણાવતાં શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન તપગચ્છ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી મહેન્દ્ર પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આપણી સંસ્કૃતિ અને આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે અને એનાં કેવાં દુષ્પરિણામો આવી શકે છે એવી પ્રતીતિ અમને મહારાજસાહેબના પ્રવચનથી થઈ હતી. એને કારણે અમારા સંઘનાં રાજસ્થાની, કચ્છી અને ગુજરાતી સેંકડો શ્રાવકો-શ્રાવિકાઓએ ઊભા થઈને મહારાજસાહેબ પાસે પચ્ચક્ખાણ લઈને પ્રતિજ્ઞા કરી હતી કે અમે અમારા પરિવારમાં આ દૂષણને પ્રવેશવા નહીં દઈએ અને એને ડામવા માટે સક્રિય બનીશું.’

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2022 09:46 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK