Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એપીએમસીને પૅરૅલલ માર્કેટને લાગશે તાળાં

એપીએમસીને પૅરૅલલ માર્કેટને લાગશે તાળાં

29 January, 2022 08:25 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

એપીએમસીની બહાર એપીએમસીની સમાંતર ચાલતી બજારો સામે કાર્યવાહીની એપીએમસીના સંચાલકો અને પોલીસને મળી સત્તા : અત્યારે શાકભાજી, ફળો અને અનાજ-કરિયાણાની આઇટમો બારોબાર વેચાય છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માર્કેટની બહાર જ એપીએમસી માર્કેટની સમાંતર એક માર્કેટ ગેરકાયદે રીતે ચાલી રહી છે. અહીં શાકભાજી, ફળો અને અનાજ-કરિયાણાંની આઇટમોનું ડાયરેક્ટ સ્ટોરેજમાંથી જ એપીએમસીમાં પ્રવેશ કર્યા વગર બારોબાર વેચાણ થાય છે. આવી બજારો વિરુદ્ધ એપીએમસી ઍક્ટ પ્રમાણે હવે એપીએમસીના સંચાલકો અને પોલીસ કાર્યવાહી કરી શકશે એવી સત્તા મંગળવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. સરકારની આ કાર્યવાહીથી એપીએમસીમાં આવ્યા વગર જ ડાયરેક્ટ મુંબઈ અને મુંબઈની આસપાસનાં ઉપનગરોમાં જતા માલ બંધ થશે અને નવી મુંબઈની એપીએમસી બજારમાં વ્યાપારમાં વૃદ્ધિ થશે. સરકારના આ નિર્ણયથી એપીએમસીમાં આવેલી બધી જ હોલસેલ માર્કેટોના વેપારીઓમાં ખુશાલીનું વાતાવરણ સર્જાયું છે. વેપારીઓ કહે છે કે ભલે સરકાર ઘણાં વર્ષો પછી જાગી છે, પણ અમારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવી છે.
હવેથી એપીએમસી બજારની હદની બહાર કોઈ પણ જાતનો માલ ગેરકાયદે રીતે વેચી શકાશે નહીં એમ જણાવીને એપીએમસીના દાણાબજારના ડિરેક્ટર નીલેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે ઈરાન અને અફઘાનિસ્તાનના વિદેશી વેપારીઓ દ્વારા નવી મુંબઈની એપીએમસી માર્કેટથી સાવ જ ઓછા અંતરમાં એપીએમસીનો સમાંતર બિઝનેસ કરવામાં આવી રહ્યો છે જે સીધો કોલ્ડ સ્ટોરેજમાંથી કરવામાં આવે છે. આ સમાંતર વ્યાપાર પર નવી મુંબઈના એપીએમસીના ડિરેક્ટરોના દરોડા બાદ આ ગેરકાયદે વ્યાપાર પ્રકાશમાં આવ્યો હતો.’
ત્યાર બાદ આ બનાવની ગંભીર નોંધ લઈને મહારાષ્ટ્રના ગૃહરાજ્યપ્રધાન દિલીપ વળસે-પાટીલ તથા માર્કેટિંગ અને સહકારપ્રધાન બાળાસાહેબ પાટીલે  મંગળવાર, ૨૫ જાન્યુઆરીએ મંત્રાલયમાં એક બેઠક લીધી હતી એમ જણાવીને નીલેશ વીરાએ કહ્યું હતું કે ‘આ મીટિંગમાં એપીએમસીના માર્કેટિંગ સંચાલક સુનીલ પવાર, માર્કેટિંગ અને સહકાર સચિવ અનુપકુમાર, નવી મુંબઈના પોલીસ આયુક્ત બિપિનકુમાર સિંહ, મુંબઈના પોલીસ આયુક્ત વિશ્વાસ નાંગરે પાટીલ તથા એપીએમસીના ડિરેક્ટરો હાજર હતા. આ મીટિંગમાં એપીએમસી બજારની બહાર વેપાર કેવી રીતે, ક્યાંથી અને કોના આશીર્વાદથી ચાલે છે તેમ જ અગાઉ કેવી રીતે બજારની બહાર ચાલી રહેલા વેપાર અને વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી એ સર્વે બાબતો પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ મીટિંગમાં એપીએમસીની સમાંતરમાં ચાલી રહેલો વ્યાપાર એપીએમસી બજારની હદ બહાર અન્ય કોઈ સ્થળે કરી શકાશે નહીં અને જો ગેરકાયદે રીતે કરવામાં આવશે તો એના પર પોલીસ અને એપીએમસી પ્રશાસન બન્ને તરફથી કાર્યવાહી કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં માર્કેટિંગપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ પણન સંચાલક, એપીએમસીના અધિકારી, પાલિકાના અધિકારી, ગૃહ વિભાગના અધિકારીઓની સંયુક્ત કમિટી બનાવવાનો આદેશ આપ્યો હતો.’ 
સરકારના આ ઠરાવથી એપીએમસીના અનાજબજારમાં વેપાર વધવાની નવી આશાનો સંચાર થયો છે એમ જણાવીને ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં બજારના વેપારો ડાયરેક્ટ જતા હોવાને કારણે લગભગ ૫૦ ટકા જેટલો વ્યાપાર ઘટી ગયો છે. નવા ઠરાવથી એપીએમસીના વેપારીઓમાં વ્યાપાર વધવાની એક નવી આશાનો સંચાર થયો છે.’
 એપીએમસી ઍક્ટ હોવા છતાં એપીએમસીની બહાર નવી મુંબઈ, મુંબઈ, ગોરેગામ, બોરીવલી, દાદર, નાગપાડા, ભાયખલા, કુર્લા અને મીરા-ભાઈંદરમાં દરરોજ ૨૫૦થી ૩૦૦ ગૂણી અનાજ, શાકભાજી અને ફળો સીધાં જ લઈ જવામાં આવતાં હતાં એમ જણાવીને એપીએમસીની ફ્રૂટમાર્કેટના એપીએમસીના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રીતના ડાયરેક્ટ ડીલિંગનું વાર્ષિક ટર્નઓવર ૨૫૦થી ૩૦૦ કરોડ રૂપિયા છે. હવે એપીએમસી ઍક્ટના અમલીકરણ કરવાના કાયદાને કારણે ડાયરેક્ટ જતા માલો બંધ થશે અને બજારનો વેપાર વધશે. ગૃહરાજ્યપ્રધાન દિલીપ વળસે-પાટીલ અને માર્કેટિંગ અને સહકારપ્રધાન બાળાસાહેબ પાટીલે મંગળવારે મંત્રાલયમાં યોજાયેલી સંયુક્ત બેઠકમાં એમએમઆરડીએ વિસ્તારમાં ગેરકાયદે જથ્થાબંધ બજાર સામે પગલાં લેવાની એપીએમસીને સંપૂર્ણ સત્તા આપી છે. મુંબઈ, નવી મુંબઈમાં વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ અને ગેરકાયદે હોલસેલ માર્કેટ હવે બંધ કરવામાં આવશે.’ 
અત્યાર સુધીમાં આ જગ્યાએ કેટલી વાર કાર્યવાહી કરવામાં આવી અને કયા-કયા માથાડી કામદારો કામ કરે છે એ વિશે ચર્ચા થઈ હતી એમ જણાવીને એપીએમસીની શાકમાર્કેટના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડીરેગ્યુલેશન ઑર્ડર જારી થયાના બીજા દિવસે એટલે કે છેલ્લાં પાંચ વર્ષથી આ વ્યવસાય અસ્તિત્વમાં હતો. એપીએમસી ઍક્ટ પ્રમાણે એપીએમસીની સમાંતરમાં કોઈ બીજી બજાર શરૂ કરી શકાતી નથી અને એવી બજાર શરૂ કરવી ગેરકાયદે છે. કોલ્ડ સ્ટોરેજ હોય કે વેરહાઉસ, આ રીતે વેપાર કરવો કાયદાકીય રીતે ગુનો છે. જો મુંબઈ એમએમઆર વિસ્તારમાં આવું કોઈ ગેરકાયદે બજાર ચાલતું હોવાની કોઈ પણ વેપારીઓને ખબર પડે તો તેમણે એપીએમસી અને પોલીસની મદદ લઈને એની વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. આવો બન્ને વિભાગના પ્રધાનો દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આ ઠરાવથી વેપારીઓમાં ખુશાલી ફેલાઈ છે. હવે પછી એપીએમસીની સમાંતર બજારો બંધ થશે તથા એપીએમસીની અંદર બિઝનેસ કરી રહેલા વેપારીઓનો વ્યાપાર વધશે અને સુધરશે. ગેરવાજબી હરીફાઈને લઈને છેલ્લા ઘણા સમયથી માર્કેટની અંદરના વેપારધંધા નોંધપાત્ર ઘટી ગયા હતા તેમ જ વેપારીઓ વિવિધ મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા. વેપારીઓ માટે આ સમાચાર રાહત સાથે પ્રોત્સાહક સાબિત થશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2022 08:25 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK