ઘાટકોપરના નીલેશ મહેતા પહેલાં બે વાર ઘર છોડીને પાછા આવી ગયા હતા, પરંતુ આ વખતે પત્તો નથી : કેમ જતા રહે છે એ પત્નીને પણ નથી સમજાઈ રહ્યું
નીલેશ કાંતિલાલ મહેતા
ઘાટકોપર-વેસ્ટના દામોદર પાર્કમાં રહેતા અને અસલ્ફામાં હાર્ડવેરની દુકાન ધરાવતા ૫૬ વર્ષના નીલેશ કાંતિલાલ મહેતા વેપારીને મળીને આવું છું એમ કહીને ૭ જાન્યુઆરીથી ઘર છોડીને જતા રહ્યા છે. આ અગાઉ પણ તેઓ બેથી ત્રણ વાર કંઈ પણ કહ્યા વગર ઘરેથી જતા રહ્યા હતા, પણ બે-ત્રણ દિવસ બાદ તેઓ ઘરે પાછા આવી ગયા હતા એટલે આ વખતે તેમનાં પત્નીએ નીલેશ મહેતા ૭ જાન્યુઆરીએ ઘરેથી જતા રહ્યા પછી તેઓ ત્રણ-ચાર દિવસમાં પાછા આવી જશે એવી આશા રાખી હતી, પરંતુ ઘણા દિવસો બાદ પણ તેઓ ઘરે પાછા ન ફરતાં ૧૪ જાન્યુઆરીએ તેમના ગુમ થવાની ફરિયાદ વિક્રોલી-પાર્ક સાઇટ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે તેમની પત્નીએ સોશ્યલ મીડિયા પર છેક હવે મેસેજ વાઇરલ કરીને કહ્યું છે કે નીલેશ ડિપ્રેશનનો પેશન્ટ છે અને ગુમ થયો છે, જે કોઈને તેનો પત્તો મળે તો તેની માહિતી આપે.
મૂળ મોરબીના જૈન નીલેશનાં પત્ની પૂજા મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમની આ આદતને લીધે તેમની સાથે મેં પણ દુકાને જવાનું શરૂ કર્યું હતું. અમે દામોદર પાર્કથી રોજ અસલ્ફા સાથે દુકાને જતાં હતાં. મેં દુકાનમાં જઈને બધી માહિતી મેળવી તો મને કશેય નીલેશને બિઝનેસનું ટેન્શન હોય એવું લાગ્યું નહીં. અમારો એકનો એક દીકરો અત્યારે દિલ્હીમાં ભણે છે. અમને તેના ભવિષ્યને લઈને પણ ટેન્શન નથી. આમ છતાં નીલેશ કેમ ઘર છોડીને જતો રહે છે એ અમને સમજાતું નથી. નીલેશ ૭ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે ગ્રે શર્ટ અને બ્લૅક પેન્ટ પહેરીને વેપારીને મળવાનું કહીને જતો રહ્યો છે. તે સાંજ સુધી પાછો ન ફરતાં વેપારીઓમાં પણ તપાસ કરી હતી, પણ નીલેશ કોઈને મળવા ગયો નહોતો. રાતે આઠ વાગ્યા સુધી તેનો ફોન ઑન હતો અને અમને છેલ્લું લોકેશન નવી મુંબઈના વાશીનું જોવા મળ્યું હતું. ત્યાર બાદ તેનો ફોન સ્વિચ્ડ્ ઑફ થઈ ગયો છે.’
ADVERTISEMENT
અમે તેને શોધવા માટે પોલીસ-સ્ટેશનમાં ચક્કર મારતાં હતાં, પરંતુ નીલેશ અગાઉ પણ ઘર છોડીને જતો રહ્યો હોવાથી પોલીસને પણ તેને શોધવામાં કોઈ જ રસ નથી એમ જણાવતાં પૂજા મહેતાએ કહ્યું હતું કે ‘મારા કઝિન જેઠ સિવાય મને સાથ આપનારું કોઈ ન હોવાથી તેને શોધવા માટે શું કરવું એની અમને જાણ ન હોવાથી અમે પોલીસમાં ફરિયાદ કર્યા પછી પોલીસના જ ભરોસે છીએ. પોલીસે અમને કહ્યું કે અમે બધે મેસેજ વાઇરલ કર્યો છે એટલે અમે બીજી કોઈ મહેનત કરી નથી. અમે અંધશ્રદ્ધાનો સાથ લઈને જે-તે વ્યક્તિ જ્યાં કહે ત્યાં અમે તેમને શોધવા નીકળી જઈએ છીએ. ગઈ કાલે અમને કોઈકે નીલેશ ચેમ્બુરમાં છે એવી માહિતી આપતાં મારા જેઠ ચેમ્બુર શોધવા ગયા હતા, પરંતુ ત્યાં પણ નીલેશ નહોતો મળ્યો.’

