Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આઉટિંગ ઍટ એની કૉસ્ટ

આઉટિંગ ઍટ એની કૉસ્ટ

12 August, 2022 11:04 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમીની રજાઓ અને એમાં શનિવાર અને રવિવારને કારણે લાંબું વેકેશન મળી ગયું હોવાથી લોકોના ફરવાના ક્રેઝમાં જબરો વધારો જોવા મળ્યો છે અને તેઓ ગમે એમ ફરવા જવા તૈયાર થયા છે ત્યારે મુંબઈના ટ્રાવેલિંગ એજન્ટોનું શું કહે છે?

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બુકિંગ ફુલ : મસ્ત મજાનું વરસાદી વાતાવરણ જામ્યું છે અને લૉન્ગ વીક-એન્ડ પણ છે. આવામાં જો મુંબઈ નજીક ફરવા જવાનું પ્લાનિંગ કરતા હો તો અટકી જજો, કારણ કે અત્યારે એવો તો રશ છે મુંબઈની આસપાસનાં સ્થળોએ હોટેલો અને રિસૉર્ટ્સમાં બુકિંગ ફુલ છે. ‘મિડ-ડે’એ વાત કરી ટ્રાવેલ એજન્ટ્સ પાસે કે ક્યાં શું પરિસ્થિતિ છે. 

એક બાજુ મસ્ત મજાનું વરસાદ રોમૅન્ટિક વાતાવરણ અને એમાં ગઈ કાલથી શરૂ થયેલી મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમીની રજાઓ અને એમાં શનિવાર અને રવિવારને કારણે લોકોને લાંબું વેકેશન મળી ગયું છે. આ રજાઓમાં મુંબઈગરાઓને જાણે કામકાજમાંથી મુક્ત થઈને વિરામ લેવાની અને પરિવાર સાથે મોજમસ્તી કરવાની તક મળી ગઈ છે. એને કારણે મુંબઈની આસપાસનાં પર્યટન સ્થળો જેવાં કે મહારાષ્ટ્રમાં માથેરાન, મહાબળેશ્વર, લોનાવલા, અલીબાગ, ઇગતપુરી અને ગુજરાતના સિલ્વાસા અને સાપુતારાની હોટેલોમાં તથા મુંબઈની નજીકના રિસૉર્ટમાં ફરવા જવા માટે સહેલાણીઓનો જબરો ધસારો છે. મુંબઈના ટ્રાવેલિંગ એજન્ટો કહે છે કે ‘આ લૉન્ગ વીક-એન્ડને કારણે છેલ્લા બે મહિનાથી જબરી ડિમાન્ડ છે. અત્યારે મુંબઈની આસપાસનાં પર્યટનો સ્થળોમાં હોટેલો ફુલ થઈ ગઈ છે. એક બાજુ મુંબઈમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની જોરદાર તૈયારી ચાલી રહી છે તો બીજી બાજુ ૧૨ ઑગસ્ટથી ૧૮ ઑગસ્ટ સુધીમાં લોકોનો ફરવાના ક્રેઝમાં જબરો વધારો જોવા મળી રહ્યો છે. કોવિડ પછી તહેવારોમાં પહેલી વાર આટલી જોરદાર ડિમાન્ડ અમને દેખાઈ છે. એમાં છેલ્લી મોમેન્ટે ૧૩ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટમાં ફરવા જવા લોકો તલપાપડ બની ગયા છે અને અમારે તેમને નારાજ કરવાની નોબત આવી છે.’



કોવિડ પછી અમને પહેલી વાર લોકોમાં ફરવાનો આટલો બધો ક્રેઝ જોવા મળ્યો છે એમ જણાવીને દાદરમાં પંદર વર્ષથી ટૂર્સ ઍન્ડ ટ્રાવેલિંગ સાથે સંકળાયેલી હેવી ટ્રાવેલ્સની નિશા ધરોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા બે મહિનાથી લોકોનાં બુકિંગ આવવા લાગ્યાં છે. મુંબઈ નજીકના રિસૉર્ટમાં પણ આ વીક-એન્ડમાં જગ્યા બચી નથી. અત્યારે મુંબઈ નજીકની મોટા ભાગની હોટેલો ૧૨ ઑગસ્ટથી ૧૮ ઑગસ્ટ સુધી હાઉસફુલ છે. લોકો તહેવારોની ઉજવણી પર્યટનનાં સ્થળોએ જઈને કરવાના ફુલ મૂડમાં છે. કોવિડ પછી આટલી મોટી ડિમાન્ડ આ સીઝનમાં જોવા મળી રહી છે. ઘણીબધી હોટેલો એવી છે જે મહિના પહેલાં સોલ્ડ આઉટ થઈ ગઈ છે. છેલ્લા બે–ત્રણ દિવસથી આ શનિ, રવિ અને સોમ એટલે કે ૧૩ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ માટે લોકોનો ધસારો થયો છે કે ગમે તે કરો, પણ અમને બુકિંગ કરી આપો. હું વધુ પડતું મુંબઈ નજીકના રિસૉર્ટના બુકિંગનું કામ કરું છું; પણ એની સાથે અત્યારે લોકોની સિલ્વાસા, મહાબળેશ્વર, ઇગતપુરીના રિસોર્ટનાં બુકિંગ વધારે આવી રહ્યાં છે.’


લગભગ તમામ અગ્રણી હોટેલોમાં બુકિંગ ફુલ થઈ ગયું છે. લોનાવલામાં અને એની આસપાસની ફોર અને ફાઇવસ્ટાર હોટેલોની સૌથી વધુ માગ છે, જેમની કિંમત ૧૨,૦૦૦ રૂપિયાથી ૧૫,૦૦૦ રૂપિયા એક નાઇટની છે. આમ છતાં આ હોટેલોની રૂમો અત્યારે ફુલ છે. આ જાણકારી આપતાં ગોરગામ-ઈસ્ટના આર્ક ડેસ્ટિનેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર રતન કાદમાવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે આ લૉન્ગ વીક-એન્ડમાં લોકો ટ્રાન્સપોર્ટ ઍક્સેસ જલદી મળે એટલે લોનાવલા, કર્જત, મહાબળેશ્વર, અલીબાગ, ઇગતપુરી, માથેરાન, ખોપોલી અને આમ્બિવલી જેવાં સ્થળો પહેલાં પસંદ કરે છે. લોકોને આ સ્થળોએ તેમના બજેટ મુજબ અને તમામ વયજૂથો તેમના પરિવાર સાથે હોટેલોમાં માણી શકે એવા વિકલ્પ હોવાથી પણ તેઓ બે મહિના પહેલાંથી જ આ સ્થળોએ બુકિંગ કરીને હોટેલો હાઉસફુલ કરી નાખે છે. કોવિડ પછી મુંબઈના લોકોની હરવા-ફરવાની ખૂબ જ ડિમાન્ડ હતી અને એ રીતનું માર્કેટ પણ હોવાથી લાંબા દિવસોની રજાઓ લોકોને ફરવા જવા માટે વધુ આકર્ષક બનાવે છે.’

અત્યારે ઇન્ટરનૅશનલ ટૂરોની એટલી ડિમાન્ડ નથી એમ જણાવતાં ફોરમ વર્લ્ડવાઇડ ટૂર્સનાં ફોરમ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોકે છેલ્લા બે મહિનાથી રક્ષાબંધનના દિવસથી લોકોએ ફરવા જવા માટે હોટેલોનાં બુકિંગ શરૂ કરી દીધાં હતાં. હવે લોકોને નજીકનાં સ્થળોએ ફરવા જવું વધારે ગમે છે. એમાં પણ વરસાદના સમયમાં રોમૅન્ટિક અને ખુશનુમા વાતાવરણને કારણે નજીકનાં હિલ સ્ટેશનો પર જવાની લોકોની જબરી ડિમાન્ડ છે. લોકો હવે રજાઓની તક મળતાં જ ફરવા નીકળી જાય છે. આજે પણ અમારી પાસે ૧૩ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધીની રજાઓ માટેની ડિમાન્ડ છે.’


છેલ્લા બે મહિનાથી શરૂ થયેલી ડિમાન્ડ છેક ઑક્ટોબર મહિના સુધી ચાલશે એવી માહિતી આપતાં ઘાટકોપરના આર. એમ. ટ્રાવેલ્સના મયૂર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લા બે મહિનાથી ઇગતપુરી, કર્જત, લોનાવલા, અલીબાગ અને મુંબઈની નજીકનાં પર્યટન સ્થળોનાં બુકિંગ શરૂ કર્યાં છે જે છેક ઑક્ટોબર સુધી ચાલશે. અમારી અત્યારે ફુલ સીઝન શરૂ થઈ ગઈ છે. દિવાળીની આસપાસ આવી રહેલા લૉન્ગ વીક-એન્ડનાં પણ બુકિંગ અત્યારથી શરૂ થઈ ગયાં છે. આ વીક-એન્ડમાં તો હવે કોઈ સ્થળે જગ્યા જ નથી.’

નાશિક પાસે આવેલા જે રિસૉર્ટમાં અમને બે મહિના પહેલાં નાસ્તા સાથે રહેવાની બે રાતના ૧૪,૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયામાં રૂમ મળી શકી હોત એ જ રિસૉર્ટમાં અમે બે રાતના ૨૩,૫૦૦ રૂપિયા ચૂકવીને ફરવા જવાના છીએ એમ જણાવીને અંધેરી-વેસ્ટની જુ​હુ ક્રૉસ લેનમાં રહેતી નેહા વોરાએ આ વીક-એન્ડની ડિમાન્ડનો અનુભવ વર્ણવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારાં બાળકોને સ્કૂલમાં રજા હોવાથી ૧૨ ઑગસ્ટથી ૧૬ ઑગસ્ટ સુધી ફરવા જવા માટે ઇન્કવાયરી શરૂ કરી હતી. અમે એ સમયે અમ્રિતસર, કેરળ, હૃષીકેશ જેવાં સ્થળોએ જવાનો એક મહિના પહેલાં પ્લાન બનાવ્યો હતો. એ સમયે દુબઈની ફ્લાઇટ ડોમેસ્ટિક ફ્લાઇટ કરતાં સસ્તી હતી એટલે અમે ડોમેસ્ટિક ટૂરનો વિચાર પડતો મૂક્યો હતો. જોકે આખરે અમે ડોમેસ્ટિક ટૂર કરવાનો વિચાર કર્યો હતો. એ માટે અમે મુંબઈની નજીકના લોનાવલા, કર્જત, અલીબાગ, ઇગતપુરી જેવાં સ્થળોના બુકિંગ માટે પૂછપરછ શરૂ કરી હતી. અમને ખબર પડી કે રિસૉર્ટ બધા જ ફુલ છે અને જે બંગલાઓ છે ત્યાંના ભાવ બમણા કરતાં વધુ ચાલી રહ્યા છે. નાછૂટકે અમે નાશિક પાસેની ગ્રેપ કાઉન્ટીમાં ફરવા જઈ રહ્યા છે. એ માટે અમે હોટેલના ડબલ ભાવ ચૂકવી રહ્યા છીએ. ફક્ત નાસ્તા સાથે અમે ૨૩,૫૦૦ રૂપિયા ચૂકવીને બાળકોને ખુશ કરવા જઈ રહ્યા છીએ. આ એક જ હોટેલ હતી જ્યાં ૧૨ ઑગસ્ટ અને ૧૩ ઑગસ્ટ માટે રૂમ ખાલી હતી.’ એક મહિના પહેલાં અમે બધા જ કઝિન્સે આ લૉન્ગ વીક-એન્ડમાં ઇગતપુરીના એક રિસૉર્ટમાં જવાનો પ્લાન બનાવ્યો હતો એમ જણાવતાં ઘાટકોપર-ઈસ્ટની શ્વેતા શાહે ‘મિડ-ડે’ને કહ્યં હતું કે ‘અમે ઘણાં વર્ષોથી બધા સાથે રજાના દિવસોમાં ફરવા જતા હોઈએ છીએ. આ લૉન્ગ વીક-એન્ડમાં ઑફિસો અને સ્કૂલો બધું જ બંધ હોવાથી અમારે ફરવા જવું જ હતું, પણ અમે જે ડેસ્ટિનેશન વિશે વિચારતા હતા એમાં એક મહિના પહેલાંથી જ બધી હોટેલો બુક હતી. આખરે થોડા દિવસ પહેલાં દમણમાં હોટલ મળતી હોવાથી અમે ત્યાંની હોટેલ બુક કરી હતી. જોકે ડેસ્ટિનેશન ચેન્જ થવાથી અમારા બજેટમાં ફરક પડી ગયો હતો. અમારે ગ્રુપદીઠ ૨૦,૦૦૦ રૂપિયા ખર્ચ વધી ગયો હતો. જોકે બીજો કોઈ રસ્તો અમારી પાસે નહોતો એટલે અમે દમણનું બુકિંગ કરી લીધું હતું.’

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 11:04 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK