અજિત પવારને ચૂંટણીચિહ્ન ઘડિયાળ વાપરવાની મનાઈ કરવાની માગણી ફગાવી દેવામાં આવી
શરદ પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં જ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારને સુપ્રીમ કોર્ટનો ઝટકો લાગ્યો છે. અજિત પવારને ચૂંટણીમાં NCPનું ચિહ્ન ઘડિયાળનો ઉપયોગ ન કરવા દેવાની માગણી કરતી અરજી શરદ પવાર જૂથે કરી હતી એ ગઈ કાલે ફગાવી દેવામાં આવી હતી. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) દ્વારા બીજી ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેની ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે કહ્યું હતું કે ‘અમને આશા છે કે બન્ને પક્ષ અમે આપેલા નિર્દેશનું પાલન કરી રહ્યા છે. પાલન ન કરીને પોતાના માટે શરમજનક સ્થિતિ ઊભી ન કરે. અમને ખબર પડશે કે જાણીજોઈને નિર્દેશનું પાલન નથી થતું કે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો અમે પોતે કાર્યવાહી કરવાનો આદેશ આપીશું.’
ADVERTISEMENT
કોર્ટે આ સંબંધે અજિત પવારને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આ મામલાની આગામી સુનાવણી ૬ નવેમ્બરે થશે.