Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૪૨મા વર્ષે એસએસસીની પરીક્ષાની સાથે પાસ કરી અગ્નિપરીક્ષા

૪૨મા વર્ષે એસએસસીની પરીક્ષાની સાથે પાસ કરી અગ્નિપરીક્ષા

20 June, 2022 09:27 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

અનેક પ્રકારની શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યાં હોવા છતાં ભાઈંદરનાં ગુજરાતી મમ્મીએ દીકરી સાથે ૨૭ વર્ષે ફરી દસમાની એક્ઝામ આપી અને સારા ટકા સાથે પાસ પણ કરી

મંજુલા મારુ (ડાબે) અને તેમની દીકરી રાશિએ સાથે દસમાની પરીક્ષા આપી અને પાસ થયાં

મંજુલા મારુ (ડાબે) અને તેમની દીકરી રાશિએ સાથે દસમાની પરીક્ષા આપી અને પાસ થયાં


ફેશ્યલ પૅરૅલિસિસ, ડિપ્રેશન, ચાલવામાં સમસ્યા, જમણો હાથ બરાબર કામ કરી રહ્યો નથી, અનેક નસો બ્લૉક, દવા ન ખાય તો ચક્કર આવે, દેખાવાનું ઓછું થઈ જાય જેવી અઢળક સમસ્યાઓનો સામનો કરી આ બધાને માત આપીને ૪૨ વર્ષનાં મંજુલા વિજય મારુએ ૨૭ વર્ષ બાદ ફરી ભણવાનું શરૂ કર્યું હતું. કોઈને આશા નહોતી કે તેઓ પાસ થશે, પરંતુ પોતાનો આત્મવિશ્વાસ અને કંઈક કરી દેખાડવાની ધગશે તેમને હિંમત આપી અને ભારે મહેનતે તેઓ પાસ તો થયાં અને સારા ટકા પણ આવ્યા. ઉલ્લેખનીય છે કે દસમાની પરીક્ષા મમ્મી અને દીકરીએ સાથે આપી હતી. મમ્મીએ ૬૩.૨૦ ટકા અને દીકરી રાશિએ ૭૮.૬૦ ટકા સાથે એસએસસીની એક્ઝામ પાસ કરી છે.

મારા માટે દસમાની એક્ઝામ મારા નવા જીવનની શરૂઆત છે એમ જણાવીને મંજુલાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા જીવનમાં અનેક સંઘર્ષ આવ્યા છે અને એનો સામનો હું હજી પણ કરી રહ્યું છું. જીવન જીવવાનું મન જ નહોતું થઈ રહ્યું, કારણ કે હું બધા પર એક બોજ છું એવું મને લાગતું હતું. લગ્ન પહેલાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ભણવાનું છોડી દીધું હતું અને દસમું ફેલ હતી. શારીરિક તકલીફો એટલી વધી ગઈ કે લગ્ન બાદ પાર્લરનું કામકાજ પણ બંધ થઈ ગયું હતું. કોઈના પર બોજો બનવો નથી એ વિચારે કંઈ પણ થઈ જાય હવે ભણીશ એવું વિચારી લીધું હતું. ૨૭ વર્ષ બાદ બુક્સને હાથ લગાવ્યો ત્યારે તું ભણીને શું કરીશ એમ કહીને બધાએ વિરોધ કર્યો હતો. જોકે મારો નિર્ણય પાકો હતો કે હવે જીવનમાં કંઈક કરીને જ રહીશ. એટલે આ પરીક્ષા મારા માટે અગ્નિપરીક્ષા બરાબર હતી.’



બોર્ડની એક્ઝામ દરમિયાન હું રસ્તા પર બેભાન થઈ ગઈ હતી એમ જણાવીને મંજુલાબહેને કહ્યું હતું કે ‘મારાં લગ્ન થયાં અને સાસરિયે જતી વખતે બસનો અકસ્માત થતાં કોઈને વાગ્યું નહીં, પણ બસના કાચ દુલ્હન એટલે કે મને લાગ્યા અને મારી હાલત ગંભીર થઈ ગઈ હતી. અકસ્માત બાદ બચી ગઈ એ મારું નવજીવન હતું, પરંતુ અકસ્માતને લીધે મને અનેક શારીરિક તકલીફો થઈ ગઈ છે. સાંજના દવા ન લઉં તો બેભાન થઈને પડી જઉં છું. મારી પોતાની આવક નથી અને શારીરિક તકલીફોને કારણે દવાઓના ખર્ચાથી હું બધા પર બોજ જેવું અનુભવી રહી છું. નોકરીની વાત કરું તો બધા એજ્યુકેશન જ પૂછે છે. એથી હવે કંઈ પણ થાય બાળકો અને પરિવાર માટે ભણીશ અને એટલે મેં પહેલા પગથિયા રીતે એક્ઝામ આપી છે. ચોથી એક્ઝામ આપીને બહાર આવ્યા પછી ઘરે જતી વખતે રસ્તામાં જ તબિયત લથડી જતાં બેભાન થઈ ગઈ હતી, પરંતુ હિંમત કરીને બીજા દિવસે એક્ઝામ આપી હતી. મારાં માતા-પિતા માયાભાઈ અને ઉમા સોસા, પતિ વિજય અને સસરા કેશવ મારુએ પણ મને સારો સાથ આપ્યો છે. મારી દીકરી અને હું બન્ને દસમા ધોરણમાં પાસ થતાં આગળ અભ્યાસ ચાલુ રાખીશ. હું આવતા અઠવાડિયાથી ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ પણ કરવાની છું. આગળ ફૅશન કે જ્વેલરી ડિઝાઇનિંગ કરવાનું વિચારી રહી છું.’


રિપોર્ટ કાર્ડ
મંજુલા મારુ
ઇંગ્લિશ         ૫૫
ગુજરાતી     ૬૭
મરાઠી         ૫૭
મૅથ્સ         ૫૫
સાયન્સ     ઍન્ડ ટેક્નૉલૉજી   ૬૭
સોશ્યલ સાયન્સ        ૭૦
બેસ્ટ ઑ ફાઇવના આધારે      ૩૧૬
ટોટલ            ૬૩.૨૦ ટકા 

રાશિ મારુ
ઇંગ્લિશ         ૮૧
મરાઠી         ૮૮
હિન્દી         ૮૧
મૅથ્સ         ૫૬
સાયન્સ     ઍન્ડ ટેક્નૉલૉજી   ૬૮
સોશ્યલ સાયન્સ        ૬૮
બેસ્ટ ઑફ ફાઇવના આધારે   ૩૮૬+૭ 
ટોટલ    ૭૮.૬૦ ટકા


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 09:27 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK