અંધેરી-વેસ્ટમાં વર્સોવા વિસ્તારમાં અભિનેતા રાઘવ તિવારી પર ચાકુ અને લોખંડના સળિયાથી હુમલો કરવાની ચોંકાવનારી ઘટના તાજેતરમાં બની હતી
માથામાં પટ્ટી સાથે ઍક્ટર રાઘવ તિવારી.
અંધેરી-વેસ્ટમાં વર્સોવા વિસ્તારમાં અભિનેતા રાઘવ તિવારી પર ચાકુ અને લોખંડના સળિયાથી હુમલો કરવાની ચોંકાવનારી ઘટના તાજેતરમાં બની હતી. આ હુમલાને કારણે અભિનેતાના કપાળમાં પાંચ અને માથાની પાછળના ભાગમાં છ ટાંકા આવ્યા છે. વર્સોવા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
રાઘવ તિવારીએ શનિવારે પોતાના પર થયેલા હુમલાની માહિતી મીડિયાને આપી હતી. અભિનેતાએ કહ્યું હતું કે ‘૩૦ ડિસેમ્બરની સાંજે હું ફ્રેન્ડ્સ સાથે શૉપિંગ કરીને ઘર તરફ જઈ રહ્યો હતો. રસ્તો ક્રૉસ કરતી વખતે એક સ્કૂટર સાથે હું અથડાયો હતો. મારી ભૂલ હતી એટલે મેં સ્કૂટરચાલકની માફી માગી હતી અને આગળની તરફ જવા લાગ્યો હતો. આ જોઈને સ્કૂટરચાલક મારા પર ભડક્યો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. એટલું જ નહીં, તેની પાસેના ચાકુથી તેણે બે વખત મારા પર હુમલો કર્યો હતો. જોકે હું થોડો પાછળ હટી ગયો હતો એટલે ચાકુના ઘાથી બચી ગયો હતો. આ જોઈને આરોપી વધુ ગુસ્સે થયો હતો. તેણે સ્કૂટરની ડિકીમાંથી લોખંડનો સળિયો કાઢ્યો હતો અને મારા માથામાં બે વખત ફટકાર્યો હતો. આ દરમ્યાન મારો ફ્રેન્ડ વચ્ચે આવી ગયો હતો એટલે આરોપી ભાગી ગયો હતો. કપાળ અને માથાના પાછળના ભાગમાં સળિયાના ફટકા પડવાથી લોહી નીકળવા લાગ્યું હતું. આથી મને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બે દિવસ બાદ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ મેં વર્સોવા પોલીસ-સ્ટેશનમાં જઈને આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યાના પાંચ દિવસ બાદ પણ પોલીસે આરોપીને પકડ્યો નથી. આરોપી મારા ઘરની આસપાસ ફરતો જોવા મળ્યો હોવાની જાણ પણ પોલીસને કરી છે.’