° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ઍક્સિડન્ટે ગુજરાતી પરિવારને કર્યો બેઘર

26 November, 2021 08:37 AM IST | Mumbai | Priti Khuman Thakur

અકસ્માતને કારણે ગંભીર ઈજાઓ થતાં પુત્રનું ઑપરેશન કરાયું છે અને તેની હાલત નાજુક હોવાથી તેને છોડીને ક્યાંય જઈ શકાતું ન હોવાથી પરિવારના સભ્યો અને બે વર્ષનું બાળક હૉસ્પિટલની નીચે રસ્તા પર ગુજારો કરી રહ્યાં છે

મલાડની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલો વિજય નગવાડિયા, હૉસ્પિટલની બહાર રસ્તા પર વિજયનો પરિવાર રહે છે.

મલાડની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલો વિજય નગવાડિયા, હૉસ્પિટલની બહાર રસ્તા પર વિજયનો પરિવાર રહે છે.

ગરીબ પરિવાર પર મજબૂરી આવે ત્યારે એણે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. આવી કંઈ હાલત મલાડની એક હૉસ્પિટલની બહાર રસ્તા પર રહેતા ગુજરાતના એક ગુજરાતી પરિવારની જોવા મળી રહી છે. આ પરિવાર સાથે કાંદિવલી પાસે થયેલા અકસ્માતને કારણે પરિવારે બે વર્ષની બાળકી સાથે હૉસ્પિટલની બહાર ગુજારો કરવાનો દિવસ આવ્યો છે. 
દસેક દિવસ પહેલાં ગુજરાતના બોટાદમાં રહેતા રમેશ નગવાડિયા તેમની પત્ની, દીકરો-વહુ, પૌત્રી અને એક સંબંધી સાથે મુંબઈ આવ્યા હતા. મુંબઈથી ધંધાકીય કામકાજ માટે વસ્તુઓ લઈને તેઓ શિર્ડી માનતા હોવાથી પહેલાં ત્યાં અને ત્યાંથી પોતાના ઘરે જવાના હતા. કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સ પાસે સંબંધી મળતાં તેમનો પરિવાર ત્યાંની ફુટપાથ પર ઊભો રહીને વાતચીત કરી રહ્યો હતો. એ વખતે ત્યાંથી લાલ કલરની એક કાર સ્પીડમાં આવી અને ફુટપાથ પર ઊભેલા પાંચ જણને અડફેટે લીધા હતા. એમાં બે મહિલા અને ત્રણ પુરુષ જખમી થયાં હતાં.
મારા ૩૦ વર્ષના દીકરા વિજયને અકસ્માતમાં ગંભીર રીતે ઈજાઓ થઈ હતી એમ કહેતાં રમેશ નગવાડિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાર સ્પીડમાં આવી રહી હતી ત્યારે રસ્તા પરથી પસાર થનારે જોરથી બૂમો પાડતાં હું એકદમ દૂર થઈ ગયો, પરંતુ મને ધ્યાન જ નહોતું કે મારો દીકરો પાછળ જ હતો. એ કારે પાંચ જણને અડફેટમાં લીધા હતા. એમાં મારા દીકરાને સૌથી વધુ માર લાગતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈને બેભાન અવસ્થામાં પડી ગયો હતો. લોહીલુહાણ અવસ્થામાં તેને પાસે આવેલી સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં મારો દીકરો બચશે નહીં એ મને ચોક્કસ લાગી રહ્યું હતું. જે યુવકની કાર હતી એ યુવકની માતાએ અમને આશ્વાસન આપ્યું હતું કે તમારા દીકરાને અમે પહેલાંની જેમ ઓકે કરી આપીશું. એથી તેમને મેં વિનંતી કરી કે મારા દીકરાને તમે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરાવો.’
પોતાને થઈ રહેલી હેરાનગતિ વિશે રમેશભાઈએ ભાવુક અવાજે કહ્યું હતું કે ‘દીકરો મલાડની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેની કમરનાં બે ઑપરેશન થઈ ગયાં છે. માથામાં પાછળના ભાગમાં, પગમાં ફ્રૅક્ચર, પેટમાં એમ શરીરના વિવિધ ભાગોમાં માર લાગ્યો છે. તે હાલમાં તો બેડમાંથી ઊભો પણ થઈ શકે એવી હાલતમાં નથી. ખાવા-પીવામાં પણ ખૂબ સમસ્યા આવી રહી છે. મારા દીકરા પાસે અને મારી પાસે જેટલા પૈસા હતા એ અકસ્માત બાદ જ્યાં-ત્યાં વપરાઈ ગયા છે. દીકરાનો મોબાઇલ પણ જતો રહ્યો છે. દીકરો હૉસ્પિટલમાં હોવાથી અમારો પરિવાર ચિંતામાં હોવાથી ક્યાંય જઈ શકતો નથી. તેની પત્ની તો એક પળ માટે પણ દૂર જવા તૈયાર નથી. પૈસા તો છે નહીં કે ક્યાંય રહેવા જઈ શકીએ. મુંબઈનાં ભાડાં તો આપણને પરવડી શકે એમ નથી. એથી નાછૂટકે અમે હૉસ્પિટલની પાસે જ રસ્તા પર અમારું ઘર બનાવી દીધું છે. સાડીનું ઘોડિયું બાંધીને વિજયની બે વર્ષની દીકરીને એમાં સુવડાવીએ છીએ. અમે તો વડાપાંઉ ખાઈને દિવસ પસાર કરી રહ્યા છીએ, પરંતુ રાતના સમયે મચ્છરોનો ખૂબ ત્રાસ થઈ રહ્યો છે અને મચ્છરો બાળકીને કરડે નહીં એટલે એના પર અમે સતત ધ્યાન રાખતા હોઈએ છીએ.’
ચિંતા હવે એ છે કે દીકરાની હાલત એવી છે કે તેને રિકવરી કરવા માટે ઓછામાં ઓછા ૩થી ૪ મહિના લાગશે જ એમ જણાવીને રમેશ નગવાડિયાએ કહ્યું હતું કે ‘ડૉક્ટરોએ પણ આવું સ્પષ્ટ કહી દીધું છે એથી તેને થોડા સમય માટે તો અન્ય કોઈ હૉસ્પિટલમાં ખસેડવો જ જોઈશે, પરંતુ હવે અમે ખર્ચો કરી શકીએ એવી હાલતમાં જરાય નથી. સાચું કહું તો ગરીબ હોવાનો આજે ખરા અર્થે અફસોસ થઈ રહ્યો છે કે અમને આવા દિવસો જોવા મળી રહ્યા છે.’

26 November, 2021 08:37 AM IST | Mumbai | Priti Khuman Thakur

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK