Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફડણવીસના અહમ‍્ને સંતોષવા આરેના જંગલનો ભોગ નહીં લેવા દઈએ

ફડણવીસના અહમ‍્ને સંતોષવા આરેના જંગલનો ભોગ નહીં લેવા દઈએ

02 July, 2022 09:55 AM IST | Mumbai
Ranjeet Jadhav | ranjeet.jadhav@mid-day.com

આમ કહીને પર્યાવરણપ્રેમીઓ આરે કોલોનીમાં મેટ્રોના કારશેડના મુદ્દે ફરી આંદોલન કરવાની તૈયારીમાં છે

ગોરેગાંવમાં આરેના જંગલમાં નાગરિકોએ વિરોધ કર્યો (તસવીર : સમીર માર્કંડે)

ગોરેગાંવમાં આરેના જંગલમાં નાગરિકોએ વિરોધ કર્યો (તસવીર : સમીર માર્કંડે)


 મેટ્રો કાર ડેપો આરેમાં જ બનશે એવી જાહેરાત નવી રાજ્ય સરકારના નાયબ મુખ્ય પ્રધાને કરતાં જ આગળની રણનીતિ તૈયાર કરવા શહેરના ગ્રીન ઍક્ટિવિસ્ટો સેવ આરે મૂવમેન્ટના વિવિધ સ્ટેકહોલ્ડર્સને મળ્યા હતા. દરમ્યાન, મુંબઈના હરિયાળા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિકાસનો વિરોધ કરનારા નાગરિકોએ આ પગલા સામે જનઆંદોલનની ચેતવણી આપી છે.

એનજીઓના સ્થાપક અને ચૅરપર્સન ડૉક્ટર જલ્પેશ મહેતાએ કહ્યું હતું કે ‘ડબ્લ્યુએચઓ મુજબ વિશ્વનાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં મુંબઈ ચોથા ક્રમે આવે છે. સમૃદ્ધ વન્યજીવન અને બાયોડાઇવર્સિટી ધરાવતું આરે મુંબઈનાં ફેફસાં સમાન છે. શહેરના વર્તમાન અને ભાવિ નાગરિકો માટે આપણે એની જાળવણી કરવી જ જોઈએ. મેટ્રોની પણ એટલી જ આવશ્યકતા છે, પરંતુ ટ્રેનને ધોવા તેમ જ એની જાળવણી કરવા માટેનો ઇન્ટિગ્રેટેડ કારશેડ આરેમાં નહીં પરંતુ કાંજુરમાર્ગમાં હોવો જોઈએ. એ ટેક્નિકલ દૃષ્ટિએ યોગ્ય રહેશે તેમ જ એનાથી ખર્ચમાં પણ બચત થાય છે.’ 
જોકે ઠાકરે સરકાર દ્વારા જંગલ તરીકે જાહેર કરાયેલો ૮૧૨ એકરનો જંગલ વિસ્તાર યથાવત્ રહેશે. કારડેપો પ્લૉટ જંગલ તરીકે જાહેર કરાયેલા વિસ્તાર કરતાં અલગ છે.



પ્રકૃતિપ્રેમી અને ઍક્ટિવિસ્ટ અભય આઝાદે કહ્યું હતું કે ‘આરે ફૉરેસ્ટ માટે તે ઉદ્ધવજીના નિવેદનની પ્રશંસા કરે છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીના સભ્યો, સ્વયંસેવકો અને યુવા સેનાએ પણ આગળ આવીને આરેની જમીનને બચાવવાના ઉદ્દેશમાં જોડાવું જોઈએ અને મુંબઈગરાએ સાથે મળીને આ લડતને મજબૂત બનાવવી જોઈએ છે.’


આરે કન્ઝર્વેશન ગ્રુપના સભ્ય અને એનજીઓ વનશક્તિના પર્યાવરણવિદ સ્ટાલિન ડી.એ કહ્યું હતું કે ‘ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની પ્રામાણિકતા તેમના સંબોધનમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કારશેડના મુદ્દાનો ઉકેલ લાવીને વિશ્વને બતાવ્યું હતું કે યોગ્ય અને ટકાઉ વિકાસ શક્ય છે. કાંજુરમાર્ગ ડેપો મહત્ત્વપૂર્ણ હતો અને એનાથી પર્યાવરણની દૃષ્ટિએ મહત્ત્વનાં ગણાય એવાં ચાર સ્થળો બચાવી શકાયાં હતાં. જો તેમના વિઝનને અમલમાં મૂકવામાં આવ્યું હોત તો કોઈ જંગલનો ભોગ ન લેવાયો હોત. ફડણવીસની જાહેરાતથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાના અહમને સંતોષવા માટે આરેના જંગલનો ભોગ આપી રહ્યા છે. સમાજના તમામ વર્ગના લોકોએ આરેને બચાવવા માટે આગળ આવવું જોઈએ. તે તમામે ફરીથી એક થઈને આરેના બિનજરૂરી વિનાશને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ, જે ફડણવીસ અને શિંદે સેના દ્વારા બિલ્ડરલૉબીને ખુશ કરવાનો એક પ્રયાસમાત્ર છે.’  

ગ્રીન ઍક્ટિવિસ્ટ ઝોરુ ભાઠેનાએ કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેજીએ આરેમાંથી ડેપો હટાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર અને બળવાખોરોએ લાંબો સમય સુધી તેમના હાથ બાંધી રાખ્યા હતા. આરે વિશે તેમના શબ્દો હૃદયને સ્પર્શી ગયા.’


અગાઉ વિરોધમાં ભાગ લેનારા પ્રકૃતિપ્રેમી સુમિત સિંહે કહ્યું હતું કે ‘નવી સરકાર આરે મિલ્ક કૉલોનીમાં કારડેપો પાછો લાવી રહી છે એ વાતથી હું વ્યક્તિગત રીતે નાખુશ છું. આરેનું જંગલ અને સંજય ગાંધી નૅશનલ પાર્ક મુંબઈનાં હરિત ફેફસાં છે. આપણે સાથે મળીને આરે મિલ્ક કૉલોનીમાં કારશેડ બાંધવાની સરકારની દરખાસ્તનો વિરોધ કરવાનું કાયમ રાખીશું.’

અન્ય એક મુંબઈગરા અરુણ સિદ્ધુએ કહ્યું હતું કે ‘સરકાર દ્વારા આરેમાં કારશેડ બાંધવાનો લેવામાં આવેલો નિર્ણય એ વાતની પ્રતીતિ કરાવે છે કે તેમને પર્યાવરણમાં થઈ રહેલા વિનાશક ફેરફારો સાથે કોઈ સંબંધ નથી અને તેઓ માત્ર પોતાનાં રાજકીય સમીકરણો સુલટાવવામાં જ પડ્યા છે. આપણે તમામ મોટી સંખ્યામાં એકઠા થઈને આનો વિરોધ કરીશું.’ 

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 09:55 AM IST | Mumbai | Ranjeet Jadhav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK