Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૩૫ લાખની લોન લેવા જતાં ૧૦ લાખ ગુમાવ્યા

૩૫ લાખની લોન લેવા જતાં ૧૦ લાખ ગુમાવ્યા

25 January, 2023 11:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે દીકરાઓને વિદેશ મોકલવાના ચક્કરમાં થયા છેતરપિંડીનો શિકાર : પુણેમાં આ જ પ્રકારના અન્ય એક કેસમાં પોલીસે તેની ધરપકડ કરી છે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


મુંબઈ ઃ નવી મુંબઈના સાનપાડામાં રહેતા આનંદ ગાયકવાડને તેમના બે દીકરાઓને વિદેશ મોકલવા હતા. એમાં એક જર્મની અને બીજો કૅનેડા જવાનો હતો. એથી તેઓ એજ્યુકેશન લોન લેવાનું વિચારી રહ્યા હતા. એ વખતે ઓળખીતાઓને કહી રાખ્યું હતું કે કોઈ લોન અપાવી શકે એવું હોય તો કહેજો. જોકે ત્યાર બાદ તેમને મળેલો મોરલો ૩૫ લાખ રૂપિયાની લોન આપવાનું કહી ૧૦ લાખ પડાવીને કળા કરી ગયો હતો. આમ ૩૫ લાખ તો દૂર રહ્યા, ઘરના ૧૦ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આ‍વ્યો હતો. જોકે આરોપી હવે પુણેમાં પણ આ જ પ્રકારના કેસમાં પકડાયો છે. નવી મુંબઈના સાનપાડામાં છેતરપિંડીની ફરિયાદ તો નોંધાઈ છે, પણ ૧૦ લાખમાંથી કેટલા રૂપિયા પાછા મળશે એની ચિંતા આનંદ ગાયકવાડને સતાવી રહી છે.     
છેતરપિંડીની આ ઘટના માર્ચ ૨૦૨૨માં બની હતી. આરોપી અક્ષય પવારે આનંદ ગાયકવાડનો સંપર્ક કર્યો ત્યારે તેણે એમ કહ્યું હતું કે તે એક નૅશનલાઇઝ્ડ બૅન્કમાં કામ કરે છે અને તેણે પોતાનું આઇડી પણ બતાવ્યું હતું.  એથી તેના પર તેમણે ભરોસો કર્યો હતો. ત્યાર બાદ અક્ષય પવારે પ્રોસેસિંગ ફી, ઇન્શ્યૉરન્સ, સ્ટૅમ્પપેપર્સ અને અન્ય ખર્ચાઓ એમ કહીને આનંદ ગાયકવાડ પાસેથી ધીમે-ધીમે ૧૦ લાખ રૂપિયા લીધા હતા. જોકે ત્યાર બાદ તેણે તેમને લોન આપવા બાબતે વાત ટાળવા માંડી હતી. એથી વારંવાર સંપર્ક કરવા છતાં લોન મળી રહી નહોતી ત્યારે છેવટે આનંદ ગાયકવાડે લોઅર પરેલની બૅન્કની એ બ્રાન્ચ જેમાંથી તેમને લોન મળવાની હતી ત્યાં જઈને તપાસ કરી હતી. ત્યારે ત્યાંથી તેમને જણાવવામાં આવ્યું કે અક્ષય પવાર પહેલાં તેમની બૅન્કમાં કામ કરતો હતો, પણ તેણે લોકો સાથે આ રીતની છેતરપિંડી કરવા માંડી હોવાથી બૅન્કે તેને નોકરી પરથી તગેડી મૂક્યો છે અને અનેક લોકોને તેણે છેતર્યા છે. એ વખતે આનંદ ગાયકવાડના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી અને અક્ષય પવાર તેમને ૧૦ લાખનો ચૂનો લગાડી ગયો હોવાની જાણ થઈ હતી. આથી તેમણે સાનપાડા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જોકે હવે તપાસ દરમ્યાન એવું જણાઈ આવ્યું છે કે પુણેમાં આ જ પ્રકારના અન્ય એક કેસમાં પુણે પોલીસે તેની ધરપકડ કરી છે.  


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK