શનિવારે રોહિત યાદવે આરતી યાદવને મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, પણ પોલીસે એ ફરિયાદને ગંભીરતાથી લીધી જ નહીં
મૃતક અને તેનો હત્યારો
ઇગ્નૉર કરતી પ્રેમિકાને બીજા છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે એવી શંકાને પગલે નટ-બોલ્ટ ખોલવાના પાનાથી ભરરસ્તે તેની હત્યા કરીને બૉયફ્રેન્ડ ત્યાં જ બેસી ગયો અને બૂમાબૂમ કરવા લાગ્યો... ક્યોં કિયા, ક્યોં કિયા
વસઈમાં એક યુવકે તેની પ્રેમિકાની ભરરસ્તા પર હુમલો કરીને હત્યા કરી હતી. આ ઘટના વસઈ-ઈસ્ટના ગવરાઈપાડામાં ગઈ કાલે સવારે ૯ વાગ્યે બની હતી. એ સમયે રસ્તા પર રહેલી ભીડે યુવતીને બચાવવાને બદલે વિડિયો-શૂટિંગ ઉતાર્યું હતું. વાલિવ પોલીસે ઘટનાસ્થળેથી આરોપી યુવકની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
નાલાસોપારામાં રહેતી બાવીસ વર્ષની આરતી યાદવ અને ૨૯ વર્ષનો રોહિત યાદવ છેલ્લાં ૬ વર્ષથી રિલેશનમાં હતાં. આરતી પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી હતી અને તે બારમી પાસ છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના સંબંધોમાં તિરાડ પડી હતી અને આરતી રોહિતને ઇગ્નૉર કરતી હતી. રોહિતને શંકા હતી કે આરતીનું કોઈ અન્ય છોકરા સાથે અફેર હશે. ગઈ કાલે સવારે આરતી રાબેતા મુજબ કામ પર જવા નીકળી હતી અને ૯ વાગ્યે રોહિતે વસઈના ગવરાઈપાડા ખાતે સ્ટેટ બૅન્કની સામે આરતીને આંતરી હતી. બન્ને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. એ પછી અચાનક રોહિતે પોતાની બૅગમાંથી નટ-બોલ્ટ ખોલવાનું લોખંડનું પાનું કાઢીને આરતીના માથા અને શરીરના બીજા ભાગોમાં જોરદાર ફટકા માર્યા હતા જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યા કર્યા બાદ રોહિત ત્યાં જ બેઠો હતો અને પોતાની મૃત્યુ પામેલી પ્રેમિકાની સામે જોઈને બૂમાબૂમ કરવા લાગ્યો હતો કે ક્યોં કિયા, ક્યોં કિયા. વાલિવ પોલીસે આવીને તેની ધરપકડ કરી હતી. આરોપી રોહિત યાદવ હરિયાણાનો છે અને નાલાસોપારાના સંતોષ ભવનમાં એકલો રહેતો હતો.
વિડિયો ઉતારવામાં વ્યસ્ત
ગવરાઈપાડા વિસ્તારમાં સવારના સમયે રસ્તા પર લોકોની ભીડ હોય છે. રોહિત આરતીને પાનાથી મારી રહ્યો હતો ત્યારે તેને બચાવવાને બદલે ટોળું મોબાઇલ ફોનથી વિડિયો લેતું હતું. જોકે એક યુવકે દરમ્યાનગીરી કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં તે નિષ્ફળ ગયો હતો.
...તો આરતી બચી ગઈ હોત
શનિવારે રોહિતે આરતીને માર માર્યો હતો અને તેનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. એ પછી તેણે આરતીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારે આરતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ફક્ત નૉન-કૉગ્નિઝેબલ (NC) કમ્પ્લેઇન્ટ નોંધવામાં આવી હતી. મૃત્યુ પામનાર આરતીની બહેન સાનિયા યાદવે આરોપ લગાવ્યો કે જો પોલીસે સમયસર કડક કાર્યવાહી કરી હોત તો મારી બહેનનો જીવ ગયો ન હોત.
અફેરની પપ્પાને ખબર હતી
બન્નેના અફેરની આરતીના પપ્પાને ખબર હતી, પણ તેમની ઇચ્છા હતી કે લગ્ન પહેલાં રોહિત પોતાનું ઘર ખરીદે. આના માટે રોહિતે પૈસા બચાવવાનું પણ શરૂ કર્યું હતું, પણ એમાં તેને ધારી સફળતા ન મળતાં આરતીએ તેને મદદ કરવા નોકરી શરૂ કરી હતી. રોહિતે ગઈ કાલે પોલીસને તપાસ દરમ્યાન કહ્યું હતું કે ‘આ નોકરીમાં તે બીજા છોકરાને પ્રેમ કરવા લાગી હોવાથી મને બહુ જ ગુસ્સો આવ્યો હતો અને આ જ કારણસર મેં આરતીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.’ આરતી બીજા છોકરાને મળે છે એ વાત રોહિતે આરતીના પપ્પાને પણ કરી હતી આમ છતાં આરતીએ તે છોકરા સાથે વાત કરવાનું બંધ નહોતું કર્યું.
ફોટોલાઇન ઃ પ્રેમિકાને ધારદાર શસ્ત્રના ઘા મારીને તેનો જીવ લીધો.
-‘પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આરતી બચી ગઈ હોત’ એવો દાવો તેની બહેને કર્યો છે.
-આ આરોપી રોહિત યાદવે પ્રેમિકાની હત્યા કરી હતી.
---======---