અમરેલીના જગદીશ પરમાર અને બોરીવલીના હરેશ સાપરિયા સામે પોલીસમાં ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત પાસિંગ બસને અરુણાચલ પ્રદેશમાં ખોટા દસ્તાવેજો પર રજિસ્ટર કરાવનાર અમરેલીના જગદીશ પરમાર અને બોરીવલીના હરેશ સાપરિયા સામે નવી મુંબઈની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ મંગળવારે તુર્ભે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. RTO વિભાગ દ્વારા કોપરખૈરણે નજીક નાકાબંધીમાં એક બસ પર શંકા જતાં એને અટકાવીને તપાસ કરતાં બસનાં શૅસિ, રજિસ્ટ્રેશન અને એન્જિન-નંબર બદલવામાં આવ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ બસ પર ગુજરાતમાં આશરે સાડાસાત લાખ રૂપિયાનો ફાઇન અને ટૅક્સ બચાવવા આવું કર્યું હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ખોટા દસ્તાવેજોના આધારે બસને અરુણાચલ પ્રદેશમાં નવું રૂપ આપવામાં આવ્યું હતું એમ જણાવતાં નવી મુંબઈના RTO વિભાગમાં સિનિયર વાહન-ઇન્સ્પેક્ટર પ્રશાંત શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જુલાઈ મહિનાના અંતમાં કોપરખૈરણે સ્ટેશનની સામે વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી. એ દરમ્યાન એઆર-૦૬-બી-૮૬૨૧ નંબરની બસમાં ઇમર્જન્સી એક્ઝિટનો રસ્તો બંધ કરીને ત્યાં ચાર સીટમાં પ્રવાસીઓને બેસાડ્યા હોવાનું ધ્યાનમાં આવતાં બસને જપ્ત કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતીમાં આ બસ અરુણાચલ પ્રદેશમાં નોંધાયેલી હોવાનું દેખાઈ આવ્યું હતું. જોકે દસ્તાવેજો પર શંકા જવાથી ઝીણવટભરી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બસનો શૅસિ-નંબર અને પ્લેટ નકલી હતાં. ત્યાર બાદ આ બસ અશોક લેલૅન્ડ કંપનીએ બનાવી હોવાનું સામે આવતાં અમે અશોક લેલૅન્ડ કંપની પાસે આ બસની માહિતી માગી હતી. એનો અહેવાલ અમારી સામે સોમવારે આવ્યો હતો. એમાં જાણવા મળ્યું હતું કે નકલી માહિતી અને નકલી દસ્તાવેજો રજૂ કરીને આ બસની નોંધણી અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવી હતી. આ બસનો મૂળ માલિક અમરેલીમાં રહેતો જગદીશ પરમાર હતો જેણે ૭,૪૫,૨૦૦ રૂપિયાનો ટૅક્સ અને ફાઇન બચાવવા હરેશ સાપરિયાની મદદથી બનાવટી દસ્તાવેજોના આધારે નોંધણી કરાવી હતી. અંતે અમે બન્ને સામે તુર્ભે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
પોલીસ શું કહે છે?
ગુજરાત, મહારાષ્ટ્ર અને અરુણાચલ રાજ્યોનો ટૅક્સ અને ફાઇન ન ભરવાના ઇરાદે કરેલી છેતરપિંડી RTO દ્વારા મંગળવારે અમારી પાસે નોંધાવવામાં આવી છે એમ જણાવતાં તુર્ભે પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે હાલમાં આરોપીની ધરપકડ કરી નથી; પણ આ બહુ મોટી ગૅન્ગ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, કારણ કે આરોપીઓએ બોગસ દસ્તાવેજો પર બસ અરુણાચલ પ્રદેશમાં કાયદેસર રજિસ્ટર પણ કરાવી દીધી હતી. આ કેસમાં વધુ આરોપીઓ સામે આવે એવી શક્યતા છે.’