Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનનો ચાંદીનો વેપારી ટ્રેનમાં દારૂના નશામાં સૂઈ ગયો અને ૮૩ લાખ ચોરાઈ ગયા

રાજસ્થાનનો ચાંદીનો વેપારી ટ્રેનમાં દારૂના નશામાં સૂઈ ગયો અને ૮૩ લાખ ચોરાઈ ગયા

16 June, 2024 09:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશાથી આવતા વેપારીને ટ્રેનમાં કોચ-અટેન્ડન્ટની સંગત ભારે પડી : દારૂમાં કંઈક મિક્સ કરવામાં આવ્યું હોવાથી દાદર સ્ટેશન પર તબિયત બગડતાં તેને સાયન હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવો પડ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


રાજસ્થાનના ૬૧ વર્ષના ચાંદીના વેપારી ગુરુવારે ઓડિશાના બ્રહ્મપુર સ્ટેશનથી કોણાર્ક એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ આવી રહ્યા હતા ત્યારે તેમની ૮૩ લાખ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાની 
ફરિયાદ ગુરુવારે દાદર રેલવે પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. આઘાતજનક વાત એ છે કે બ્રહ્મપુરથી સોલાપુર સ્ટેશન સુધી વેપારીએ ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાં કોચ-અટેન્ડન્ટ સાથે ચિક્કાર દારૂ પીધો હતો. ત્યાર બાદ તેમને ચક્કર આવતાં તેઓ સૂઈ ગયા હતા. દાદર રેલવે-સ્ટેશન આવ્યું ત્યારે પૈસા ચોરાયા હોવાની માહિતી તેમને મળી હતી. વેપારીએ ફરિયાદમાં આરોપ કર્યો છે કે સોલાપુર રેલવે-સ્ટેશન પર જે દારૂ પીધો હતો એમાં કંઈક મિક્સ કરવામાં આવ્યું હોવાથી તેમની તબિયત લથડી હતી. અંતે દાદર રેલવે-સ્ટેશન પર તેમની તબિયત વધુ લથડતાં સાયન હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યા હતા.


રાજસ્થાનના વેપારીની ટ્રેનમાં પીધેલા દારૂને કારણે તબિયત એટલી હદે લથડી હતી કે દાદર સ્ટેશન પર ટ્રેન આવતાં તેમને તાત્કાલિક ઇલાજ માટે સાયન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જેને કારણે અમારે તેમનું સ્ટેટમેન્ટ હૉસ્પિટલમાં જઈને લેવું પડ્યું હતું એમ જણાવતાં દાદર રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજસ્થાનના જાલોર જિલ્લામાં રહેતા ચાંદીના વેપારીએ મંગળવારે સાંજે ૬ વાગ્યે બ્રહ્મપુર સ્ટેશનથી કોણાર્ક એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ આવવા માટેની મુસાફરી શરૂ કરી હતી. તેમની ઑનલાઇન ટિકિટ કન્ફર્મ ન થતાં જનરલ ટિકિટ ખરીદીને AC કોચમાં ચડ્યા હતા. ત્યાર બાદ ટિકિટચેકરને ફાઇન ભરીને એક સીટ મેળવી હતી. બીજા દિવસે એટલે કે બુધવારે કોચ-અટેન્ડન્ટ સંજયની મદદથી તેમણે દારૂ અને ભોજનનો ઑર્ડર આપ્યો હતો અને રાત્રે આઠ વાગ્યે કોચ-અટેન્ડન્ટ સાથે દારૂ પીધો હતો. ટ્રેન સોલાપુર સ્ટેશન પર પહોંચી ત્યારે વેપારીએ ફરી સંજય પાસે દારૂ મગાવીને પીધો હતો. એ પછી તેમની તબિયત ખરાબ થઈ હતી. એટલામાં પુણે સ્ટેશન આવતાં મોટા ભાગની ટ્રેન ખાલી થઈ જતાં તેઓ સૂઈ ગયા હતા. ગુરુવારે સવારે ટ્રેન દાદર સ્ટેશન પર આવી ત્યારે અજાણ્યા માણસે વેપારીને ઉઠાડીને ટ્રેનનું અંતિમ સ્ટેશન આવ્યું હોવાનું કહ્યું હતું. ત્યારે સીટ નીચે રાખેલી બૅગ લેવા જતાં એ દેખાઈ નહોતી. અંતે આખો કોચ તપાસ કર્યા પછી પણ બૅગ ન મળતાં એ ચોરાઈ હોવાની ખાતરી થઈ હતી. જોકે એ સમયે વેપારી ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. તેમના પેટમાં દુખાવો થતો હતો અને માથું પણ ભારે હતું. એ સ્થિતિમાં તેઓ ઊભા પણ નહોતા રહી શકતા એટલે તેમને તાત્કાલિક ઇલાજ માટે સાયન હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આશરે ૧૬ કલાક પછી તેમની તબિયતમાં સુધારો થતાં વધુ માહિતી લીધા બાદ ૮૩ લાખ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.’



તપાસ ટ્રાન્સફર
આ ઘટના સોલાપુર જિલ્લાના કુર્ડુવાડી રેલવે પોલીસ-સ્ટેશનની હદમાં બની છે એટલે આ કેસની આગળની તપાસ તેમને સોંપવામાં આવી છે એમ જણાવતાં દાદર રેલવે  પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીએ અમારી પાસે એવો પણ દાવો કર્યો હતો કે દારૂમાં કંઈક મિક્સ કરીને તેને બેભાન કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં સાયન હૉસ્પિટલમાંથી વેપારીનો બ્લડ-રિપોર્ટ મેળવીને કુર્ડુવાડી રેલવે-પોલીસને અમે સોંપીશું.’


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK