Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જાએં તો જાએં કહાં?

જાએં તો જાએં કહાં?

25 May, 2022 08:12 AM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

આવો સવાલ કરી રહ્યા છે વર્ષોથી લોકોની સેવા કરતા મુલુંડની ઈએસઆઇએસ હૉસ્પિટલના ક્લાસ-૪ના ૧૫૦ ગુજરાતી પરિવારો. ક્વૉર્ટર્સ ખાલી કરવાની નોટિસ મળતાં હવે ક્યાં જવું એની મૂંઝવણમાં

નોટિસ લઈને ઊભેલાં આનંદ ઢિક્કા અને તેમની દીકરી. Mumbai News

નોટિસ લઈને ઊભેલાં આનંદ ઢિક્કા અને તેમની દીકરી.



મુંબઈ : મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર આવેલી ઈએસઆઇએસ હૉસ્પિટલમાં વર્ષોથી પેઢી દર પેઢી ફરજ બજાવતા ક્લાસ-૪ના આશરે ૧૫૦ ગુજરાતી પરિવારોને બિલ્ડિંગ જર્જરિત થયું હોવાથી ખાલી કરવાની નોટિસ ઈએસઆઇએસ તરફથી આપવામાં આવી છે. જોકે એ પછી ઑલ્ટરનેટ રહેઠાણની કોઈ વ્યવસ્થા કરી આપવામાં ન આવતાં આ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
રાજ્ય સરકાર તરફથી ચાલતી ઈએસઆઇએસ હૉસ્પિટલો વર્ષો પહેલાં બાંધવામાં આવી હતી અને એની આસપાસ સ્ટાફ-ક્વૉર્ટર્સ પણ બનાવવામાં આવ્યાં હતાં. એ પાછળનું કારણ એ હતું કે અહીં ૨૪ કલાક ઇમર્જન્સી સર્વિસ હોવાથી ક્યારેક વધુ સ્ટાફની જરૂર લાગે તો સ્ટાફને બોલાવી શકાય. મુલુંડની ઈએસઆઇએસ હૉસ્પિટલમાં કામ કરતા માત્ર ક્લાસ-૪ના અધિકારીઓને એકાએક હૉસ્પિટલ તરફથી બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આપીને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. અહીં રહેતા ક્લાસ-૪ના અધિકારીઓના પગારમાંથી દર મહિને મેઇન્ટેનન્સ કપાય છે જે પહેલાં માત્ર ૨૪ ટકા કપાતું હતું, વર્ષોથી મેઇન્ટેનન્સ ભરતા હોવા છતાં અહીં બિલ્ડિંગ માટે કોઈ સમારકામ કરવામાં આવ્યું નહોતું એટલે બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હતું. જોકે હવે ઈએસઆઇએસ વિભાગે પીડબ્લ્યુડી વિભાગને કહીને તમામ લોકોને બિલ્ડિંગ ખાલી કરવા અંગે નોટિસ આપતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અહીં રહેતા દિનેશ ડોડિયાએ કહ્યું હતું કે ‘મારા પપ્પા પહેલાં અહીં હૉસ્પિટલમાં ફરજ બજાવતા હતા. એ પછી હવે હું અહીં ફરજ બજાવું છું. અમે ૧૯૮૦થી રહીએ છીએ અને દર મહિને મેઇન્ટેનન્સ પણ મારા પગારમાંથી કપાય છે. એકાએક ૨૩ મેએ મને રૂમ ખાલી કરવાની નોટિસ આવી છે ત્યારથી મારાં મમ્મી-પપ્પા ભારે પરેશાનીમાં મુકાયાં છે.’
જયેશ ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨૦૧૪થી ઈએસઆઇએસને બિલ્ડિંગની હાલત ખરાબ હોવાની માહિતી લેખિતમાં આપી હતી અને એ સાથે અમે કેટલીક વાર બિલ્ડિંગના સુધારા માટે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને કહ્યું હતું, પણ તેમણે અમારી ફરિયાદ તરફ આંખ આડા કાન કર્યા હતા. હાલમાં અમારા પગારમાં અમને કોઈ રહેઠાણ મુલુંડમાં મળવું મુશ્કેલ છે. રાજ્ય સરકારે અમારા વિશે થોડું વિચારીને નિર્ણય લેવો જોઈએ.’ 
હીરાબહેન સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૪૦ વર્ષ મેં અહીં હૉસ્પિટલની સેવામાં આપી દીધાં. હવે મારી વહુ અહીં સેવા આપે છે. મારી ઉંમર ૬૫ વર્ષની છે અને મને હાર્ટની બીમારી છે. એકાએક ખાલી કરવા માટે આપેલી નોટિસ જોઈને અમે ખૂબ ગભરાઈ ગયા છીએ.’.
આનંદ ઢિક્કાએ ‘મિડ-ડેને કહ્યું હતું કે ‘હું ૧૯૭૧થી અહીં રહું છું, પહેલાં મારા પપ્પા ફરજ બજાવતા હતા. એ પછી હવે હું ફરજ બજાવું છું. મારી મોટી દીકરી ૧૨ વર્ષની છે અને અહીં શૅરોન સ્કૂલમાં ભણે છે. એકાએક આવેલી નોટિસથી અમને ઝટકો લાગ્યો છે. હાલના પગારમાં જો અમને ખાલી કરવાનું હશે તો બીજી જગ્યા મારા પગારમાં ભાડે નહીં મળી શકે અને મારી છોકરીનું ભણતર બગડશે.’
મુલુંડની ઈએસઆઇએસ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટનો ચાર્જ સંભાળતા ડૉક્ટર શશી કોલનૂરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને એપ્રિલ મહિનામાં પીડબ્લ્યુડી વિભાગે અહીં બિલ્ડિંગ જર્જરિત હોવાની માહિતી આપી હતી. એના આધારે અમે અહીં રહેતા ક્લાસ-૪ના અધિકારીઓને જગ્યા ખાલી કરવાની નોટિસ આપી હતી. આવતા ચોમાસામાં કોઈ ઘટના ન બને એ જોઈને અમે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નોટિસ આપી છે. ૨૦૧૯માં બિલ્ડિંગના રિનોવેશન માટે પીડબ્લ્યુડી વિભાગે એક ટેન્ડર પાસ કર્યું હતું જે કોવિડને કારણે અટકી ગયું હતું.’ 


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2022 08:12 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK