આ મામલે વર્તકનગર પોલીસે આરોપી મનોજની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણેના લોકમાન્યનગરમાં અનૈતિક સંબંધના વિવાદમાં શુક્રવારે સાંજે ૪૨ વર્ષના પ્રેમી મનોજ સૈદાને તેની ૫૦ વર્ષની પ્રેમિકા શોભા જાધવની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે વર્તકનગર પોલીસે આરોપી મનોજની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શોભા પતિના મૃત્યુ બાદ તેના ૨૭ વર્ષના પુત્ર સાથે લોકમાન્યનગરના પરેરાનગર વિસ્તારમાં રહેતી હતી. શુક્રવારે સાંજે શોભાના ઘરે મનોજ અને તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ દલીલથી ગુસ્સે ભરાયેલા મનોજે શોભાને માર માર્યો હતો એટલું જ નહીં, તેણે શોભાના માથા પર લાદીથી પણ માર માર્યો હતો. આ ગંભીર હુમલામાં શોભાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે થાણેના વર્તકનગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસમાં હત્યાની ૩ ઘટના સામે આવી છે.
વર્તકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા તેના પુત્ર સાથે પરેરાનગરમાં રહેતી હતી. તેના પતિના મૃત્યુ બાદ ૪ વર્ષથી આરોપી મનોજ સાથે પ્રેમસંબંધમાં તે રહી હતી. શુક્રવારે મહિલાના ઘરે આરોપી આવ્યો હતો. ત્યારે બન્ને વચ્ચે થયેલી દલીલમાં ઝઘડો વધ્યો હતો જેમાં આરોપીએ ઉશ્કેરાઈને મહિલાના માથા પર લાદીથી હુમલો કર્યો હતો જેમાં મહિલાનું મૃત્યુ થયું હતું. આ મામલે મહિલાના પુત્રની ફરિયાદના આધારે અમે આરોપી સામે ફરિયાદ નોંધી છે. ઘટનાસ્થળ નજીકની આસપાસના લોકોનાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવતાં મનોજ અને શોભા વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.’


