° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


૨૫ વર્ષના ગૅપ પછી એમકૉમ, એ પણ ૯૨.૫૦ ટકાની સાથે

04 July, 2022 08:52 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

બોરીવલીમાં રહેતાં ૪૫ વર્ષનાં હેતલ શાહ માટે કોવિડકાળ શ્રાપ બનવાને બદલે તક બન્યો. હવે તેમની ઇચ્છા ચાર્ટર્ડ ફાઇનૅન્શિયલ ઍનૅલિસ્ટ બનવાની સાથે ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરવાની છે

હેતલ શાહ

હેતલ શાહ

જો પરિણીત સ્ત્રી હોય તો મોટા ભાગે તેમની પાસે પોતાના માટે સમય ન હોય એવું બને. સામાન્ય રીતે તેમણે એ સમય ઘણાં બધાં ઍડ્જસ્ટમેન્ટ કરીને કાઢવાનો હોય છે. બોરીવલી-વેસ્ટનાં ૪૫ વર્ષનાં હેતલ ચેતન શાહે તેમના ગૃહિણી જીવનનાં રૂટીન કામ પૂરાં કર્યા પછી સમય મળે ત્યારે ભણવાનું શરૂ કર્યું અને તેમના તથા તેમના પરિવારના આશ્ચર્ય વચ્ચે ૯૨.૫ ટકા માર્ક્સ સાથે માસ્ટર ઑફ કૉમર્સ (એમકૉમ)ની ડિગ્રી મેળવવામાં સફળતા મેળવી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે હેતલ શાહે એમકૉમનું ભણવાનું બીકૉમ થઈ ગયાના ૨૫ વર્ષના ગૅપ પછી શરૂ કરીને આટલી મોટી અચીવમેન્ટ મેળવી હતી. હેતલ શાહને બીકૉમમાં ૫૦ ટકા અને એમકૉમના ફર્સ્ટ સેમિસ્ટરમાં ૮૮ ટકા માર્ક્સ મળ્યા હતા. તેમને હજી આગળ ભણવું છે. ભવિષ્યમાં તેમને ચાર્ટર્ડ ફાઇનૅન્શિયલ ઍનૅલિસ્ટ બનવું છે. સાથે તેમને ગુજરાતી સાહિત્યમાં ડૉક્ટરેટ (પીએચડી) પણ કરવું છે.

હેતલ શાહના પતિ ચેતન શાહ બિઝનેસમૅન છે અને તેમનો પુત્ર અક્ષત મેકૅનિકલ એન્જિનયરિંગના લાસ્ટ યરમાં છે. કોવિડકાળમાં અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. હેતલ શાહ પણ એમાંના એક છે. એ સમયમાં તેમને આગળ ભણવાનો રસ જાગ્યો અને તેમણે પરિવારના સાથ-સહકાર અને સહયોગથી એમકૉમનો અભ્યાસ શરૂ કર્યો હતો. હેતલ શાહનું એક સ્વરચિત વાક્ય છે : જ્યારે ઇચ્છાને અણધાર્યું આમંત્રણ મળે છે ત્યારે ઇચ્છા નિર્ણય બને છે અને એ નિર્ણયને તમે અમલમાં મૂકો તો જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. આવું જ કંઈક અત્યારે તેમના જીવનમાં બન્યું છે જેને પરિણામે ૪૫ વર્ષની ઉંમરે પણ એક ડિગ્રી લેવામાં અને એ પણ હાઈ સ્કોરિંગ સાથે તેઓ સફળ રહ્યાં છે. 

આ બાબતની માહિતી આપતાં હેતલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં બીકૉમની ડિગ્રી મેળવી હતી. એ પછી મેં નોકરી કરીને મારી કરીઅરની શરૂઆત કરી હતી. જેમ બધી જ સ્ત્રીઓના જીવનમાં બને છે એવી જ રીતે મારા જીવનની પણ લગ્ન પછી એક નવી રીતે શરૂઆત થઈ હતી. અક્ષતના જન્મ પછી મેં નોકરી છોડી દીધી અને ઘરમાં બેસીને થઈ શકે એવી પ્રવૃત્તિઓ શરૂ કરી. જોતજોતામાં દામ્પત્યજીવન અને ગૃહસ્થી જીવનનાં બાવીસ વર્ષ સુખરૂપ વીત્યાં. જીવન એકદમ સેટ થઈ ગયું હતું ત્યાં જ વિશ્વભરમાં કોવિડકાળની શરૂઆત થઈ. આ બે વર્ષના કાળમાં ઘણાને તેમના પરિવાર સાથે રહેવાનો કે તેમના શોખ પૂરા કરવાનો સમય મળ્યો અને બધાના જીવનમાં ઘણાં પરિવર્તનો આવ્યાં.’

કોવિડના આ કાળને ઘણાએ શ્રાપ માન્યો તો ઘણાએ એને તક માની એમ જણાવતાં હેતલ શાહે કહ્યું હતું કે ‘આ સમયમાં નાનાં બાળકોથી લઈને બધા જ વિદ્યાર્થીઓ ઑનલાઇન ઘરમાં બેસીને ભણતા હતા. આ દૃશ્ય જોઈને મને પણ ઘરમાં બેસીને ભણવાની પ્રેરણા મળી અને મારા હૃદયની ઇચ્છાને આગળ ભણવાનું આમંત્રણ મળ્યું. બીકૉમ ર્ક્યા પછી આગળ ભણવાની મારી જ અધૂરી ઇચ્છા હતી એ પૂરી કરવાની મને જાણે તક મળી ગઈ હતી. પરિવારના અને મારી આસપાસના બધા જ સંજોગો અને શક્યતાઓને જોઈને મેં એમકૉમ કરવાનો નિર્ણય લીધો હતો.’
હેતલના આ નિર્ણયને અમે પરિવારજનોએ વધાવી લીધો હતો અને તેને હિંમત પણ આપી હતી એમ જણાવીને તેમના પતિ ચેતન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હંમેશાં આજના યુગમાં આવા સમયે યંગસ્ટરો મોટિવેશન માટે પાયાના પથ્થર બની જાય છે અને તેમનો સહકાર પણ મળી જાય છે. મારા જ ભાઈની દીકરી જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે તેણે હેતલને કહ્યું કે કાકી, તમારે આગળ ભણવું હોય તો હું તમને ભણવામાં મદદ કરીશ. હેતલ ભણી શકે એ માટે મેં અને અક્ષતે પણ તેને પૂરતો સમય આપવાનું નક્કી કરી લીધું. મારી મમ્મી પણ તેને સપોર્ટ આપવા તૈયાર થઈ ગઈ. મારાં ભાઈ-ભાભી, તેમનો પુત્ર જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે તે પણ તેને ભણાવવા આવતો હતો. અમારા મિત્રો હંમેશાં હેતલને સપોર્ટ કરવા માટે હાજર રહેતા હતા. આમ હેતલે ભણવાનું શરૂ કર્યું હતું.’

આટલો બધો સાથ અને સહયોગ હોય તો પણ એ પૂરતું નથી હોતું અને મારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને શારીરિક અને માનસિક રીતે મને તૈયાર કરવાની હતી એમ જણાવતાં હેતલ શાહે કહ્યું હતું કે ‘મેં પણ મારાં દિવસનાં રૂટીન કામો પૂરાં કર્યા પછી ભણવાની શરૂઆત કરી હતી. જોકે મગજમાં ઘરનાં કામો અને પરિવારની જવાબદારી ચકરાવે ચડતા હતા. આખરે મેં ભણવા માટે પૅટર્ન ચેન્જ કરી. ક્યારે ભણવાનું ફાવે છે એની નોંધ લીધી. એ માટે વહેલા ઊઠવાનું શરૂ કર્યું. ઘરનાં બધાં કામ પતાવીને સવારના ૧૦થી ૧૧ વચ્ચે ભણવામાં બેસી જતી હતી. બપોરે લંચ-બ્રેક લઈને પાછી ભણવા બેસી જતી હતી. જોકે આ બધામાં પણ મેળ પડતો નહોતો.’

ફાઇનલી મારો બેસ્ટ ભણવાનો સમય રાત્રે સેટ થયો. આખી રાત મારી રહેતી હતી. ઘરના અને પરિવારના કોઈ ટેન્શન વગર આખી રાત હું ભણતી હતી એમ જણાવીને હેતલ શાહે કહ્યું હતું કે ‘દિવસે રૂટીન કામો કરતી અને મારી ભત્રીજી ડૉલી મને ભણાવવા આવતી હતી. દિવસે તે મને શીખવતી અને રાતના હું સેલ્ફ-સ્ટડી કરતી હતી. જ્યારે કોઈ ડાઉટ હોય તો તેને મેસેજ કરતી અને તે મને તેના રાતના સમયે પણ જવાબ આપતી હતી. એક્ઝામ ઑનલાઇન હતી એટલે એક્ઝામની કોઈ પૅટર્ન નહોતી. કોઈ ઑપ્શનલ સવાલો નહોતા. બધા જ સવાલોના જવાબો આપવા ફરજિયાત હતા. એટલે આખી બુક ભણવી પડતી હતી.’

કોઈ પણ કાર્ય કરવામાં પોતાની ઇચ્છા જ સર્વોપરી છે એવી મારી માન્યતા છે અને મનથી કરેલાં કાર્યોમાં જ નિષ્ઠાનાં દર્શન થાય છે એમ જણાવતાં હેતલ શાહે કહ્યું હતું કે ‘બસ, એ જ નિષ્ઠાથી મેં મને જોઈતું મેળવવાની કોશિશ કરી હતી અને એના પરિણામસ્વરૂપે અને ફળસ્વરૂપે મને ૯૨.૫૦ ટકા મળ્યા અને મારો પરિવાર હરખઘેલો બની ગયો.’

04 July, 2022 08:52 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

૨૫૦૦૦ વિઝિટર્સ, ૫૦૦૦ કરોડનું શૉપિંગ

આવો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો લૅબ ગ્રોન ડાયમન્ડ્સ ઍન્ડ જ્વેલરી ૨૦૨૨ને, જેમાં લૅબ ગ્રોન ડાયમન્ડ જ્વેલરીની રેકૉર્ડ ખરીદી થઈ

09 August, 2022 10:28 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

શું પ્રી-વેડિંગ શૂટ કરે છે સંસ્કૃતિનો નાશ?

આ વિચારધારામાં માનતા સાગર સમુદાયના બંધુત્રિપુટી તરીકે પ્રખ્યાત પૂજ્ય મુનિરાજ શ્રી આગમ-પ્રશમ-વજ્રરત્ન સાગરજી મહારાજસાહેબે કરેલા આહવાન પછી શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન તપગચ્છ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનાં ૩૦૦થી વધુ શ્રાવકો-શ્રાવિકાઓએ લીધી બાધા

08 August, 2022 09:46 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

એક સમયના ટોચના ડ્રાયફ્રૂટ્સના વેપારીની કરોડોની છેતરપિંડીમાં આખરે ધરપકડ થઈ

સુપ્રીમ કોર્ટે જામીનઅરજી રદ કરતાં ફાઉન્ટન વિસ્તારની ડ્રાયફ્રૂટ્સની દુકાનના માલિક ૫૦ વર્ષના રાજેશ મેવાવાળા આખરે ભાયખલા પોલીસની કસ્ટડીમાં : જોકે સહઆરોપી તેની દીકરી અને પત્નીને પકડવામાં પોલીસ નિષ્ફળ

06 August, 2022 11:36 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK