Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૪૦૦ માણસ, ૩૫ અધિકારી અને ૧૦૦ સુપરવાઇઝર

૪૦૦ માણસ, ૩૫ અધિકારી અને ૧૦૦ સુપરવાઇઝર

21 November, 2022 12:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્નાક બ્રિજને તોડવા માટે આટલા લોકો કામે લાગ્યા : ૨૭ કલાકના મેગા બ્લૉકમાં સમયસર કામ પૂરું થયું

સેન્ટ્રલ રેલવેનો કર્નાક બ્રિજ ૨૭ કલાકના બ્લૉક બાદ આખરે તોડી પાડવામાં આવ્યો હતો (તસવીર : આશિષ રાજે)

સેન્ટ્રલ રેલવેનો કર્નાક બ્રિજ ૨૭ કલાકના બ્લૉક બાદ આખરે તોડી પાડવામાં આવ્યો હતો (તસવીર : આશિષ રાજે)


મસ્જિદ બંદર અને સીએસએમટી વચ્ચે આવેલા ૧૬૪ વર્ષ જૂના કર્નાક બ્રિજના ડિમોલિશન માટે સેન્ટ્રલ રેલવે પર સીએસએમટી-ભાયખલા, સીએસએમટી-વડાલા અને મેલ-એક્સપ્રેસ કોચિંગ યાર્ડ ખાતે ૨૭ કલાકનો મેગા બ્લૉક હાથ ધરવામાં આવ્યો હતો. શનિ-રવિવારે આ બ્લૉક હાથ ધરાતાં દરરોજ દોડતી ૧૮૧૦ લોકલ ટ્રેનોમાંથી અપ અને ડાઉન જતી કુલ ૧૦૯૬ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી, જેને કારણે લોકલના પ્રવાસીઓ હેરાનપરેશાન થયા હતા. બીજી બાજુ સેન્ટ્રલ રેલવેએ ૪૦૦ માણસોને કામે લગાડીને સમયસર કામ પૂરું કરતાં ગઈ કાલે ૩.૫૦ વાગ્યે જ લોકલ સર્વિસ શરૂ કરી દેવામાં આવી હતી.

સેન્ટ્રલ રેલવેના ૨૭ કલાકના મેગા બ્લૉકમાં ૧૭ કલાકનો બ્લૉક સીએસએમટી-ભાયખલા વચ્ચે શનિવારે રાતે ૧૧ વાગ્યે શરૂ થયો હતો, જે રવિવારે સાંજે એટલે કે ગઈ કાલે ચાર વાગ્યા પહેલાં સમાપ્ત થયો હતો. એવી જ રીતે સીએસએમટી–વડાલા વચ્ચે હાર્બર રૂટ પર ૨૧ કલાકનો બ્લૉક શનિવારે રાતે ૧૧ વાગ્યે શરૂ થયો હતો અને ગઈ કાલે રાતે આઠ વાગ્યે સમાપ્ત થયો હતો. મેલ-એક્સપ્રેસ યાર્ડ લાઇનનો ટ્રાફિક ૨૭ કલાક પછી એટલે કે ૨૧ નવેમ્બરે સવારે બે વાગ્યે શરૂ થવાનો હતો.



૨૭ કલાકના ચૅલૅન્જિંગ બ્લૉક વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના ડેપ્યુટી પબ્લિક રિલેશન ઑફિસર એ. કે. જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બ્લૉકમાં પ્રવાસીઓને ઓછામાં ઓછી હેરાનગતિ થાય એ માટે ખૂબ તકેદારી લેવામાં આવી હતી અને એના પરિણામે કામ જલદી પૂરું થયું અને પહેલી લોકલ ચાર વાગ્યાને બદલે ૩.૫૦ વાગ્યે જ દોડી હતી. બ્લૉકના કામ માટે માનવબળના ઉપયોગમાં કુલ ૪૦૦ માણસો, ૩૦થી ૩૫ અધિકારીઓ અને ૧૦૦ સુપરવાઇઝર હાજર રહ્યા હતા. બ્રિજના ડિમોલિશનનું કામ સમય કરતાં વહેલું પૂરું થઈ જતાં મેઇન લાઇનની ફાસ્ટ અને સ્લો લાઇન શરૂ કરી દેવામાં આવી હતી.’


બ્રિજ પાડવા કેવી તૈયારીઓ હાથ ધરાઈ હતી એ વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે ‘એ ઉપરાંત શિફ્ટદીઠ હેલ્પર સાથે ૫૦ ગૅસકટર અને કુલ અંદાજે ૩૦૦ ગૅસ-સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુલ ચાર ક્રેન તહેનાત કરવામાં આવી હતી, જેમાં ત્રણ ક્રેન ૩૫૦ ટનની અને એક ૫૦૦ ટનની હતી. સામગ્રીના સ્થળાંતર માટે ચાર હાઇડ્રો ક્રેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં ૬૦૦ ઘનમીટર (લગભગ ૧૪૪૦ ટન એટલે કે લગભગ ૩૦૦ ટ્રક સામગ્રી) કૉન્ક્રીટ દૂર કરવામાં આવ્યું હતું. હવે આશરે ૪૫૦ ટન વજનના સ્ટીલ-સ્ટ્રક્ચરને દૂર કરવા માટે ૨૭ કલાકના મેગા બ્લૉકનું સંચાલન કરવામાં આવશે. હાલના સ્ટીલ-સ્ટ્રક્ચર બ્રિજની લંબાઈ/પહોળાઈ ૫૦ મીટર અને ૧૮.૮ મીટર જેટલી છે. કુલ સાત સ્પાન્સને ૪૪ ઑપરેશનમાં દૂર કરવામાં આવશે. એક સમયે એક પીસ લિફ્ટિંગ એમ ૧૮ ટુકડાઓ (દરેક ૧૬ ટન) + ૧૪ ટુકડાઓ (દરેક ત્રણ ટન) + ૧૨ ટુકડાઓ (દરેક ૧૦ ટન) છે. પૂરતો પ્રકાશ પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કુર્લા ક્રેન ડેપોમાં ૧૪૦ ટનની એક રેલવે ક્રેન સ્ટૅન્ડ બાય અરેન્જમેન્ટ તરીકે તૈયાર રાખવામાં આવશે.’

ડબલ ડેકર ટ્રેનનો માર્ગ મોકળો થયો


કર્નાક બંદર બ્રિજનું ડેમોલિશન ભવિષ્યમાં શહેરની ડબલ ડેકર ટ્રેન્સની કામગીરી માટે ઉપયોગી બની રહેશે? રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, કર્નાક બ્રિજ ધરાશયી થવા સાથે મુખ્ય અવરોધ દૂર થઈ ગયો છે, પણ ભાયખલ્લાનો એસ બ્રિજ અને ચિંચપોકલીનો આર્થર બ્રિજ પણ સમસ્યા સર્જી શકે છે. આર્થર અને એસ બ્રિજને કારણે ડબલ ડેકર ટ્રેન્સ આ રૂટ પરથી પસાર ન થઈ શકતી હોવાથી દક્ષિણ મુંબઈથી ડબલ ડેકર ટ્રેન સેવા ઉપલબ્ધ નથી. જરૂર પડ્યે ટ્રેન દાદર સુધી આવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK