Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુઝે આગે બઢતે જાના હૈ, જીવન મેં કુછ કર દિખાના હૈ

મુઝે આગે બઢતે જાના હૈ, જીવન મેં કુછ કર દિખાના હૈ

04 July, 2022 09:00 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મુલુંડની ગુજરાતી મહિલાના પિયરમાં અધૂરા રહી ગયેલા ભણવાના સપનાને પતિ અને સાસરિયાંએ પૂરુ કર્યુંઃ તાજેતરમાં જ ૩૬ વર્ષનાં ચંદ્રિકા ફોરમ એમએ વિથ ઇંગ્લિશ લિટરેચરમાં ફર્સ્ટ કલાસ પાસ થયાં : અત્યાર સુધીમાં તેમણે અનેક ડિગ્રીઓ મેળવી છે

જીવનની બીજી ઇનિંગ્સમાં સફળતા પ્રાપ્ત કરનાર ચંદ્રિકા ચાવડા

જીવનની બીજી ઇનિંગ્સમાં સફળતા પ્રાપ્ત કરનાર ચંદ્રિકા ચાવડા


આપણે હંમેશાં ‘છોકરી શીખી, પ્રગતિ કરી’ એવું સૂત્ર વાંચીએ છીએ. કન્યાકેળવણીથી સમાજ સુધરે છે. એક શિક્ષિત છોકરી સમગ્ર પરિવારને શિક્ષિત કરે છે. સ્ત્રી પરિવારની આશા રાખે છે. આખો પરિવાર તેની આસપાસ ફરે છે. શિક્ષણ સ્ત્રીમુક્તિ અને સામાજિક પરિવર્તનનું સાધન છે તેથી છોકરીઓને શિક્ષિત કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આમ છતાં ઘણી વાર છોકરીઓ તેમના પિયરમાં કોઈ પણ કારણોસર તેમના ધાર્યા પ્રમાણે શિક્ષણ મેળવવામાં સફળ થતી નથી. જોકે આ છોકરીઓને તેમનાં સાસરિયાંમાં તેમનાં પતિ, સાસુ-સસરા અને બાળકોનો સાથ મળી જાય તો તેઓ તેમનું ભણવાનું સપનું પૂરું કરવામાં સફળ થાય છે.

મુલુંડ-વેસ્ટનાં ૩૬ વર્ષનાં ચંદ્રિકા ફોરમ ચાવડાના જીવનમાં પણ બે સંતાનોના આગમન પછી બહુ મોટો ટ્વિ​સ્ટ આવ્યો અને તેમણે ૨૦૧૨થી ૨૦૨૨ સુધીમાં અર્લી ચાઇલ્ડહુડ કૅર એજ્યુકેશન (ઈસીસીઈડી), ડિપ્લોમા ઇન ટીચિંગ એજ્યુકેશન (ડીએડ), બૅચરલ ઑફ આર્ટ્સ (બીએ), માસ્ટર ઇન આર્ટ્સ ઇન ઇંગ્લિશ લિટરેચર (એમએ) અને સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (સીટીઈટી) જેવી અનેક ડિગ્રીઓ મેળવામાં સફળતા મેળવી છે. ગયા અઠવાડિયે આવેલા એમએના રિઝલ્ટમાં ચંદ્રિકા ચાવડા ૬૫ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયાં છે. ચંદ્રિકાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બધી ડિગ્રીઓ કોઈના માટે નૉર્મલ હશે; પણ મારા જીવનમાં આ બધી ડિગ્રીઓનું ઘણું મહત્ત્વ છે, કારણ કે આ ભણતર મારા જીવનની બીજી ઇનિંગ્સ સમાન છે જેણે મને નૉર્મલ હાઉસવાઇફમાંથી વર્કિંગ વુમન બનાવી દીધી છે.’



પોતાની એજ્યુકેશન જર્નીની જાણકારી આપતાં ચંદ્રિકા ચાવડાએ કહ્યું હતું કે ‘મેં ૨૦૦૨માં એચએસસી પાસ કર્યું હતું. મારો બેઝ કૉમર્સ રહ્યો છે, પણ હું પિયરમાં રહીને કૉમર્સ ગ્રૅજ્યુએટ ન થઈ શકી. મેં એસવાય કૉમર્સ પછી અભ્યાસ કરવાનું મૂકી દીધું હતું. ત્યાર પછી હું કમ્પ્યુટરનો કોર્સ કરતી હતી. ૨૦૦૭માં મુલુંડના બિઝનેસમૅન ફોરમ ચાવડા સાથે મારાં લગ્ન થયાં હતા.’
ચંદ્રિકાબહેન લગ્નના દોઢ વર્ષમાં વેદાંતની મમ્મી બની ગયાં હતાં. ત્યાર પછીનાં બે વર્ષમાં તેઓ ધ્રુવીની મમ્મી બની ગયાં હતાં. એ પછી ચંદ્રિકાબહેન ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયાં હતાં.


ગૃહકામમાં અને બંને સંતાનોના ઉછેરમાં ચંદ્રિકાબહેનને તેમના ૩૭ વર્ષના પતિ ફોરમ ચાવડા અને સાસુ-સસરાનો હંમેશાં સાથસહકાર રહ્યો છે. આથી ચંદ્રિકાબહેનને ફાજલ સમય મળતો હતો. એટલે તેમને વિચાર આવ્યો કે મારે ગૃહકામ સિવાય પણ પરિવારને સપોર્ટ કરી શકું એ માટે કંઈક કરવું જોઈએ. આવું વિચારતાં જ હતાં ત્યાં તેમનો મોટો પુત્ર વેદાંત પ્લેગ્રુપમાં ભણતો હતો એની ઍડમાં નીચે મૉન્ટેસરી અને ઈસીસીઈડીના કોર્સની નોટ જોઈ. તેમને આ કોર્સ શું છે એ જાણવાની પહેલાં જિજ્ઞાસા થઈ.

મેં આ બાબતની તપાસ કરી એમ જણાવતાં ચંદ્રિકાબહેને કહ્યું હતું કે ‘કોર્સની જાણકારી મેળવ્યા પછી મેં આ સંદર્ભમાં મારા પતિ ફોરમ સાથે વાત કરી અને તેમની પાસે મારે આ કોર્સ કરવો છે એવી ઇચ્છા વ્યક્ત કરી. તેમણે થોડો રસ બતાવ્યા પછી મારાં સાસુ કંચનબહેન અને સસરા સુનીલભાઈની સંમતિ લીધી. તેમના માટે ઘરની પુત્રવધૂ આગળ ભણે અને જૉબ કરે એ એક સરપ્રાઇઝ હતું. છતાં તેમણે મને કોર્સ કરવાનો ઇનકાર ન કર્યો અને ૨૦૧૨-’૧૩માં મેં હમ્પ્ટી ડમ્પ્ટી નર્સરીમાંથી ૭૯.૭૧ ટકા માર્ક્સ સાથે ઈસીસીઈડીની એક્ઝામ પાસ કરી. પછી મુલુંડના નવભારત નૂતન વિદ્યાલયમાં નોકરી મેળવી અને સાથે-સાથે ડીએડની તૈયારી શરૂ કરી. આ માટે બંને વર્ષમાં બોર્ડની પરીક્ષા આપવાની હોય છે. આ અભ્યાસ માટે આગળ વધતાં સંઘર્ષની શરૂઆત થઈ હતી. જૉબ સંભાળવાનો, ડીએડ માટે કૉલેજમાં જવાનું, ટ્યુશન કરવાનાં, ઘરમાં કામ પણ કરવાનું. જોકે આ સંઘર્ષમાં મારાં સાસુના સપોર્ટથી પાર ઊતરી ગઈ. મારાં સાસુએ આ સમયે ઘરના ૭૫ ટકા કામની જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી. તેઓ મારાં સંતાનો અને ઘરના કામને મૅનેજ કરી લેતાં હતાં. એક્ઝામ વખતે મારાં મમ્મી ભાનુબહેન જેઠવા અને સાસુ બંનેનો ખૂબ સરસ સાથસહકાર મળ્યો. મારા માથે જેમ દસમા ધોરણના સ્ટુડન્ટ પર તેનાં માતા-પિતા કોઈ જવાબદારી ન નાખે એ રીતે સાસુ અને મમ્મીએ મને ફક્ત પરીક્ષા પર લક્ષ રાખવા કહ્યું હતું જેને કારણે હું ૨૦૧૬માં ૭૦.૦૫ ટકા માર્ક્સ સાથે ડીએડમાં ઉત્તીર્ણ થઈ હતી. ૨૦૧૯માં ૫૧.૩૩ ટકા માર્ક્સ સાથે મેં બીએની ડિગ્રી મેળવી લીધી હતી.`


`પછી મેં એમએમાં ઍડ્મિશન લીધું એમ જણાવીને ચંદ્રિકા ચાવડાએ કહ્યું હતું કે ‘એમએની સાથે સીટીઈટીની સૌથી ટફ એક્ઝામ ફર્સ્ટ અટૅમ્પ્ટમાં ૧૫૦માંથી ૧૦૧ માર્ક્સ મેળવીને પાસ કરી હતી. થોડા દિવસ પહેલાં જ મારું એમએ ફાઇનલનું રિઝલ્ટ જાહેર થયું જે મેં ઇંગ્લિશ લિટરેચર સાથે ૬૫ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ કર્યું છે.’

મારી જિંદગીની પહેલી ઇનિંગ્સ એટલે મારાં માતા-પિતાના સાંનિધ્યમાં મેળવેલું એજ્યુકેશન અને મારી જિંદગીની બીજી ઇનિંગ્સ એટલે મારા પતિ અને સાસરિયાંની છત્રછાયા આમ કહીને પોતાની સફળતા માટે પતિ, સાસરિયાં અને સમજદાર બાળકોને શ્રેય આપતાં ચંદ્રિકાબહેને કહ્યું હતું કે ‘મારાં સાસુ-સસરાએ મને પુત્રવધૂને બદલે પુત્રી બનાવીને તો રાખી, પણ પુત્રીનાં માતા-પિતા જે રીતે પિયરમાં તેમની પુત્રીને બધી જ છૂટછાટ આપે છે એવી જ રીતે મારાં સાસુ-સસરાએ પણ મને એજ્યુકેશન અને જૉબ માટે પૉઝિટિવ સપોર્ટ આપીને સમાજ સામે એક નવું દૃષ્ટાંત મૂક્યું છે જેનો મને ગર્વ છે. આજે હું થાણેની જાણીતી સ્કૂલમાં પ્રાઇમરી સેક્શનમાં ટીચર છું. આઇ ઍમ પ્રાઉડ ઑફ માય ફૅમિલી.’

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2022 09:00 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK