ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને આવી ધમકી આપનારી ૨૪ વર્ષની મહિલાની પોલીસે ઉલ્હાસનગરમાંથી ધરપકડ કરીઃ આરોપી ફાતિમા ખાન માનસિક રીતે અસ્થિર છે
યોગી આદિત્યનાથ, ફાતિમા ખાન
મુંબઈ પોલીસના ટ્રાફિક કન્ટ્રોલ-રૂમમાં શનિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ કરવામાં આવ્યો હતો. ધમકીના મેસેજમાં લખવામાં આવ્યું હતું કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી ૧૦ દિવસમાં રાજીનામું નહીં આપે તો બાબા સિદ્દીકીની જેમ તેમની હત્યા કરવામાં આવશે. ધમકીનો આ મેસેજ મળ્યા બાદ પોલીસે જે નંબર પરથી ધમકીનો મેસેજ આવ્યો હતો એની તપાસ શરૂ કરી હતી. મેસેજ મુંબઈ નજીકના ઉલ્હાસનગરમાંથી કરવામાં આવ્યો હોવાનું જણાતાં પોલીસે ગઈ કાલે ઉલ્હાસનગરમાંથી ૨૪ વર્ષની ફાતિમા ખાન નામની મહિલાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલા ઉલ્હાસનગરના જાણીતા ટિમ્બરના વેપારીની પુત્રી છે. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આરોપી ફાતિમા ખાન માનસિક રીતે અસ્થિર છે. તેણે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીમાં BSc ગ્રૅજ્યુએટ કર્યું છે. ધમકીનો મેસેજ તેણે શા માટે મોકલ્યો હતો એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.