° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


છ મહિનામાં નાની વયની બે મહિલાઓએ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરતાં ઘાટકોપરના લોકો સ્તબ્ધ

12 December, 2012 07:29 AM IST |

છ મહિનામાં નાની વયની બે મહિલાઓએ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરતાં ઘાટકોપરના લોકો સ્તબ્ધ

 છ મહિનામાં નાની વયની બે મહિલાઓએ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરતાં ઘાટકોપરના લોકો સ્તબ્ધશિલ્પાની આત્મહત્યા પાછળ પણ તેના ડિપ્રેશનનું કારણ હોવાનું તેના પરિવારવાળા અને સોસાયટીવાળા કહી રહ્યા છે. જૂન મહિનામાં આત્મહત્યા કરનારી મનીષા શાહના ડિપ્રેશનનું કારણ હતું તેના માથે રહેલી માતા-પિતાની અને સાસરિયાંની જવાબદારી, જ્યારે ગુરુવારે દામોદર પાર્કમાં આત્મહત્યા કરનારી શિલ્પા પરમારના ડિપ્રેશનનું કારણ હતું એકલતા. મનીષા શાહ માટે તેની સહેલીઓ અને પાડોશીઓ કહેતાં હતાં કે તેનો સ્વભાવ ખૂબ જ હસમુખો અને હોંશીલો હતો, તે કોઈ જવાબદારીથી ડરી જાય એવી નહોતી. આમ છતાં તેણે આત્મહત્યા કરી એની પાછળ ડિપ્રેશન કારણભૂત હોવાનું કહેવાય છે. એ જ રીતે શિલ્પા માટે સોસાયટીના સભ્યોથી લઈને તેના પરિવારવાળા બધા જ કહે છે કે શિલ્પા હિંમતવાળી અને સાહસિક હતી. આમ છતાં પાંચ મહિનાની એકલતાએ તેને ડિપ્રેશનની દરદી બનાવી દીધી હતી જેને કારણે તેણે આત્મહત્યા જેવું ઘાતક પગલું ભરી તેનો જાન આપી દીધો હતો.

દામોદર પાર્કની સ્વાગત સોસાયટીમાં સાત વર્ષ પહેલાં પોતાના સાસરિયાં સાથે રહેવા આવેલી શિલ્પા પરમાર પાંચ મહિનાથી તેના પતિ અમિત સાથે એકલી રહેતી હતી. તેની દીકરીને તેણે પંચગનીની હૉસ્ટેલમાં ભણવા મૂકી હતી. શિલ્પા અને અમિત દામોદર પાર્કમાં રહેવા આવ્યાં એ પહેલાં ઘાટકોપર-વેસ્ટના નારાયણનગરમાં રહેતાં હતાં. બન્નેનાં પ્રેમલગ્ન હતાં. અગાઉની સારી નોકરી છોડીને શિલ્પા છેલ્લા પાંચ મહિનાથી પોતાનો સ્વતંત્ર ઍડ્વર્ટાઇઝિંગનો વ્યવસાય કરતી હતી, જ્યારે તેનો પતિ અમિત વર્ષોથી લેમિંગ્ટન રોડ પર ઇલેક્ટ્રૉનિક આઇટમ્સની દુકાન ધરાવે છે. ૬ ડિસેમ્બરે સવારે સાડાઅગિયાર વાગ્યે શિલ્પા અને તેનો પતિ ઘરેથી પોતપોતાના કામે જવા નીકળવા તૈયાર થઈ ગયાં હતાં. શિલ્પાને ઘરમાં કંઈક કામ બાકી હતું એટલે અમિત એકલો ઘરેથી નીકળીને સોસાયટીના કમ્પાઉન્ડમાં જઈને ઊભો હતો. બપોરે ૧૨ વાગ્યે તેના ઇસ્ત્રીવાળાએ આવીને અમિતને કહ્યું કે તે ક્યારનો ઇસ્ત્રીનાં કપડાં આપવા માટે તેના ફ્લૅટની બેલ મારે છે, પણ કોઈ દરવાજો ખોલતું નથી. અમિતને ખબર હતી કે શિલ્પા હજી ઘરમાં જ છે. એથી ઇસ્ત્રીવાળાની વાત સાંભળી તે પાછો તેના ફ્લૅટ પર પહોંચ્યો. પોતાની પાસેની ફ્લૅટની ચાવીથી દરવાજો ખોલી ફ્લૅટની અંદર જઈને જોયું તો શિલ્પા બેડરૂમમાં તેના દુપટ્ટાથી ફાંસો ખાઈને પંખા પર લટકતી હતી. શિલ્પાના શ્વાસ હજી ચાલતા હોવાથી તે તેને હૉસ્પિટલમાં લઈ ગયો, પણ એ પહેલાં શિલ્પાએ જાન ગુમાવી દીધો હતો.

શિલ્પાના પાડોશમાં રહેતી એક ગુજરાતી મહિલાએ શિલ્પાએ કરેલી આત્મહત્યા માટે તેના ડિપ્રેશનનું દરદ કારણભૂત હોવાનું જણાવતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘શિલ્પા અને અમિત પાંચ મહિનાથી જ એકલાં રહેતાં હતાં. એ પહેલાં તેઓ અમિતનાં ભાઈ અને માતા-પિતાની સાથે સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં. શિલ્પાનાં સાસરિયાં જુદાં રહેવા ગયાં પછી શિલ્પાની હંમેશાં ફરિયાદ રહેતી કે પોતે એકલી પડી ગઈ છે એટલે ઘરમાં ગમતું નથી, એકલવાયું લાગે છે. એમાં બાકી હતું તે તેમની એકની એક દીકરીને પંચગનીની હૉસ્ટેલમાં ભણવા મોકલ્યા પછી શિલ્પાને ઘર વધારે સૂનું લાગવા લાગ્યું હતું. હૉસ્ટેલના કાયદા પ્રમાણે ત્યાં ભણતાં બાળકો સાથે પેરન્ટ્સ ફક્ત રવિવારે અને રજાના દિવસોએ જ વાત કરી શકે છે. રવિવારે બીજી ડિસેમ્બરે પંચગનીની હૉસ્ટેલના ફોન બગડી ગયા હોવાથી શિલ્પા અને અમિત તેની ૧૩ વર્ષની દીકરી સાથે વાત કરી શક્યાં નહોતાં. એ સમયે બન્ને ડિપ્રેશનમાં આવી ગયાં હતાં. ગુરુવારે પણ શિલ્પાએ આવા જ કોઈ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા જેવું ઘાતક પગલું ભર્યું હશે.’

મનીષાની ઘટનામાં શું બન્યું હતું?

મનીષાનો સાસરે કામ કર્યા પછી નજીકમાં જ રહેતાં તેનાં બીમાર માતા-પિતાને મદદ કરવા અને જમાડવા જવાનો રોજિંદો ક્રમ હતો એમ જણાવતાં મનીષાના પાડોશીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૨૧ જૂને સવારે ૧૧ વાગ્યે મનીષાના સસરા ઇન્દુભાઈ નજીકમાં આવેલા દેરાસરમાં પૂજા કરવા ગયા હતા. મનીષાની નવમા ધોરણમાં ભણતી દીકરી અને બારમા ધોરણમાં ભણતો પુત્ર બન્ને સ્કૂલ અને કૉલેજમાં ગયાં હતાં. બન્ને ઘરની હસતાં-હસતાં જવાબદારી નિભાવી રહેલી મનીષાને અચાનક શું થયું એની કોઈને જ ખબર પડતી નથી. તેના સસરા દેરાસરથી બપોરે સાડાબાર વાગ્યે ઘરે પાછા આવ્યા ત્યારે બેલ વગાડવા છતાં દરવાજો ન ખૂલતાં તેમણે પોતાની ચાવીથી ઘર ખોલ્યું હતું અને મનીષા તેના રૂમમાં પંખા પર લટકેલી જોવા મળી હતી. તેણે આવું પગલું કેમ લીધું, શું મનીષાએ ડિપ્રેશનમાં આવી આત્મહત્યાનો નિર્ણય લીધો કે અન્ય કોઈ કારણથી એની કોઈને જ ખબર પડતી નથી.’


12 December, 2012 07:29 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

થાણેની હૉસ્પિટલના સ્ટાફને નોકરીમાંથી કાઢ્યા પછી આંદોલન બાદ પાછો લેવામાં આવ્યો

કોરોનાના કેસ ઓછા થતાં અને તેમની જરૂર ન જણાતાં તેમને શુક્રવારે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. તેમણે ગઈ કાલે હૉસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

20 June, 2021 03:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મધ્ય પ્રદેશથી ગન વેચવા આવેલ યુવાન ક્રાઇમ બ્રાન્ચના ઘાટકોપર યુનિટના હાથમાં ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભે મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

20 June, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના-બીજેપીના કાર્યકરો ફરી બાખડ્યા

પેટ્રોલ-પમ્પ પર વૈભવ નાઈક લોકોને પેટ્રોલ ખરીદવા માટે રૂપિયા વહેંચી રહ્યા હતા ત્યારે બીજેપીના કાર્યકરો આવી પહોંચ્યા હતા. તેમણે વિરોધ કરતાં બન્ને પક્ષના કાર્યકરો સૂત્રોચ્ચાર કરીને એકબીજાની સામસામે આવી ગયા હતા.

20 June, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK