Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોઇસરમાં સ્ટીલના યુનિટમાં કામદારોના ટોળા દ્વારા ધમાલ

બોઇસરમાં સ્ટીલના યુનિટમાં કામદારોના ટોળા દ્વારા ધમાલ

09 May, 2022 10:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯ પોલીસ ઘાયલ, ૧૨ પોલીસ-વાહનોને નુકસાન અને ૨૭ લોકો પકડાયા

તારાપુર એમઆઇડીસીમાં બોઇસર યુનિટ પાસે થયેલી હિંસા

તારાપુર એમઆઇડીસીમાં બોઇસર યુનિટ પાસે થયેલી હિંસા


તારાપુર એમઆઇડીસીમાં આવેલી સ્ટેનલેસ સ્ટીલ મૅન્યુફૅક્ચરિંગ કંપની વિરાજ પ્રોફાઇલ્સના મજૂર યુનિયન દ્વારા રમખાણોને પગલે ૧૨ પોલીસ-વાહનો અને મિલકતોની તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે ૧૯ પોલીસ અને કેટલાક કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ વિશે બોઇસરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ નિત્યાનંદ ઝાએ જણાવ્યું હતું કે ‘હત્યાના પ્રયાસ, ફરજ પરના પોલીસ-કર્મચારીઓ પર હુમલો કરવો, રમખાણો અને અન્ય આરોપો બદલ ૨૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમને ગઈ કાલે રવિવારે પાલઘર હૉલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તમામ આરોપીઓને પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાના મુદ્દાને રોકવા માટે યુનિટની નજીક ૩૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે.’



ફૅક્ટરીમાં રચાયેલા ૧૫૦થી વધુ કામદારોના નવા યુનિયને ૧૬ મેથી હડતાળ અને ઉત્પાદનકાર્ય બંધ કરવાની ચીમકી આપી હતી, પરંતુ વિરાજ ફૅક્ટરીના મૅનેજમેન્ટે હડતાળ સામે પાલઘર કોર્ટનો આદેશ મેળવ્યો હતો. એથી યુનિયનના સભ્યોને ફૅક્ટરીના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે શનિવારે બપોરે યુનિયનના સભ્યો બળજબરીથી ફૅક્ટરીના પરિસરમાં પ્રવેશ્યા હતા અને નાસભાગ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે કામદારોને કહેવામાં આવ્યું હતું કે જો યુનિયન, કાયમી કામદારોનો સમાવેશ કરે છે, તે હડતાળ પર જશે તો ઉત્પાદનકાર્ય આઉટસોર્સ કૉન્ટ્રૅક્ટ કામદારો દ્વારા હાથ ધરવામાં આવશે.


પોલીસે જણાવ્યું હતું કે ‘ટૂંક સમયમાં જ અમે ફૅક્ટરી પર પહોંચ્યા હતા અને કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પછી તેઓ નાસભાગ પર ઊતરી ગયા હતા જેમાં ૧૯ પોલીસ ઘાયલ થયા હતા. ત્યાર બાદ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ-વૅન અને મૅનેજમેન્ટનાં વાહનો, મિલકત અને ફૅક્ટરીની બહાર પાર્ક કરેલી કેટલીક રિક્ષાઓને નુકસાન કર્યું હતું એટલે પોલીસે ટોળા પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પરિણામે કેટલાક નિર્દોષ લોકોને પણ ઝપાઝપીમાં ઈજા થઈ હતી. કેટલાક કામદારોએ આક્ષેપ કર્યો હતો કે તેમના પર ફૅક્ટરીના મૅનેજમેન્ટના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની પ્રતિક્રિયા હુમલાનો બદલો લેવા માટે હતી. હુલ્લડમાં લગભગ ૧૦ કામદારોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત પોલીસો અને કામદારોને બોઇસરની તુંગા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2022 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK