અત્યાર સુધીમાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયા આવી રીતે મહિલાઓનાં અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સધ્ધર કરવા માટે મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના માટે રાજ્યના બજેટમાં પહેલાં ૧૦,૦૦૦ કરોડ અને બાદમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. આ યોજનામાં અત્યાર સુધીના છ મહિનામાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયા મહિલાઓનાં અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. લાડકી બહિણ યોજનામાં અત્યાર સુધી કેટલા રૂપિયા વિતરિત કરવામાં આવ્યા છે એની માહિતી અધિકાર હેઠળ માહિતી ઍડ. ગૉડફ્રે પિમેન્ટા નામના સામાજિક કાર્યકર અને વૉચડૉગ ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ અરજી કરીને માગી હતી. એના જવાબમાં રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગે માહિતી આપી હતી કે રાજ્ય સરકારની લાડકી બહિણ યોજનામાં દરેક મહિલાને દર મહિને ૧૫૦૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયા આવી રીતે મહિલાઓનાં અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.