૪૨ કિલોમીટરની ફુલ મૅરથૉન ૨.૧૮ કલાકમાં પૂરી કરીને સાતારાનો રનર વિજયી બન્યો
મૅરથૉન
વસઈ-વિરાર મહાનગરપાલિકા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં મૅરથૉનનું આયોજન કરે છે. ગઈ કાલે મૅરથૉનની બારમી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૬,૦૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. ૪૨ કિલોમીટરની ફુલ મૅરથૉન સાતારાનો કાલિદાસ હિરવે બે કલાક ૧૮ મિનિટ ૧૯ સેકન્ડમાં પૂરી કરીને પહેલા નંબરે આવ્યો હતો. ૨૧ કિલોમીટરની મહિલા અને પુરુષની હાફ મૅરથૉનમાં અનુક્રમે સોનિકા પરમાર અને રોહિત શર્મા પહેલાં આવ્યાં હતાં.
ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવનારી સાક્ષી મલિક વસઈ-વિરાર મૅરથૉનની ઇવેન્ટ ઍમ્બૅસૅડર તરીકે ગઈ કાલે હાજર રહી હતી. તેના તથા બીજા કેટલાક મહાનુભાવોના હાથે વિજયી સ્પર્ધકોને મેડલ અને ઇનામ આપવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
સવારના સાડાપાંચ વાગ્યે શરૂ થયેલી મૅરથૉનમાં જેટલા લોકો સહભાગી થયા હતા એનાથી અનેકગણા લોકો સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા માટે પહોંચ્યા હતા. સ્પર્ધકોએ પાંચ, ૧૦, ૨૧ અને ૪૨ કિલોમીટર દોડીને સ્પર્ધા પૂરી કરી હતી.


