Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હમારા નંબર કબ આયેગા?

હમારા નંબર કબ આયેગા?

29 January, 2022 08:19 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આવી હાલત છે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની : સરકાર પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે આ લોકોને એક્સ-ગ્રેસિયા રાહતની કોઈ માહિતી મળે : મૂંઝાયેલા લોકોના મગજમાં એક જ સવાલ ઘૂમરાય છે કે ૫૦,૦૦૦ રૂપિયાની રાહત લેવા અમારે કોર્ટનો આશરો લેવો પડશે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના પીડિતોના સંબંધીઓને એક્સ-ગ્રેસિયા રાહત આપવા માટે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢ્યા પછી રાજ્ય સરકારે જેમના ઘરમાં કોવિડને કારણે મૃત્યુ થયું હોય તેમના પરિવારને ૫૦,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય આપવાનું શરૂ કર્યું હતું. જોકે હજારો લોકોએ આ રાહત માટે ઍપ્લિકેશન કર્યાના બે મહિના પછી પણ આજ સુધી તેમના બૅન્ક-અકાઉન્ટમાં ૫૦,૦૦૦ રૂપિયા જમા થયા નથી. નવાઈની વાત તો એ છે કે સરકાર તરફથી આ રાહત કેમ મળી નથી એનો જવાબ આપવા માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં જબરદસ્ત નારાજગી પ્રવર્તી રહી છે. લોકોના મગજમાં એક જ સવાલ ઘૂમરાય છે કે મહારાષ્ટ્ર સરકાર પાસેથી ૫૦,૦૦૦ રૂપિયાની રાહત લેવા માટે અમારે કોર્ટનો આશરો લેવો પડશે કે શું?
વિલે-પાર્લે (વેસ્ટ)માં રહેતા અને એક કંપનીમાં જૉબ કરતા હર્ષિલ સંગોઈએ ફક્ત સરકારની સાઇટ પર ૫૦,૦૦૦ રૂપિયાની રાહત લેવા માટે ઍપ્લિકેશન જ નથી કરી, મહાનગરપાલિકા અને ડિઝૅસ્ટર મૅનૅજમેન્ટની અલગ-અલગ ઑફિસોમાં ચક્કર પણ ખાધાં છે. જોકે એ પછીયે આજ સુધી હર્ષિલને સરકારની યોજના અંતર્ગત એક રૂપિયાની પણ રાહત નથી મળી. જોકે તેને અનુભવ સારોએવો મળ્યો છે.
હર્ષિલના ૭૦ વર્ષના પિતા હરખચંદ સંગોઈનું સેવનહિલ્સ હૉસ્પિટલમાં ઑગસ્ટ ૨૦૨૦માં મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કર્યા પછી હર્ષિલે ૨ ડિસેમ્બર ૨૦૨૧ના દિવસે રાહત માટે ઍપ્લિકેશન કરી હતી. જોકે હર્ષિલને આજ સુધી રાહત મળી નથી, જ્યારે સરકારની જાહેરાત હતી અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ઍપ્લિકેશનના ૩૦ દિવસમાં એક્સ-ગ્રેસિયા રાહત પીડિતોને મળી જવી જોઈએ. 
આ સંદર્ભમાં હર્ષિલ સંગોઈએ પોતાના કડવા અનુભવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍપ્લિકેશન પછી તરત જ સરકારની માન્યતાપ્રાપ્ત સાઇટ પર સ્ટેટસ ‘પેન્ડિંગ’ બતાવતું હતું. ત્યાર બાદ થોડા દિવસ પછી સાઇટ પર સ્ટેટસ ‘સ્ક્રૂટિની પ્રોસેસ’ બતાવી રહ્યું હતું. પછી અચાનક સ્ટેટસ પર ‘ડૉકયુમેન્ટ્સ મિસિંગ’ આવ્યું હતું અને છેલ્લે ફરીથી સ્ટેટસ ‘પેન્ડિંગ’ થઈ ગયું હતું. આમ સ્ટેટસ રોજ-રોજ બદલાતું જતું હતું. છેલ્લા ૨૫ દિવસથી સ્ટેટસ ‘યૉર ઍપ્લિકેશન બીઇંગ ચેક્ડ બાય ધ કન્સર્ડ ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જ્યન / મેડિકલ ઑફિસર ઑફ ધ મ્યુનિસિપલ ઑફિસર ઑફ ધ મ્યુનિસિપલ કૉર્પોરેશન’ દેખાડી રહ્યું છે. આ માટે મેં મહાનગરપાલિકાના સંબંધિત બધા જ વિભાગોમાં ચક્કર ખાધાં છે. આ દરમ્યાન મને યાદ આવ્યું હતું કે મારું બૅન્ક-અકાઉન્ટ આધાર સાથે લિન્ક નહોતું. મેં તરત જ મારા બૅન્ક-અકાઉન્ટની તપાસ કરી હતી. મેં બૅન્કમાં જઈને જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને મારા અકાઉન્ટને આધાર સાથે લિન્ક કર્યું હતું. ત્યાર પછી મહાનગરપાલિકાની ઑફિસમાંથી મને જાણવા મળ્યું હતું કે મારી ઍપ્લિકેશન ચોથા તબક્કામાં પહોંચી ગઈ છે. એટલે કે ફક્ત મારા ખાતામાં પૈસા જમા કરવાના બાકી છે. જોકે ત્યાર પછી પણ હજી પોર્ટલ પર મારું સ્ટેટસ ‘યૉર ઍપ્લિકેશન બીઇંગ ચેક્ડ બાય ધ કન્સર્ડ ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જ્યન / મેડિકલ ઑફિસર ઑફ ધ મ્યુનિસિપલ ઑફિસર ઑફ ધ મ્યુનિસિપલ કૉર્પોરેશન’ જ દેખાડી રહ્યું છે.’
એક્સ-ગ્રેસિયા રાહત માટેની ઍપ્લિકેશન ચાર તબક્કામાંથી પસાર થાય છે. આ ચાર તબક્કાની માહિતી આપતાં હર્ષિલ સંગોઈએ કહ્યું હતું કે ‘પહેલા તબક્કામાં  સ્થાનિક વૉર્ડ વૉરરૂમ અથવા વિસ્તાર મુજબ તમને ઍપ્લિકેશન આઇડી અને અરજદાર અને મૃતકની વિગતોની ચકાસણી માટે ટેલિ કૉલ વેરિફિકેશન મળે છે. બીજા તબક્કો સીએસ ક્લિયરન્સનો હોય છે. એમાં સિવિલ સર્જ્યન / મેડિકલ ઑફિસર વિગતોની ચકાસણી કરે છે. ત્રીજો તબક્કો ડીડીએમટી એટલે કે જિલ્લા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીનો હોય છે, જે મુંબઈ માટે મુંબઈ મહાનગરપાલિકા હેઠળ આવે છે. તેઓ ક્લિયરન્સ માટેના રોલ અને માપદંડ વિશેનો નિર્ણય લે છે. આ ત્રણ તબક્કામાંથી પસાર થયા પછી ચોથો અને મહત્ત્વનો તબક્કો છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશ્યરી ટ્રાન્સફર. એક વાર તમારી અરજી ડીડીએમટીથી મંજૂર થઈ જાય પછી એ સીધી રાજ્યસ્તરના સત્તાધિકારીની જવાબદારી છે જે આપણે આપેલી બૅન્કની વિગતો અને આધારને સમાન ખાતા સાથે લિન્ક કર્યા પછી અને એની ચકાસણી કર્યા પછી લાભાર્થીઓને રકમ ટ્રાન્સફર કરે છે. એ મુજબ હવે કોઈ પણ સમયે મારા ખાતામાં ૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર થઈ જવા જોઈએ. જોકે મારા આશ્ચર્ય વચ્ચે હજી સુધી મારા ખાતામાં એક રૂપિયાની પણ રાહતની રકમ આવી નથી. મહાનગરપાલિકાની ઑફિસમાંથી આ વિગતો મળ્યા પછી પણ હજી પોર્ટલ પર મારું સ્ટેટસ ‘યૉર ઍપ્લિકેશન બીઇંગ ચેક્ડ બાય ધ કન્સર્ડ ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જ્યન / મેડિકલ ઑફિસર ઑફ ધ મ્યુનિસિપલ ઑફિસર ઑફ ધ મ્યુનિસિપલ કૉર્પોરેશન’ જ દેખાડી રહ્યું છે.’
મને હવે સમજાતું નથી કે મારે ૫૦,૦૦૦ રૂપિયાની સરકારની રાહત મેળવવા માટે શું કરવું જોઈએ? એમ જણાવીને હર્ષિલ સંગોઈએ કહ્યું હતું કે ‘વેબસાઇટ ટૅબ ફૉર અપ્રૂવ્ડ ઍપ્લિકેશન મુજબ એવી ઘણી અરજીઓ છે જે મંજૂર થઈ ગઈ છે, પરંતુ ખબર નથી કે મારી જેમ ઘણી અરજીઓ શા માટે પેન્ડિંગ છે?’ 
હર્ષિલ સંગોઈ જેવો જ સવાલ આજે હજારો કોરોના પીડિતોના સંબંધીઓને એક્સ-ગ્રેસિયા રાહત માટે મૂંઝવી રહ્યો છે. આ બાબતને લગતી કોઈ પણ પૂછપરછ માટે સરકાર પાસે કોઈ સંબંધિત વિભાગ અથવા કચેરી નથી જ્યાં પીડિતો વાસ્તવિક સ્થિતિ શોધી શકે. આ બાબતમાં મહાનગરપાલિકાઓની ઑફિસમાંથી એક જ જવાબ મળે છે કે ‘આ પ્રક્રિયા ઑનલાઇન છે તેથી અમે એમાં મદદ કરી શકતા નથી. અમે અમારું કામ કર્યું છે અને હવે તમે થોભો અને રાહ જુઓ.’ હવે કેટલો સમય એનો કોઈ જ આગળ જવાબ નથી. આ બાબતની માહિતી આપતાં શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજનના ડોમ્બિવલીના સક્રિય કાર્યકર સંદીપ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મહાજનના નેજા હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે અને લોકોને એનો લાભ મળે એ હેતુથી એક સરકારી યોજના સમિતિની રચના કરવામાં આવી છે. એ અંતર્ગત સમગ્ર મુંબઈમાં સંસ્થા દ્વારા વૉલન્ટિયરો સંચાલિત હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે. એક્સ-ગ્રેસિયા રાહત માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી થઈ શકે એ માટે ઑનલાઇન પદ્ધતિથી અરજી કરવાની શરૂઆત કરવામાં આવી છે. અમારા સેન્ટરમાંથી અત્યાર સુધીમાં કોરાનામાં સહાય મેળવવા માટે મુંબઈ, થાણે, ડોમ્બિવલી, કલ્યાણમાંથી સદ્ગતના પરિવારો તરફથી ૨૫૦થી વધુ અરજીઓ કરવામાં આવી હતી. એમાંથી ફક્ત ૧૦ ટકા પરિવારોને  રાહત મળી છે.’
આ સંદર્ભમાં આ મહાજનના અન્ય કાર્યકર અમિત વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑનલાઇન વેબસાઇટ પર કોઈ પણ અરજી બાબત શું કાર્યવાહી થઈ છે એ અપડેટ કરવામાં નથી આવતું એટલે જરૂરિયાતમંદ અરજદારોને તેમની અરજી બાબત આગળ શું કરવું એની કોઈ જ રૂપરેખા સ્પષ્ટ નથી. મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કર્યો તો તે અરજદારને આગળના અધિકારીનો હવાલો આપે છે. કોઈ જ વ્યવસ્થિત ચૅનલ ન હોવાથી અરજદાર આમથી તેમ ફંગોળાય છે. આનાથી વધુ પીડિતો સાથે ક્રૂર મજાક શું હોઈ શકે? આ બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વિવિધ અધિકારીઓનું ધ્યાન દોરવા માટે લેખિતમાં ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવી છે. એના જવાબમાં ફક્ત ફિક્સ જવાબ જ આપવામાં આવે છે કે આપની અરજી અમને મળી છે અને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.’
સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે જો કોઈ કારણસર અરજી રિજેક્ટ કરવામાં આવે છે તો અરજદાર ઉપરી અધિકારીને અપીલ કરી શકે છે અને એ માટે સુપ્રીમ કોર્ટના આદેશના એક અઠવાડિયામાં વૉર્ડ સ્તરે, સ્ટેટ લેવલ પર એક અપીલ-અધિકારીની નિમણૂક કરવામાં આવે એમ જણાવતાં આ મહાજનના કાંદિવલી સેન્ટરના સક્રિય કાર્યકર નયન નિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંદીપ ગાલા અને અમિત વિસરિયા દ્વારા જાતે રિજેક્ટ અરજીઓ બાબત તેમ જ પેન્ડિંગ અરજી બાબત કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા, થાણે મહાનગરપાલિકા અને  મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે તેમના તરફથી હજી સુધી કોઈ કમિટી બની નથી. સરકાર દ્વારા હવે આઠ દિવસની અંદર જો અરજીઓ બાબત કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે કે બનતી ત્વરાએ સમિતિનું ગઠન કરવામાં નહીં આવે કે પછી અરજદારને તેમની અરજી બાબત પૂર્ણપણે વાકેફ કરવામાં નહીં આવે તો અમારે નાછૂટકે સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના બદલ ફરીથી સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવવાં પડશે.’


ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ શું કહે છે?



અમારી પાસે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રભરમાંથી બે લાખ એક્સ-ગ્રેસિયા રાહત પ્રદાન કરવા માટે અરજીઓ આવી છે એવી માહિતી આપતાં મહારાષ્ટ્ર રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમાંથી અમે એક લાખ અરજીઓને ૩૦ દિવસ કરતાં ઓછા સમયમાં રાહતની રકમ મોકલી દીધી છે. જે અરજીઓ બાકી છે એનાં ત્રણ કારણો છે. એમાં પહેલું કારણ છે બૅન્ક-અકાઉન્ટ આધાર સાથે લિન્ક નથી. બીજું કારણ છે તેમણે આપેલી માહિતી અધૂરી છે અને ત્રીજું કારણ અમે હમણાં જાહેરમાં જણાવી શકીએ એમ નથી, કારણ કે એના પર અમારી ગ્રીવન્સિસ રિડ્રેસલ કમિટી તપાસ કરી રહી છે. અમારે દર અઠવાડિયે સુપ્રીમ કોર્ટને જવાબ આપવાનો હોવાથી અમે આમાં સહેજ પણ કચાશ રાખી શકીએ એમ નથી.’ 


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2022 08:19 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK