કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ હોય, ભલે પ્રમાણસર પીતા હો... : અમેરિકામાં આલ્કોહોલિક પીણાંની બૉટલો પર સિગારેટના પૅકેટની જેમ જ કૅન્સરના જોખમની ચેતવણી આપવાની ઍડ્વાઇઝરી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલી એક ઍડ્વાઇઝરીમાં જણાવવામાં આવ્યું હતું કે બિઅર, વાઇન કે સ્પિરિટ્સ એમ તમામ આલ્કોહોલિક પીણાં બનાવનારાઓએ તેમની બૉટલો પર સિગારેટના પૅકેટની જેમ કૅન્સરનાં જોખમોની ચેતવણી છાપવી જોઈએ, શરાબનો માનવસ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે એટલે શરાબ અને કૅન્સર વચ્ચેના સંબંધની લોકોને પૂરતી જાણ કરવાની જરૂર છે.
અમેરિકામાં દર વર્ષે શરાબ પીવાથી એક લાખ લોકો કૅન્સરથી અને ૨૦,૦૦૦ લોકો એના સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે.
ADVERTISEMENT
અમેરિકાના સર્જ્યન જનરલ ડૉ. વિવેક મૂર્તિએ પણ અલર્ટ કરતાં કહ્યું હતું કે શરાબ પીવાથી સાત પ્રકારનાં કૅન્સરનું જોખમ રહેલું છે; જેમાં મોં અને ગળું, પેટ, સ્તન, લિવર, આંતરડાં, રેક્ટમ અને અવાજનળીના કૅન્સરનો સમાવેશ છે; આથી શરાબની બૉટલો પર કૅન્સરનાં જોખમો ધરાવતી વૉર્નિંગ લખવાની જરૂર છે.
અમેરિકામાં તમાકુ અને મેદસ્વિતા બાદ શરાબ કૅન્સર થવાનું ત્રીજું મુખ્ય કારણ છે.
પ્રમાણસરના શરાબનું સેવન સારું છે એવો પ્રચાર થાય છે એ મુદ્દે ડૉ. મૂર્તિએ કહ્યું હતું કે ‘જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં એક ડ્રિન્ક લે છે તો તેની આખી જિંદગીમાં કૅન્સર થવાનું રિસ્ક ૧૦ ટકા રહે છે. આમ શરાબ લેવો શરીર માટે સારો છે એ માત્ર ભ્રામક પ્રચાર છે.’