ભારતના દાવાને અમેરિકા, ફ્રાન્સ બાદ યુનાઇટેડ કિંગડમનું સમર્થન
કીર સ્ટાર્મર
યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ગુરુવારે યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલીમાં કરેલા સંબોધનમાં યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલના કાયમી સભ્ય તરીકે ભારતને પ્રતિનિધિત્વ આપવા સમર્થન આપ્યું હતું. આ પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રોને પણ આવી વાત કરી હતી. કીર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘સિક્યૉરિટી કાઉન્સિલમાં ફેરફાર જરૂરી છે અને એમાં વધારે પ્રતિનિધિઓની જરૂર છે, એને રાજકારણ દ્વારા લકવાગ્રસ્ત બનાવવાની જરૂર નથી. અમને જોઈએ છે કે કાઉન્સિલમાં આફ્રિકાને પ્રતિનિધિત્વ મળે; બ્રાઝિલ, ભારત, જપાન અને જર્મની કાયમી મેમ્બર બને અને ચૂંટાયેલા સભ્યો માટે વધારે બેઠકો હોવી જોઈએ.’
હાલમાં યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલમાં પાંચ કાયમી અને ૧૦ બિનકાયમી મેમ્બરો છે. બિનકાયમી સભ્યોને બે વર્ષ માટે પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. પાંચ કાયમી મેમ્બરોમાં રશિયા, યુનાઇટેડ કિંગડમ, ચીન, ફ્રાન્સ અને અમેરિકાનો સમાવેશ છે. તેમની પાસે વીટો પાવર છે. ફ્રાન્સના પ્રેસિડન્ટ મૅક્રોએ પણ ભારત, બ્રાઝિલ, જપાન, જર્મની અને બે આફ્રિકન દેશોને સિક્યૉરિટી કાઉન્સિલની કાયમી મેમ્બરશિપ આપવાનું સમર્થન કર્યું હતું.