વાસ્તવમાં ‘આર્ટ ઑફ વૉર’ ચાઇનીઝ લશ્કરી વ્યૂહરચનાકાર અને વિચારક સુન ત્જુનો એક સિદ્ધાંત છે

ગઈ કાલે ચીનની સેનાના લશ્કરી અભ્યાસમાં ભાગ લઈ રહેલા જવાનો
અમેરિકન હાઉસનાં સ્પીકર નૅન્સી પેલોસીના તાઇવાન પ્રવાસથી ચીન અકળાયું છે. તે અમેરિકા અને તાઇવાનને સતત ધમકી આપી રહ્યું છે. એટલું જ નહીં, તાઇવાનને ઘેરીને છ સ્થળોએ લશ્કરી અભ્યાસ પણ શરૂ કર્યો છે, જેને પ્રેશર કરવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યું છે. એવી અટકળો છે કે ચીન તાઇવાન પર અટૅક કરી શકે છે. જોકે ચીનની વ્યૂહરચનાને સમજનારા નિષ્ણાતો અનુસાર ચીને ‘આર્ટ ઑફ વૉર’ હેઠળ તાઇવાનની સાથે લડ્યા વિના જ જીતવાના પ્રયાસ શરૂ કરી દીધા છે.
વાસ્તવમાં ‘આર્ટ ઑફ વૉર’ ચાઇનીઝ લશ્કરી વ્યૂહરચનાકાર અને વિચારક સુન ત્જુનો એક સિદ્ધાંત છે. તેમણે આ જ નામનું એક પુસ્તક પણ લખ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે આપણે દુશ્મનનો ખાતમો બોલાવવા માટે એટલી તૈયારી કરવી જોઈએ કે યુદ્ધ જ ન કરવું પડે. એનો અર્થ એ થયો કે વિરોધી દેશ પર એટલું દબાણ કરવું જોઈએ અને એ રીતે ઘેરી લેવું જોઈએ કે એ પોતે સરેન્ડર કરી દે અથવા તૂટી જાય. ડોકલામ અને લદ્દાખ જેવા વિસ્તારોમાં સરહદ પર અતિક્રમણ કરીને મહિનાઓ સુધી ભારત પર પ્રેશર કરવું એ આ જ વ્યૂહરચનાનો એક ભાગ છે. એ સિવાય ચીન સાઉથ ચાઇના સીમાં પણ એમ જ કરે છે. તે ત્યાં જપાન અને વિયેટનામ સહિત અનેક દેશોને પ્રેશરમાં લાવવાની કોશિશ કરે છે.
અત્યારે તાઇવાન મામલે અમેરિકા અને ચીન આમને-સામને છે. જોકે અમેરિકાનો હાથ ઉપર છે. યુદ્ધની સ્થિતિમાં એ ચીન પર આર્થિક પ્રતિબંધો મૂકી શકે છે. એટલા માટે જ ચીન ભલે તાઇવાન અને અમેરિકાને ધમકીઓ આપી રહ્યું હોય, પરંતુ અટૅક કરતું નથી. એ સિવાય ચીનની સેના કરતાં અમેરિકન આર્મ્ડ ફોર્સિસ વધારે પાવરફુલ છે. એટલા માટે જ માનવામાં આવી રહ્યું છે કે ચીન આગામી કેટલાક દસકમાં ઝડપથી પોતાની આર્થિક અને લશ્કરી તાકાત વધારશે. એણે યુક્રેનના યુદ્ધમાંથી પણ પાઠ ભણ્યો છે અને રશિયાની જેમ તાઇવાનમાં ફસાઈ જવા ઇચ્છતું નથી. એવામાં માત્ર પ્રેશર કરવા માટે તે પોતાની જાતને એટલું શક્તિશાળી બનાવવા ઇચ્છે છે કે અમેરિકા તાઇવાનમાં હસ્તક્ષેપ કરવાની સ્થિતિમાં ન રહે.