Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > શાસક નેતાઓની ‘લંકા’નું દહન

શાસક નેતાઓની ‘લંકા’નું દહન

11 May, 2022 09:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકામાં શાસક પાર્ટીના ૪૧ નેતાઓનાં ઘરને આગ લગાડાઈ, ભૂતપૂર્વ વડા પ્રધાને પરિવાર સાથે નેવલ બેઝમાં આશરો લીધો

શ્રીલંકાના કોલંબોમાં સરકારવિરોધી પ્રદર્શન કરનારાઓ અને સરકારના સપોર્ટર્સ વચ્ચેની અથડામણના એક દિવસ બાદ સળગાવવામાં આવેલી કાર પાસેથી ગઈ કાલે પસાર થઈ રહેલો સાઇકલસવાર.

શ્રીલંકાના કોલંબોમાં સરકારવિરોધી પ્રદર્શન કરનારાઓ અને સરકારના સપોર્ટર્સ વચ્ચેની અથડામણના એક દિવસ બાદ સળગાવવામાં આવેલી કાર પાસેથી ગઈ કાલે પસાર થઈ રહેલો સાઇકલસવાર.


કોલંબો ઃ શ્રીલંકામાં શાસકો વિરુદ્ધ ઠેર-ઠેર વિરોધની આગની જ્વાળાઓ ફેલાઈ છે. કરફ્યુ લાદવા છતાં રાતોરાત શાસક પાર્ટીના નેતાઓનાં ૪૧ ઘરને બાળવામાં આવ્યાં હતાં. ગઈ કાલે વધુ હિંસક પ્રદર્શનો થયાં હતાં. હજારો પ્રદર્શનકર્તાઓ કરફ્યુનો ભંગ કરીને શાસક નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. તેમનાં મકાનો, વાહનો, દુકાનો અને ઉદ્યોગોને આગ લગાડવામાં આવી રહી છે. 
મિલિટરીને ઇમર્જન્સી પાવર આપવામાં આવ્યા છે. તેઓ ૨૪ કલાક સુધી કોઈ પણ વ્યક્તિની અટકાયત કરી શકે છે. તેઓ વાહનોની તપાસ પણ કરી શકશે. 
આવા માહોલમાં શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્સે અને તેમના પરિવારે ત્રિંકોમાલીમાં નેવલ બેઝ ખાતે આશરો લીધો છે. 
તેઓ હેલિકૉપ્ટર્સમાં અહીં આવી પહોંચ્યા હતા. જોકે પ્રદર્શનકર્તાઓ અહીં પણ પહોંચી ગયા હતા. રાજધાની કોલંબોથી ૨૭૦ કિલોમીટરના અંતરે આવેલા આ નેવલ બેઝની બહાર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.  


અભૂતપૂર્વ આર્થિક કટોકટી અને ખાદ્ય સામગ્રી અને દવાઓની શૉર્ટેજને કારણે લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. વિરોધ-પ્રદર્શન હિંસક બનતાં પાંચ જણનાં મૃત્યુ થયાં છે, જેને પગલે કરફ્યુ લાદવામાં આવ્યો છે. મહિન્દા રાજપક્સેએ રાજીનામું આપ્યું છે, પરંતુ એનાથી લોકોમાં ભભૂકતો રોષ શાંત થયો નથી.
સરકાર વિરોધી હજારો પ્રદર્શનકર્તાઓ કોલંબોમાં મહિન્દા રાજપક્સેના નિવાસસ્થાને રાતોરાત આવી પહોંચતાં ગઈ કાલે સવારે મિલિટરીએ તેમને સુર​ક્ષિત સ્થાને લઈ જવા ઑપરેશન પાર પાડ્યું હતું. પોલીસે અશ્રુવાયુના શેલ છોડ્યા હતા.
એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા દસ પેટ્રોલ બૉમ્બ કમ્પાઉન્ડમાં ફેંકવામાં આવ્યા હતા. 
શ્રીલંકાની મુખ્ય વિપક્ષ પાર્ટી સમાગી જન બલવેગયાએ ગઈ કાલે વચગાળાની સરકારની રચના કરવા માટેની રાષ્ટ્રપતિની ઑફર ફગાવી હતી. એના બદલે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સેના રાજીનામાની માગણી કરવામાં આવી હતી.
મહિન્દા રાજપક્સેના સમર્થકોએ લાકડી લઈને પ્રદર્શકર્તાઓ પર હુમલો કરતાં વ્યાપક હિંસા ફાટી નીકળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK