બંગલાદેશની વચગાળાની સરકારના હેડ મોહમ્મદ યુનુસે ભારતને આપ્યો મેસેજ
મોહમ્મદ યુનુસ
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના એક મહિનાથી વધુ સમયથી ભારતમાં શરણ લઈને બેઠાં છે ત્યારે ત્યાંની વચગાળાની સરકારના હેડ મોહમ્મદ યુનુસે ભારતને મેસેજ આપતા એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે શેખ હસીના ભારતમાં બેસીને પૉલિટિકલ સ્ટેટમેન્ટ આપી રહ્યાં છે એ મૈત્રીનો સંકેત નથી. જ્યાં સુધી અમે તેમના પ્રત્યર્પણ માટે ન કહીએ ત્યાં સુધી બે દેશ વચ્ચે કોઈ ખટરાગ ઊભો ન થાય એ માટે તેમણે શાંત રહેવું જોઈએ એવું પણ તેમણે ઉમેર્યું હતું.
ત્યાર બાદ તેમણે એવું પણ કહ્યું હતું કે ‘બંગલાદેશ ભારત સાથે સુમેળભર્યા સંબંધ ઇચ્છે છે, પણ નવી દિલ્હીએ પણ એ માન્યતા દૂર કરવી જોઈએ કે બંગલાદેશમાં અવામી લીગ સિવાયની બધી પૉલિટિકલ પાર્ટી ઇસ્લામિસ્ટ છે અને શેખ હસીના વગર અમારો દેશ અફઘાનિસ્તાન બની જશે. તેઓ ભારતમાં છે એ અમારે ત્યાં કોઈને નથી ગમી રહ્યું, કારણ કે અમે તેમના પર અહીં કેસ ચલાવવા માગીએ છીએ. અત્યારે તેઓ ભારતમાં છે અને ઘણી વખત સ્ટેટમેન્ટ આપે છે જે તકલીફ ઊભી કરે છે. જો તેઓ શાંતિથી બેસે તો અમને કોઈ વાંધો નથી. અમે તેમને ભૂલી જઈએ, પણ ભારતમાં બેસીને તેઓ ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યાં છે એ કોઈને નથી ગમી રહ્યું. જો ભારત તેમને રાખવા માગતું હોય તો જ્યાં સુધી અમે તેમનો કબજો ન માગીએ ત્યાં સુધી તેમને ચૂપ રહેવાની શરત સાથે રાખે.’