ભારતે જણાવ્યું હતું કે આ કંઈ નવી નવાઈ નથી, ખાલિસ્તાનીઓ ભારતને બદનામ કરે છે અને હવે કૅનેડિયનોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જસ્ટિન ટ્રુડો સાથે.
કૅનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોએ હવે કૅનેડાના મૂળ કૅનેડિયનોને દેશ છોડીને તેમના વતન ઇંગ્લૅન્ડ અને યુરોપ જતા રહેવાની તાકીદ કરી છે. બે મિનિટના વિડિયોમાં નગર કીર્તનનું એક સરઘસ નીકળેલું દેખાય છે જેમાં એક તરફ કીર્તન વાગી રહ્યાં છે અને સિખ સમુદાયના લોકો હાથમાં ખાલિસ્તાની ઝંડા લઈને જતા જોવા મળી રહ્યા છે. એ સમયે એક વ્યક્તિ કહેતી સાંભળવા મળે છે કે આ કૅનેડા છે, આ અમારો દેશ છે; કૅનેડિયનો આ દેશમાં ઘૂસણખોર છે અને તેમણે તેમના દેશમાં પાછા જતા રહેવું જોઈએ; તેમણે ઇંગ્લૅન્ડ અને યુરોપ પાછા ફરી જવું જોઈએ; આ દેશ અમારો છે.
આ મુદ્દે ભારતે જણાવ્યું હતું કે આ કંઈ નવી નવાઈ નથી, ખાલિસ્તાનીઓ ભારતને બદનામ કરે છે અને હવે કૅનેડિયનોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. ખાલિસ્તાનીઓ હવે આખા દેશ પર પકડ બનાવી રહ્યા છે. ચુસ્ત સર્વેલન્સના અભાવે આમ થઈ રહ્યું છે અને આ ગ્રુપો હવે સ્થાનિક કૅનેડિયનો પાસેથી પણ કન્ટ્રોલ છીનવી લેવા માગે છે. હિન્દુઓ પાસેથી પણ પ્રોટેક્શન મની માગવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોને તેમની જ કૉલોનીઓમાં ખતરો છે.
ADVERTISEMENT
ખાલિસ્તાની આતંકવાદીના સમર્થક હરદીપ સિંહ નિજ્જરની ગયા વર્ષે હત્યા કરવામાં આવ્યા બાદ ભારત અને કૅનેડાના સંબંધો બગડી ગયા છે. બેઉ દેશોએ એકબીજાના રાજદૂતોને તેમના દેશમાંથી ખદેડી મૂક્યા છે. ભારતનો આરોપ છે કે જસ્ટિન ટ્રુડોની સરકાર ખાલિસ્તાનસમર્થકોને આશ્રય આપે છે. હિન્દુ મંદિરો પર ખાલિસ્તાની સમર્થકો હુમલા કરી રહ્યા છે.
