જકાર્તાથી ૬૨ મુસાફરોને લઈને ઊડેલું વિમાન લાપતા, તમામનાં મોતનો ભય

તસવીર સૌજન્ય: એએફપી
ગયા શનિવારે બપોરે રવાના થયેલા ઇન્ડોનેશિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ શ્રીવિજયા અૅર પેસેન્જર જેટનો એર ટ્રાફિક કન્ટ્રોલ જોડેનો સંપર્ક તૂટી ગયો હતો. તેમાં ૫૬ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સ છે. ઇન્ડોનેશિયાનાં વાહનવ્યવહાર મંત્રાલયનાં પ્રવક્તા અદિતા ઇરાવતીએ જણાવ્યું હતું કે બોઇંગ ૭૩૭-૫૦૦ વિમાન બપોરે ૧.૫૬ વાગ્યે જકાર્તાથી પોન્તિયાનાક રવાના થયું અને ૨.૪૦ વાગ્યે તેનો એર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. દેશના પાટનગર જકાર્તાથી બોર્નિયો ટાપુ પરના વેસ્ટ કાલિમન્તન પ્રાંતના મધ્યવર્તી શહેર પોન્તિયાનાક વચ્ચે હવાઈ પ્રવાસનો સમયગાળો ૯૦ મિનિટનો છે. નૅશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી તથા નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી કમિટીના સમન્વયમાં રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે.
સ્થાનિક પ્રસાર માધ્યમોના અહેવાલો પ્રમાણે જકાર્તા પાસેના કેટલાક ટાપુઓ પાસે માછીમારોએ દરિયાકિનારે ધાતુના ટુકડા તરતા જોયા હતા. એ ધાતુના ટુકડા વિમાનના પૂર્જા હોવાની ધારણા રાખવામાં આવે છે. ટેલિવિઝન ફુટેજમાં વિમાનના પ્રવાસીઓના સગાંને રડતા બતાવવામાં આવ્યા હતા. જકાર્તા અને પોન્તિયાનાક વિમાનમથકો ખાતે એકઠા થયેલા લોકો ઈશ્વરને પ્રાર્થના કરતા જોવા મળતા હતા. ચાર યુદ્ધજહાજોને વિમાનની તપાસ માટે રવાના કરાયા હતા.આ વિમાન ૨૬ વર્ષ જૂનું હતું.
૨૬ કરોડ લોકોની વસતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં માળખાકીય સુવિધાઓ અને સાધનો જૂના થતાં હવાઈ અને દરિયાઈ અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. અગાઉ વર્ષ ૧૯૯૭માં ૨૩૪ મુસાફરો સાથેની ગરુડા અૅરલાઇન્સનું વિમાન સુમાત્રા ટાપુઓ પાસે તૂટી પડ્યું હતું. વર્ષ ૨૦૧૪ના ડિસેમ્બર મહિનામાં સુબ્રાયાથી સિંગાપોર જતું ૧૬૨ પ્રવાસીઓ સાથેનું વિમાન દરિયામાં તૂટી પડ્યું હતું. ૨૦૧૮ના ઑક્ટોબર મહિનામાં લાયન અૅરનું જકાર્તા વિમાન મથકેથી ટેઇક ઑફ્ફ બાદ જાવાના સમુદ્રમાં તૂટી પડતાં ૧૮૯ પ્રવાસી માર્યા ગયા હતા.