ખાલિસ્તાની આતંકવાદીએ ૩૯ વર્ષ પહેલાં પ્લેન પર કરેલા હુમલામાં જીવ ગુમાવનારા ૩૨૯ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા રવિવારે કાર્યક્રમ
કૅનેડાની પાર્લમેન્ટમાં હરદીપ સિંહ નિજ્જરને શ્રદ્ધાંજલિ
ગયા વર્ષે માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને પાર્લમેન્ટમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી એટલે કૅનેડામાં ભારતીય દૂતાવાસ પણ ઍક્શનમાં, ખાલિસ્તાની આતંકવાદીએ ૩૯ વર્ષ પહેલાં પ્લેન પર કરેલા હુમલામાં જીવ ગુમાવનારા ૩૨૯ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા રવિવારે કાર્યક્રમ
ભારતને આંખ બતાવવા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને એક વર્ષ પૂરું થયું એ નિમિત્તે કૅનેડાની પાર્લમેન્ટે એક મિનિટનું ગઈ કાલે મૌન પાળ્યું હતું. જોકે કૅનેડાની આ આડોડાઈનો જડબાતોડ જવાબ આપતાં ભારતીય દૂતાવાસે રવિવારે વૅનકુવરમાં કનિષ્કા બૉમ્બિંગમાં માર્યા ગયેલા ૩૨૯ લોકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે.
ADVERTISEMENT
૧૯૮૫ની ૨૩ જૂને ખાલિસ્તાની આતંકવાદીઓએ પોતાની કાયરતાનું પ્રદર્શન કરતાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટ પર અટૅક કર્યો હતો, જેમાં ૮૬ બાળકો સહિત કુલ ૩૨૯ લોકો મૃત્યુ પામ્યા હતા. ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે વૅનકુવરના સ્ટૅન્લી પાર્કમાં આવેલા પ્લેગ્રાઉન્ડમાં ૨૦૨૪ની ૨૩ જૂને સાંજે સાડાછ વાગ્યે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીયોએ હાજર રહીને આતંકવાદની ખિલાફ આપણી એકતા અને શક્તિનું પ્રદર્શન કરવાનું છે.
કૅનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદીએ ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં રાખેલો બૉમ્બ ૩૧,૦૦૦ ફુટ ઉપર બ્લાસ્ટ થયો હતો જેમાં ૨૬૮ કૅનેડિયન, ૨૭ બ્રિટિશ અને ૨૪ ભારતીય નાગરિકો મૃત્યુ પામ્યા હતા.
હરદીપ સિંહ નિજ્જરની ગયા વર્ષે હત્યા થયા બાદ ભારત અને કૅનેડાના સંબંધોમાં ખટાશ આવી છે. કૅનેડાનો આરોપ છે કે તેની હત્યામાં ભારતનો હાથ હતો. જોકે ભારતે આ આરોપોને ફગાવીને એને પાયાવિહોણા ગણાવ્યા છે. ત્યારથી બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ ને વધુ બગડી રહ્યા છે. હજી ગયા અઠવાડિયે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ઇટલીમાં G7 બેઠકમાં મળ્યા હતા, પણ બન્ને નેતાઓએ એકબીજા સાથે ઔપચારિક વાત જ કરી હતી.

