તેમણે કૅનેડામાં રહેતા તમામ હિન્દુઓને શાંત, સતર્ક રહેવા તેમ જ કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો એની પોલીસને જાણ કરવા જણાવ્યું હતું

કૅનેડાના એમપી ચન્દ્ર આર્ય
ભારત અને કૅનેડા વચ્ચે તણાવની સ્થિતિમાં કૅનેડાના એમપી ચન્દ્ર આર્યે આરોપ મૂક્યો હતો કે ઉગ્રવાદી તત્ત્વો કૅનેડામાં રહેતા હિન્દુઓ પર ‘હુમલા’ કરી રહ્યા છે અને તેમને ભારતમાં પાછા જતા રહેવા માટે ધમકી આપી રહ્યા છે. તેમણે કૅનેડામાં રહેતા તમામ હિન્દુઓને શાંત, સતર્ક રહેવા તેમ જ કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો એની પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.
ચન્દ્ર આર્ય ઇન્ડો-કૅનેડિયન લીડર છે. તેઓ કૅનેડાની લિબરલ પાર્ટીના છે. પીએમ જસ્ટિન ટ્રુડો આ જ પાર્ટીના છે.
ADVERTISEMENT
આર્યે કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં કૅનેડામાં ખાલિસ્તાની મૂવમેન્ટના લીડર તેમ જ સિખ્સ ફૉર જસ્ટિસના પ્રેસિડન્ટ ગુરપતવંત સિંહ પન્નુએ કથિત રેફરન્ડમનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે કૅનેડામાં રહેતા હિન્દુઓને કૅનેડા છોડીને ભારતમાં પાછા જતા રહેવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ કૅનેડામાં રહેતા અનેક હિન્દુઓએ જણાવ્યું છે કે તેમને ડર લાગી રહ્યો છે. હું કૅનેડામાં રહેતા હિન્દુઓને સતર્ક અને શાંત રહેવા અપીલ કરું છું.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ખાલિસ્તાની મૂવમેન્ટ લીડર કૅનેડામાં રહેતા હિન્દુઓને રીઍક્ટ કરવા માટે ઉશ્કેરવાની અને કૅનેડામાં હિન્દુઓ અને સિખ કમ્યુનિટીઝ વચ્ચે ભાગલા પાડવા માટે કોશિશ કરી રહ્યા છે. આર્યે ખુલાસો કર્યો હતો કે કૅનેડામાં રહેતા મોટા ભાગના સિખો ખાલિસ્તાની મૂવમેન્ટને સપોર્ટ આપતા નથી.

