ધરપકડ કરાયેલો મૂળ ઈરાનનો શકમંદ કટ્ટરપંથી ઇસ્લામિસ્ટ હોવાનું મનાય છે

પ્રતીકાત્મક તસવીર
નૉર્વેની રાજધાની ઓસ્લોમાં ગઈ કાલે એક હુમલાખોરે અંધાધુંધ ફાયરિંગ કરતાં બે જણનાં મૃત્યુ થયાં હતાં અને ૨૧ જણને ઈજા થઈ હતી. પોલીસ વાર્ષિક પ્રાઇડ ફેસ્ટિવલ દરમ્યાન થયેલા આ હુમલાની સંભવિત આતંકવાદી હુમલા તરીકે તપાસ કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શકમંદ ૪૨ વર્ષનો નૉર્વેનો નાગરિક છે. તે મૂળ ઈરાનનો છે. ઓસ્લોમાં તેણે ત્રણ જગ્યાઓએ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું, જેના પછી તેની ધરપકડ કરવામાં આવી છે.
ઓસ્લો પ્રાઇડ પરેડના આયોજકોએ આ પરેડને રદ કરી હતી. આ પરેડ શરૂ થવાની હતી એના કલાકો પહેલાં જ એલજીબીટીક્યુ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીયર) કમ્યુનિટીમાં પૉપ્યુલર બાર લંડન પબની બહાર પણ ગોળીબાર થયો હતો.
પોલીસ ઍટર્ની ક્રિશ્ચન હટલોએ જણાવ્યું હતું કે આ શકમંદની ધરપકડ કરવામાં આવી છે. આ ગોળીબારથી પરેડમાં ભાગ લેવા આવેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેઓ આ હુમલાખોરથી છુપાવાની કોશિશ કરી રહ્યા હતા.
ધરપકડ કરાયેલો શકમંદ કટ્ટરપંથી ઇસ્લામિસ્ટ હોવાનું મનાય છે કે જેની માનસિક બીમારીની હિસ્ટરી રહી છે.