રસોઈ ખૂટી જતાં વરપક્ષ નારાજ થઈને મંડપ છોડીને જતો રહ્યો હતો, પરંતુ કન્યાએ પોલીસને જાણ કરતાં વરરાજાનું કાઉન્સેલિંગ કરીને તેને વરાછા પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યો
સુરતનું પોલીસ સ્ટેશન બન્યું લગ્નસ્થળ
રવિવારે રાત્રે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં એક અનોખા લગ્ન થયાં હતાં. એક દીકરીની, કોડભરી કન્યાની વાત કાને ધરીને પોલીસે નારાજ થઈને જતા રહેલા વરરાજાને સમજાવીને પાછો લઈ આવી હતી અને પોલીસ સ્ટેશનમાં જ રવિવારે મોડી રાતે વરકન્યાને હારતોરા કરાવીને હસતા મોઢે કન્યાને વિદાય કરી હતી.
રવિવારે રાતે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગરની વાડીમાં એક લગ્નપ્રસંગ યોજાયો હતો. જાન આવી ગઈ હતી અને સૌ હર્ષોલ્લાસ સાથે લગ્નમાં મહાલી રહ્યા હતા, પરંતુ લગ્નમાં રસોઈ ખૂટી જતાં વર અને કન્યાપક્ષ વચ્ચે થોડી રકઝક થઈ હતી અને વરરાજા રાહુલ મહંતો તેમ જ વરપક્ષના લોકો નારાજ થઈને લગ્નમંડપ છોડીને જતા રહ્યા હતા. જોકે કન્યા અંજલિકુમારીએ હિંમત હાર્યા વગર પોલીસના ૧૦૦ નંબર પર આ ઘટના વિશે જાણ કરીને સુખદ ઉકેલ લાવવા રજૂઆત કરતાં વરાછા પોલીસ તરત જ કન્યા અને તેના પરિવારની મદદ માટે દોડી આવી હતી.
ADVERTISEMENT
વાતની ગંભીરતા સમજીને પોલીસ સુરતમાં જ રહેતા વરરાજાના ઘરે પહોંચી ગઈ હતી. પોલીસે વરરાજાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેની ફૅમિલીને પણ સમજાવી હતી અને વરરાજાને વરાછા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા. માથે સાફો પહેરીને સૂટ-બૂટમાં વરરાજા આવી પહોંચતાં વરાછા પોલીસ સ્ટેશનમાં ઘડિયાં લગ્ન લેવાયાં હતાં. કન્યા તેમ જ વરરાજાએ એકબીજાને હાર પહેરાવ્યા હતા અને પોલીસ સ્ટાફે વાજતે-ગાજતે વિદાય આપી હતી.

