° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


ગુજરાતમાં ડેરી ઉદ્યોગના નિષ્ણાત અને એક સીએના યુનિક સ્ટાર્ટ અપથી ખેડૂતોને થયો અઢળક ફાયદો

18 June, 2021 12:04 PM IST | Ahmedabad | Chirantana Bhatt

મધમાખી ઉછેરની આ પ્રવૃત્તિમાંથી માત્ર મધ નહીં પણ મીણ, હની જૅલી, પોલન અને બી વેનમ જેવા ઉત્પાદનો પણ મેળવાય છે. દેશ ભરનાં મધમાખી ઉછેરક મોટેભાગે મધનાં ઉત્પાદન પર જ ધ્યાન આપે છે પણ તે સિવાયની નિપજ પણ બહુ જ અગત્યની હોય છે.

મધમાખીના ઉછેરના અનેક ગણા ફાયદા હોય છે.  તસવીરમાં ડૉ. વિભાકર ઘોડા

મધમાખીના ઉછેરના અનેક ગણા ફાયદા હોય છે. તસવીરમાં ડૉ. વિભાકર ઘોડા

2007માં હૉલીવુડની એક એનિમેશન ફિલ્મ રિલીઝ થઇ હતી ધી બી મૂવી. આ ફિલ્મમાં માણસો પોતાનું મધ લઇ લે છે તેવું ખબર પડ્યા પછી મધમાખીઓ એ મધ પાછું મેળવે છે અને પછી એક તબક્કે મધ બનાવવાનું બંધ કરી દે છે. જો કે તેમના આવા નિર્ણયને પગલે ફૂલો મરવા માંડે છે કારણકે તેમની પરાગરજ ક્યાંય પહોંચતી નથી. આ જોઇને મધમાખીઓ ફરી કામે લાગી જાય છે. આ ફિલ્મની ટીકા પણ થઇ અને અમુક લોકોને તે પસંદ પણ આવી. જો કે અહીં આ ફિલ્મનો ઉલ્લેખ કરવાનો હેતુ એટલો જ કે મધમાખીઓનું મહત્વ આપણી લાઇફ સાઇકલમાં કેટલું છે તેને સમજવાની કોશીશ આપણે કરવી જોઇએ ખરી. આવો જ કંઇક વિચાર આવ્યો અમદાવાદના ડૉ. વિભાકર ઘોડાને જેમણે ડેરી ઉદ્યોગમાં લાંબો સમય સેવા આપી છે. એક સમયે અમૂલમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવી ચૂકેલા વિભાકર ઘોડાને જ્યારે તેમના ભાણા પ્રતીકે મધમાખીઓ અને તેના ઉછેર અંગે વિગતવાર પૂછ્યું ત્યારે મધ ઉત્પાદન, મધમાખી ઉછેરની દિશામાં એક નવો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો.

મજાની વાત એ છે કે ડૉ. વિભાકર સાથે મધનો આ રસપ્રદ બિઝનેસ કરવા માટે પ્રતીક ઘોડાએ સીએ તરીકે મલ્ટીનેશનલ કંપનીઝમાં દોઢ દાયકાથી સડસડાટ આગળ વધી રહેલી પોતાની સફળ કારકીર્દીને તિલાંજલી આપી. તેમના આ સ્ટાર્ટઅપમાં ગેસ્ટ્રોએન્ટ્રોરાઇટિસ ડૉ.મનોજ ઘોડા પણ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

આ અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં ડૉ. વિભાકર ઘોડાએ જણાવ્યું, “પહેલી નજરે મધનો વ્યવસાય છે તેમ લાગે પણ ખરેખર તે તો મધમાખી ઉછેરની સાઇડ પ્રોડક્ટ છે. મધમાખીઓનો ઉછેર ખેતી માટે બહુ જ અગત્યનો છે. તમને નવાઇ લાગશે કે પૃથ્વી પર જીવન ટકી રહે તે માટે પણ આ નાનકડી મધમાખીઓનું અસ્તિત્વ રહે તે બહુ જ જરૂરી છે. મધમાખીઓનું પાલન અને ઉછેર 100 ટકા કાર્બન ફૂટપ્રિન્ટ ફ્રી થાય છે. તેમાં ઇલેક્ટ્રીસિટી, પાણી, ડિઝલ કે પેટ્રોલ જેવા ઇંધણ કે કોઇપણ પ્રકારના કેમિકલ્સનો પણ ઉપયોગ નથી થતો. વળી તેમાં ઘન, પ્રવાહી કે ગેસને લગતા કોઇપણ પ્રકારના પ્રદૂષણ પણ નથી થતા.”

તેમણે જણાવ્યું કે મધમાખી ઉછેરની આ પ્રવૃત્તિમાંથી માત્ર મધ નહીં પણ મીણ, હની જૅલી, પોલન અને બી વેનમ જેવા ઉત્પાદનો પણ મેળવાય છે. દેશ ભરનાં મધમાખી ઉછેરક મોટેભાગે મધનાં ઉત્પાદન પર જ ધ્યાન આપે છે પણ તે સિવાયની નિપજ પણ બહુ જ અગત્યની હોય છે.

જો કે તેમનાં મધમાખી ઉછેરનો સૌથી મોટો ઉદ્દેશ છે ખેડૂતોને મદદ કરવાનો. તેમણે કહ્યું કે, “મધમાખીઓ દરેક ફૂલ પર લગભગ 2000 વાર જતી હોય છે અને પરાગરજનું વહન આ કારણે બહુ જ સારી રીતે થાય છે. ક્રોસ પોલિનેશનની પ્રક્રિયા મોટા પ્રમાણમાં થાય જેને કારણે કોઇપણ પ્રકારના પાકને બહુ જ ફાયદો થાય છે.”

જે ખેડૂતોએ પોતાના ખેતરોમાં મધપૂડા થવા દીધાં છે તેમને જે પરિણામ મળ્યાં તે આશ્ચર્યજનક છે. ડૉ.વિભાકર ઘોડાએ જણાવ્યા અનુસાર તેમના પાકમાં 30થી 50 ટકા જેટલો વધારો થયો છે, ફળ પણ બહેતર આવ્યા છે તથા તેનો સ્વાદ પણ વધારે સારો થયો છે. ખાસ કરીને તરબુચ, સાકરટેટી, કાકડી જેવા વધુ પાણી ધરાવતા ફળના પાકમાં તો 200 ટકા જેટવો વધારો નોંધી શકાય છે. વળી આટલો સારો પાક મેળવવા માટે કોઇ વધારાની જહેમત કે ખાતર વગેરે નથી નાખવા પડતા.

તેમણે પોતાના આ પ્રોજેક્ટના હેતુ અંગે કહ્યું કે, “ખેડૂતોને પાક વધારે મળે તો તેમની આવક વધે અને તે માટે કોઇ વધારાનું રોકાણ નથી કરવાનું. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારી શકાય અને બી વેક્સ આધારીત ઉત્પાદનોનો વ્યવસાય પણ થઇ શકે વળી બી વેનમ એટલે કે મધમાખીના ઝેરને આધારે થતી ટ્રીટમેન્ટ્સનુ ચલણ પણ વધારી શકાય.”

બી બેઝ પ્રાઇવેટ લિમીટેડની શરૂઆત 15 લાખના રોકાણે 300 મધમાખી પાલનની પેટીઓની ખરીદી સાથે થઇ અને દર મહિને 750 ગ્રામ મધ એકઠું થવા માંડ્યું. બી બેઝ દ્વારા આમળાં, લીચી, જાંબુ, કેસર, અજમો, આદુ જેવી અલગ અલગ 11 ફ્લેવર્સના મધ બનાવાય છે તો સાથે હની ચૉકલેટ્સની અને અન્ય ડિઝર્ટ્સની વેરાયટી પણ ઉપલબ્ધ છે. આ સ્ટાર્ટઅપનું માર્કેટિંગ સોશ્યલ મીડિયાથી કરાયું કારણકે કોરોનાવાઇરસના ફેલાવાને કારણે બીજી કોઇ રીતે તે કરવું શક્ય નહોતું અને તેમને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

ઓર્ગેનિક મધના ઘણા ફાયદા હોય છે જેમ કે તે પાચનતંત્ર માટે, ત્વચા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે લાભદાયી હોય છે તથા તે કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. બીબેઝનાં ઉત્પાદનો તેની વેબસાઇટ તથા સોશ્યલ મીડિયા પેજ પરથી સંપર્ક કરી મેળવી શકાય છે. 

 

 

18 June, 2021 12:04 PM IST | Ahmedabad | Chirantana Bhatt

અન્ય લેખો

ગુજરાત સમાચાર

સોમનાથ મંદિર પર ધ્વજા ચડાવવાનો લહાવો ભાવિકો જાતે લઈ શકશે

આ સિસ્ટમ પાટીદાર અગ્રણી નરેશ પટેલે સોમનાથ મંદિરને અર્પણ કરી છે અને તેમણે ધ્વજાપૂજા કરીને સોમનાથદાદાને ધ્વજા ચડાવી હતી.

27 July, 2021 03:28 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

હવે ગુજરાતમાં વરસાદ તારાજીના મૂડમાં

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થવાને લીધે ગઈ કાલે રાજકોટ, જામનગર, મહેસાણા, પંચમહાલ અને સુરત જિલ્લામાં ૭થી ૧૮ ઇંચ વરસાદ

27 July, 2021 02:34 IST | Rajkot | Rashmin Shah
ગુજરાત સમાચાર

ગુજરાતમાં મેઘો મહેરબાન, મોસમનો સરેરાશ 32.58 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. રાજ્યમાં સરેરાશ 32.58 ટકા વરસાદ નોંધાયો છે.

26 July, 2021 02:06 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK