Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પ્રી-વેડિંગ શૂટને બદલે સૅનિટરી પૅડનું વિતરણ

પ્રી-વેડિંગ શૂટને બદલે સૅનિટરી પૅડનું વિતરણ

07 December, 2022 09:11 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગુરુવારે પરણી રહેલાં સુરતના કપલે આ સહિત બીજાં ઘણાં સદ્કાર્યો લગ્ન પહેલાં કર્યાં અને લગ્ન બાદ ચાંદલાના પૈસામાંથી પણ કરવાનું છે. આ કપલે દસ હજાર ટીનેજર અને મહિલાઓને આપ્યાં સૅનિટરી પૅડ

આદિવાસી બાળકીને સૅનિટરી પૅડ આપી રહેલી શિવાંગી અને બાળકોને ભોજન પીરસી રહેલો કરણ ચાવડા. આવતી કાલે તેમનાં લગ્ન થવાનાં છે.

આદિવાસી બાળકીને સૅનિટરી પૅડ આપી રહેલી શિવાંગી અને બાળકોને ભોજન પીરસી રહેલો કરણ ચાવડા. આવતી કાલે તેમનાં લગ્ન થવાનાં છે.


લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે સુરતના યુવાન કરણ ચાવડા અને તેની ફિયાન્સે શિવાંગીએ લગ્ન કરતાં પહેલાં એક સ્તુત્ય અને સરાહનીય નિર્ણય કરીને પ્રી-વેડિંગ શૂટ કરવાને બદલે સદ્કાર્ય કરતાં આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું અને આદિવાસી મહિલાઓ અને યુવતીઓને સમજણ આપીને સૅનિટરી પૅડનું વિતરણ કર્યું હતું, એટલું જ નહીં, પરંતુ કંકોતરીમાં સરદાર પટેલ, ભગત સિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા સ્વતંત્રતા સેનાનીઓના ફોટો મૂકીને દેશભક્તિને પણ ઉજાગર કરી છે.

પોતાનાં લગ્નમાં નવો પ્રયોગ કરનાર અને જેનાં મૅરેજ ગુરુવારે થવાનાં છે એ કરણ ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને પ્રી-વેડિંગનો ખર્ચ ખોટો લાગે છે એટલે લગ્ન પહેલાં મેં અને શિવાંગીએ સાથે મળીને નિર્ણય કર્યો હતો કે કંઈક સારું કામ કરીએ અને જે ખર્ચ પ્રી-વેડિંગ શૂટમાં થતો હોય એટલા ખર્ચનો આપણે સદ્કાર્યમાં ઉપયોગ કરીએ. આમ વિચારીને અમે ધરમપુર ગયા હતા, જ્યાં પહેલાં એક ટ્રસ્ટને સાથે રાખીને આદિવાસી બાળકોને જમાડવાનું આયોજન કર્યું અને બે વખત બાળકોને ભોજન કરાવ્યું હતું. એ ઉપરાંત આદિવાસી મહિલાઓ અને યુવતીઓને સૅનિટરી પૅડ આપવાનું નક્કી કર્યું હતું અને એ માટે મહિલાઓ અને યુવતીઓને સમજણ આપીને ૧૦,૦૦૦ જેટલાં સૅનિટરી પૅડનું વિતરણ કર્યું હતું. લગ્ન પછી પણ અમે આદિવાસી બાળકોને જમાડવા માટેનું પ્લાનિંગ કર્યું છે. આ ઉપરાંત ચાંદલામાં જે રકમ આવે એમાંથી અમુક રકમ પણ અમે સદ્કાર્ય માટે વાપરવાનાં છીએ. સુરતમાં કલામ લાઇબ્રેરી ચલાવું છું એટલે મારા અંગત લોકોને કહ્યું છે કે લાઇબ્રેરીમાં પુસ્તકોની જરૂર હોય છે એટલે તમે ચાંદલાને બદલે પાંચ પુસ્તકો પણ આપી શકો છો.’




કરણ અને શિવાંગીએ લગ્નની કંકોતરીમાં ગણપતિબાપ્પા ઉપરાંત સ્વતંત્રતાસેનાનીઓના ફોટોને સ્થાન આપીને દેશભક્તિ ઉજાગર કરી

આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે પોતાની લગ્નની કંકોતરીમાં આઝાદીના લડવૈયા અને ઘડવૈયાઓને સ્થાન આપીને દેશભક્તિને ઉજાગર કરનાર કરણ ચાવડાએ આ મુદ્દે કહ્યું કે ‘આઝાદીના ૭૫મા વર્ષે મારાં મૅરેજ થવાનાં છે અને આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કંકોતરી પર એનો લોગો મૂક્યો છે. આ ઉપરાંત માંગલિક પ્રસંગોના પેજ પર ગણપતિબાપ્પાનો ફોટો મૂક્યો છે. એ ઉપરાંત ઈષ્ટદેવની પ્રેરણાથી કંકોતરીમાં આમંત્રણ-પેજ પર ભગત સિંહ, સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટો મૂકવાનું નક્કી કર્યું હતું અને તેમને સ્થાન આપ્યું છે જેથી લોકો તેમને યાદ રાખે, કેમ કે આ સ્વતંત્રસેનાનીઓનું દેશની આઝાદીમાં મોટું યોગદાન છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 09:11 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK