Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > તો શું હવે સાબરમતી આશ્રમની સાદગી ખોવાઈ જશે? જાણો શું છે સમગ્ર વિવાદ

તો શું હવે સાબરમતી આશ્રમની સાદગી ખોવાઈ જશે? જાણો શું છે સમગ્ર વિવાદ

30 January, 2022 07:23 PM IST | Gandhinagar
Karan Negandhi | karan.negandhi@mid-day.com

નવીનીકરણ માટે ૧૨૦૦ કરોડ જેવી મોટી રકમ સાંભળીને ગાંધીવાદી લોકોએ આનો આકરો વિરોધ નોંધાવ્યો છે.

સાબરમતી આશ્રમ. ફોટો - યાહૂ

Gandhiji Death Anniversary

સાબરમતી આશ્રમ. ફોટો - યાહૂ


શાંત, સૌમ્ય અને સરળ ગાંધી બાપુના સ્વભાવના પ્રતિબિંબ સમા સાબરમતી આશ્રમનો ૧૨૦૦ કરોડના ખર્ચે તેના ૧૯૪૯ના માળખા મુજબ કાયાકલ્પ કરવાના સરકારના પ્રસ્તાવનો ચારે બાજુથી વિરોધ થઈ રહ્યો છે. જોકે, આ પ્રસ્તાવની સંપૂર્ણ પરિકલ્પના સરકારે હજી બહાર પાડી નથી, તેથી લોકોના મનમાં આ અંગે ઘણી અસમંજસ ઊભી થઈ રહી છે. ૧૨૦૦ કરોડ જેવી મોટી રકમ સાંભળીને ગાંધીવાદી લોકોએ આનો આકરો વિરોધ નોંધાવ્યો છે. ગાંધીજીની વિચારધારાને અનુસરતા લોકોનો મત છે કે બાપુ પોતાનું આખું જીવન સાદગી અને કરકસર સાથે જીવ્યા, હવે તેમના આશ્રમ પાછળ ૧૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવે તે તેમની વિચારધારાથી સદંતર વિરોધી છે.

સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ગાંધી આશ્રમ મોટી જમીનમાં પથરાયેલો છે અને તેનું સંચાલન કુલ વિવિધ પાંચ સ્વાયત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં સાબરમતી આશ્રમ પ્રિવેન્શન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT), સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, હરિજન સેવક સંઘ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ અને હરિજન આશ્રમ ટ્રસ્ટનો સમાવેશ છે. સરકારે આ સંદર્ભે આ તમામ ટ્રસ્ટ સાથે આશ્રમના નવનિર્માણ માટે વાતચીત શરૂ કરી છે. દરમિયાન કેટલાંક ગાંધીવાદીઓ નારાજ છે. 140 જેટલા ગાંધીવાદીઓએ અને કર્મશીલોએ પત્ર લખીને તેની સામે પ્રખર વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે આટલા જંગી ખર્ચમાં ગાંધીજીની સાદગી ખોવાઈ જશે. આ યોજના ગાંધીવિચારની વિરુદ્ધ છે. જો આ પ્રોજેક્ટનું અમલીકરણ કરાશે તો બાપુનું સૌથી અધિકૃત સ્મારક વ્યાપારીકરણમાં ખોવાઈ જશે.



ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ સાબરમતી આશ્રમ 200થી વધુ પરિવારોનું ઘર છે, જેમને ડર છે કે જો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે તો તેમને રહેવા માટે જગ્યા આપ્યાવગર છોડી દેવામાં આવશે. મોટાભાગની રહેણાંક મિલકતો વંશજોના કબજામાં છે, જેમની સાથે બાપુ 1900ના દાયકાની શરૂઆતમાં આશ્રમમાં સ્થાયી થયા હતા. જોકે, સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ નાણાંનો મોટો ભાગ મુખ્યત્વે આશ્રમની આજુબાજુના રહેવાસીઓના જમીન સુધારણા અને પુનર્વસનનો માટે વાપરવામાં આવશે. “અહી વર્ષોથી વિવાદિત મિલકતો પણ છે. આનું સમાધાન પણ બજેટનો મોટો ભાગ છે.” તેમ એક સરકારી સૂત્રએ ડાઉન ટુ અર્થને જણાવ્યું હતું.


આ નવીનીકરણનો પ્લાન અમદાવાદ સ્થિત એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ બિમલ પટેલ કરે છે, જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ પણ કરી રહી છે. આ સંદર્ભે એચસીપી ડિઝાઇને પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “આશ્રમમાં આવતા મુલાકાતીઓ મહાત્મા ગાંધીના જીવન અને તેમની ફિલોસોફીને  વધુ સારી રીતે સમજી શકે તે માટે તેની સુવિધાઓ વધારવી અને આશ્રમના મૂળ શાંત વાતાવરણને ફરીથી બનાવવાનો આ પ્રોજેક્ટનો મૂળ હેતુ છે.”

કંપનીએ સવાલના લેખિત જવાબમાં કહ્યું કે “આ પ્રોજેક્ટ આશ્રમની પ્રવૃત્તિઓ અને જમીનના વિભાજનને પૂર્વવત્ કરશે અને વિસ્તારને 5 એકરથી 55 એકર સુધી વિસ્તૃત કરશે, જેમાં આશ્રમની તમામ મૂળ ઇમારતોનો સમાવેશ કરશે અને તેમને પુન:સ્થાપિત કરાશે.” આશ્રમમાં રહેતા લોકો માટે કંપનીએ કહ્યું છે કે “ઐતિહાસિક કારણોસર આશ્રમ વિસ્તારના નિવાસી પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે અથવા આશ્રમ વિસ્તારના નિયુક્ત વિસ્તારમાં નવા ઘર આપવામાં આવશે.” આ કાર્ય પરામર્શ, સંવાદ અને તમામ હિસ્સેદારોની ભાગીદારી દ્વારા કરવામાં આવશે. તેવી સ્પષ્ટતા પણ કામની દ્વારા કરવામાં આવી છે.


Sabarmati Ashram Planફોટો સૌજન્ય :  એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ

આશ્રમમાં બદલાવ જરૂરી બદલાવ વિશે કંપનીએ કહ્યું કે “આશ્રમ રોડ, જે આશ્રમ વિસ્તારની મધ્યમાંથી પસાર થાય છે, તેને ડાઈવર્ટ કરવામાં આવશે જેથી શાંતિપૂર્ણ વાતાવરણ આશ્રમમાં ફરી સ્થાપિત કરી શકાય.” ઉપરાંત મુલાકાતીઓ માટે આશ્રમમાં પાર્કિંગ જેવી મૂળભૂત સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે.

કંપનીએ ઉમેર્યું હતું કે “તે એક અર્થઘટન કેન્દ્ર બનાવશે જે મુલાકાતીઓને બહુવિધ ભાષાઓમાં માર્ગદર્શન આપી શકે અને તેમના અનુભવને સાંસ્કૃતિક અને બૌદ્ધિક રીતે વધુ સમૃદ્ધ બનાવે. ઉપરાંત દિવ્યાંગ મુલાકાતીઓ માટે અને દૃષ્ટિહીન લોકો માટે પણ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

સાબરમતી આશ્રમ પ્રિવેન્શન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT)ના ચેરમેન ઇલાબેન ભટ્ટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “તમામ કાર્ય ગાંધી આશ્રમની શુચિતા, સાદાઈ અને ગાંધીવિચારનાં તત્વો જળવાઈ રહે તે રીતે જ કરવામાં આવશે. જો ગાંધીમૂલ્યોથી વિરુદ્ધ બદલાવ કરવામાં આવશે, તો અમે તેનો ચોક્કસપણે વિરોધ કરીશું.”

ઇલાબેન ભટ્ટ

ઈલબેન ભટ્ટ. ફોટો સૌજન્ય : વિકીપેડિયા

ટ્રસ્ટના ડાયરેક્ટર અતુલ પંડયાએ આ સંદર્ભે કહ્યું હતું કે “આશ્રમમાં આવતા મોટા ભાગના મુલાકાતીઓ પોતાના વાહન દ્વારા આવે છે અને અપર્યાપ્ત પાર્કિંગની સુવિધાને કારણે ઘણી વખત તેમનો ટ્રાફિક પોલીસ સાથે વાદ-વિવાદ પણ થાય છે. તેથી આશ્રમમાં પાર્કિંગની સુવિધા વધારવી આવશ્યક છે. જોકે, ટ્રસ્ટને હજી સરકાર તરફથી પ્લાનની વિગતવાર માહિતીના દસ્તાવેજ મળ્યા નથી.”

આ સંદર્ભે વાતચીત કરતાં ગાંધી વિચાર પર ઘડાયેલી ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર સુદર્શન ઐયંગરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે “આશ્રમ રોડને ખસેડવાની માંગ તો ટ્રસ્ટ ઘણા સમયથી કરી રહ્યું હતું, કારણે કે તેને આશ્રમના શાંત વાતાવરણમાં ખલેલ પડતો હતો. આ સંદર્ભે તત્કાલીન ગુજરાત રાજ્યના ગવર્નરને પણ વિનંતી કરવામાં આવી હતી, પરંતુ હવે આ કાર્ય માટે નવા ચક્રો ગતિમાન થયા છે અને હવે સરકારની સમિતિ પાંચ ટ્રસ્ટ સાથે અલગથી વાતચીત કરી રહી છે.” તેમણે ઉમેર્યું હતું કે “સરકારે બાયંધરી આપી છે કે આશ્રમના મૂળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સરકારના ‘વર્લ્ડક્લાસ’ અને ‘અમ્યુઝમેન્ટ પાર્ક’ અને ‘ટુરિસ્ટ એટ્રેકશન’ જેવા શબ્દો સામે અમે વાંધો ઉઠાવ્યો છે.”

Sudarshan Iyengar સુદર્શન ઐયંગર

તેમણે પોતાનો વ્યક્તિગત મત રજૂ કરતાં કહ્યું હતું કે “આ આખી યોજનામાં હોવી જોઈએ તેટલી પારદર્શિતા નથી. સરકારે જે કઈ યોજના બનાવી હોય તે તેમણે પાંચ ટ્રસ્ટોને સાથે બોલાવીને સમજાવવી જોઈએ અને આદર્શ પરિસ્થિતિ એ હોવી જોઈએ કે સરકાર યોજનામાં જ પાંચ ટ્રસ્ટોનો મત લે અને બાદમાં યોજના તૈયાર કરે. યોજના તૈયાર કર્યા બાદ તેના અમલીકરણ માટે ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવે તે વાત હું વ્યક્તિગત રીતે વાજબી નથી સમજતો.”

આ સમગ્ર પ્રકરણ બાબતે વાત કરતાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાતી મિડ-ડે ડોટ કૉમને જણાવ્યું કે “જો ૧૨૦૦ કરોડ રૂપિયાનું બજેટ હોય તો, આ કોઈ નાનીસૂની રકમ નથી. આવા જંગી ખર્ચ બાદ તેમાં કોઈ સાદગીનું તત્વ હોય શકે નહીં. ગાંધીના સ્મારક પાછળ ૧૨૦૦ કરોડ કરવામાં આવે જેણે પોતાની જરૂરીયાતો સદંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હોય અને કરકસર કરી હોય, તે ગાંધી તત્વ નથી. ઉપરાંત જે લોકોને બાપુએ જ આશ્રમમાં વસાવ્યા હતા, તેમને ખસેડવાની જરૂર શું છે?”

Tushar Arun Gandhiતુષાર ગાંધી

તેમણે ઉમેર્યું હતું કે “સરકાર શું કરવા માંગે છે, તેની જાણકારી તેમણે આપી નથી. દરરોજ મીડિયા અહેવાલો દ્વારા નવી જાણકારી સામે આવે છે, પરંતુ એક પણ વાત અરકર તરફથી સત્તાવાર રીતે કહેવામાં આવી નથી. આ પ્રસ્તાવ બિન જરૂરી અને ગેરવાજબી છે. ગાંધીમૂલ્યોની વિરુદ્ધ છે. ગાંધીજીએ વિરોધીઓથી પણ કોઈ કાર્ય છૂપી રીતે કર્યું ન હતું અને જો આ વ્યક્તિના સ્મારક માટે સરકાર વિગતો ન આપતી હોય તો તેમની દાનતમાં કચાશ હોય તેવું લાગે છે.”

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2022 07:23 PM IST | Gandhinagar | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK