અમદાવાદમાં સ્કૂલ-વૅનચાલકોની હડતાળના પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન થયા તો ગાંધીનગરમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગણી સાથે યુવાનો અને યુવતીઓએ સરકાર સામે વિરોધ-પ્રદર્શન કર્યું
સ્કૂલ-વૅનની હડતાળના પગલે ગઈ કાલે વાલીઓએ તેમનાં બાળકોને સ્કૂલે લેવા-મૂકવા જવું પડ્યું હતું. (તસવીર- જનક પટેલ)
ગુજરાતમાં મંગળવારનો દિવસ દેખાવો, આંદોલન, વિરોધ-પ્રદર્શન સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને પડેલી હાલાકીનો બની રહ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, જૂનાગઢ, ગોધરા, રાજકોટ સહિત ગુજરાતનાં અન્ય નાનાં-મોટાં શહેરોમાં કૉલેજ-પ્રવેશ, કાયમી શિક્ષકની ભરતી, લંપટ સાધુઓને લઈને દેખાવો, ફિલ્મ સામે વિરોધ સાથે રૅલી સહિતના કોઈ ને કોઈ મુદ્દે વિરોધ-પ્રદર્શન યોજાયું હતું એટલું જ નહીં, સ્કૂલ-વૅનની હડતાળના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને હેરાન થવાનો વારો પણ આવ્યો હતો.
અમદાવાદમાં વાલીઓ થયા પરેશાન
ADVERTISEMENT
ગુજરાતના અમદાવાદ, સુરત, ગાંધીનગર સહિતનાં શહેરોમાં સ્કૂલ-વૅન ચાલકોની હડતાળના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન થયા હતા. અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાં સ્કૂલ-વૅન ચાલકોની હડતાળને પગલે વૅનમાં સ્કૂલે જતા-આવતા લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પારાવાર પરેશાનીમાં મુકાયા હતા. મમ્મી કે પિતાએ તેમના ઑફિસના સમયમાંથી ટાઇમ કાઢીને તેમ જ ઘરનાં કામ પડતાં મૂકીને તેમનાં દીકરા-દીકરીને સ્કૂલે મૂકવા જવું પડ્યું હતું. રાજકોટના ગેમઝોનના અગ્નિકાંડ પછી ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ દ્વારા બાળકોની સેફ્ટીના મુદ્દે સ્કૂલ-વૅન સામે તવાઈ આવી છે એના વિરોધમાં તેઓ હડતાળ પર ઊતર્યા હતા.
શિક્ષકોની કાયમી ભરતી કરવાના મુદ્દે ગાંધીનગરમાં દેખાવો
ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) અને ટીચર્સ ઍપ્ટિટ્યૂડ ટેસ્ટ (TAT)ની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓએ શિક્ષકની નોકરી મેળવવા માટે ગઈ કાલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ધરણાં અને વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. પરીક્ષા પાસ કરનારા ભાવિ શિક્ષકોનું એવું કહેવું હતું કે અનેક વખત રજૂઆતો કરવા છતાં એ ધ્યાને લેવામાં આવતી નથી અને શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાં પણ શિક્ષકોની કાયમી ભરતી કરતા નથી. યુવાન-યુવતીઓએ સૂત્રોચ્ચાર કરવા સાથે દેખાવો કરતાં પોલીસે કેટલાક યુવાનની ટિંગાટોળી કરીને અટકાયત કરી હતી.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં પ્રવેશના મુદ્દે વિવાદ
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં કૉમર્સ કૉલેજમાં પ્રવેશના મુદ્દે ગઈ કાલે ધમાલ થઈ હતી. આ વખતે ધોરણ ૧૨નું રિઝલ્ટ ઊંચું આવ્યું છે એવા સમયે કૉમર્સ કૉલેજમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે બેઠકો ઘટતાં સ્થાનિક વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતાં કાળાં કપડાં પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ બૅનરો, પ્લૅકાર્ડ સાથે રૅલી યોજી હતી અને સ્થાનિક વિદ્યાર્થીઓને સમાવવા તેમ જ જૂનો નિયમ હતો એ પ્રમાણે પ્રવેશ-પ્રક્રિયા કરવાની માગણી કરી હતી.
સુરતમાં હરિભક્તોનું કુકર્મી સાધુઓ સામે વિરોધ-પ્રદર્શન
ગુજરાતમાં લંપટ સાધુઓનાં કારનામાં બહાર આવતાં કુકર્મી સાધુઓને ભગાવોનાં બૅનર અને પ્લૅકાર્ડ સાથે ગઈ કાલે સુરતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહીને લંપટ સાધુઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જે સાધુઓ સંપ્રદાયમાં રહીને કાળાં કામો કરે છે તેની સામે પગલાં લેવા માટે માગણી કરી હતી.
‘મહારાજ’ ફિલ્મ સામે વૈષ્ણવ સમાજનો વિરોધ યથાવત્
ગુજરાતમાં ‘મહારાજ’ ફિલ્મ સામે વૈષ્ણવ સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને દિવસે-દિવસે વિરોધ વધતો જઈ રહ્યો છે. ગઈ કાલે જૂનાગઢ, રાજકોટ, ગોધરામાં આ ફિલ્મ સામે વૈષ્ણવ સમાજે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. જૂનાગઢમાં વૈષ્ણવાચાર્યો સાથે સમાજના નાગરિકોએ રૅલી યોજી દેખાવો કર્યા હતા અને કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવી જ રીતે ગોધરા તેમ જ રાજકોટમાં પણ વૈષ્ણવ સમાજે એક થઈને ફિલ્મ સામે દેખાવો કર્યા હતા.