Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જીતની હૅટ-ટ્રિક બાદ અમદાવાદમાં મોદીની વિક્ટરી-સ્પીચ

જીતની હૅટ-ટ્રિક બાદ અમદાવાદમાં મોદીની વિક્ટરી-સ્પીચ

21 December, 2012 03:47 AM IST |

જીતની હૅટ-ટ્રિક બાદ અમદાવાદમાં મોદીની વિક્ટરી-સ્પીચ

જીતની હૅટ-ટ્રિક બાદ અમદાવાદમાં મોદીની વિક્ટરી-સ્પીચ






ગુજરાતની ચૂંટણીએ સિદ્ધ કરી દીધું છે કે ગુજરાતના મતદારો કેટલા પરિપક્વ છે. હજી પણ કેટલાક લોકો ગુજરાતના વિજયને પચાવી નથી શક્યા. તેમને આજે રાતે ઊંઘ નહીં આવે, પણ અમે કોઈનું બૂરું નથી ઇચ્છતા. આ બધા ગુજરાતને નીચું દેખાડવાનો બૌદ્ધિક વ્યભિચાર કરી રહ્યા છે. આ ચૂંટણી વિકાસના મુદ્દે લડાઈ, પણ જેઓ ગુજરાતમાં જીતવા દેવા નહોતા માગતા તેમણે જૂઠાણાંનો એવો મારો ચલાવ્યો કે એમાંથી સત્ય શોધી, સમજી, સ્વીકારીને છ કરોડ ગુજરાતીઓએ કમાલ કરી દીધી છે. તેમનાં ચરણોમાં હું કોટિ કોટિ વંદન કરું છું. હું પોતે વિચલિત નથી થયો અને મને આ ચૂંટણીમાં જેટલા પથ્થર વિરોધીઓએ માર્યા એ પથ્થરની સીડી બની ગઈ અને બીજેપીની જીતની હૅટ-ટ્રિક થઈ ગઈ.


ગુજરાતની માતા-બહેનોએ મારી રક્ષા કરી છે. આ ચૂંટણી જનતા જનાર્દન અને નૌજવાનોએ પોતાના ખભા પર લઈ લીધી હતી. દેશમાં શાસનવિરોધી માનસિકતા હોય છે, પણ શાસનતરફી ભારે વિશ્વાસપૂર્વક મતદાન કરી લોકો ફરીથી સરકારને ચૂંટે એ હિન્દુસ્તાનની રાજનીતિની એવી ઘટના છે જેનું શ્રેય પરિપક્વ સમજદાર મતદારોને મળવું જોઈએ, તેમનું સન્માન રાજકીય પંડિતોએ કરવું  જોઈએ.


આ ચૂંટણીનાં પરિણામોએ પુરવાર કર્યું  છે કે જનતા બધું જ સમજે છે કે સાચું શું છે અને સારું શું છે? ખરાબ શું છે અને શ્રેષ્ઠ શું છે? જ્યારે જનતાને અધિકાર મળે છે ત્યારે તેણે લોકતંત્રની લાંબી પ્રક્રિયામાં નીરક્ષીર વિવેક બતાવ્યો છે. ગુજરાતના મતદાતાએ પરિપક્વતા બતાવી છે અને લોભ-લાલચ કે પ્રલોભનથી ઉપર ઊઠીને ભવિષ્યની દૃષ્ટિને જ નજર સમક્ષ રાખીને આ મતદાન કર્યું છે. રાજકીય પંડિતોને ‘એકમત ગુજરાત’ જેવા સાદા વાક્યનો અર્થ સમજાયો નહીં, પરંતુ લોકોએ કમળના ફૂલની માફક એને ઉપાડી લીધો.

ગુજરાતની જનતાએ કોમવાદી ઝેરનો ૧૯૮૦ના દસકામાં પૂરો અનુભવ કરી લીધો છે. હવે ગુજરાતના મતદારો જ્ઞાતિવાદ અને જાતિવાદથી ઉપર ઊઠીને આવનારી પેઢીનું જ ભિવષ્ય જુએ છે. જેમણે જુદાં-જુદાં સમીકરણોથી સરકારની આવન-જાવનને મૂલવી છે તેમણે જાણી લેવું પડશે કે હવે રાજકીય સ્થિરતા જ મહત્વની છે અને શાસન કરતાં પક્ષનું ઉત્તરદાયિત્વ વધતું જાય છે, કારણ કે જનતાને કામનો હિસાબ આપવો પડે છે. ગુજરાતની જનતાએ લગાતર જૂઠાણાંને માનવાનો ઇનકાર કરી દીધો અને કૉન્ગ્રેસના ઇલેક્શન-મૅનિફેસ્ટોથી પણ મોહિત થઈ નથી. આ ચૂંટણીમાં ચર્ચા કરવી હોય તો છ કરોડ ગુજરાતીઓની કરો. દેશ સમક્ષ એવી મિસાલ ગુજરાતે ખડી કરી દીધી છે કે ગુડ ઇકૉનૉમિક્સ એ બૅડ પૉલિટિકસ નથી. ગુજરાતના મતદારોએ પ્રમાણિત કરી દીધું છે કે ગુડ ગવર્નન્સ અને ડેવલપમેન્ટ નજર સમક્ષ દેખાય તો જનતા બધું જ બાજુએ મૂકીને એનું સમર્થન કરે છે.

મારી પૂરી કોશિશ રહી છે કે મેં કયારેય કોઈ પર વ્યક્તિગત આરોપ નથી લગાવ્યો. લોકતંત્રમાં પ્રતિસ્પર્ધી હોય, દુશ્મન નહીં. હું કોઈને દુશ્મન નથી માનતો, ખેલદિલીથી ચૂંટણીના મેદાનમાં રહ્યો છું. મને સંસ્કાર મળ્યાં છે એમાં કોઈ ગિરાવટ આવવા નથી દીધી. ક્યાંય કોઈ કમી રહી હોય તો છ કરોડ ગુજરાતીઓની હું ક્ષમા માગું છું. કોણ જીત્યું, કોણ હાર્યું એને બદલે આ ત્રીજી વાર જનતાનો આદેશ મેળવીને હું આપની સેવા માટે આવ્યો છું. આવનારાં પાંચ વર્ષ પૂરેપૂરાં ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કરવાનો છું. આપે બીજેપીને વિજયી બનાવી છે. હવે અભૂતપૂર્વ જીત પછી હું જનતા જનાર્દનને ઈશ્વરરૂપ સમજીને એવા આર્શીવાદ માગું છું કે તમે મને સત્તા આપી છે. હવે અમારાથી ભૂલેચૂકે પણ કોઈ ભૂલ ન થાય કે કોઈનું બૂરું નહીં થાય.

ગુજરાતના છ કરોડ નાગરિકોની ૧૨ કરોડ આંખો મને જોઈ રહી છે. આ બધા હિન્દુસ્તાનના એ નાગરિકો છે જે વિકાસ, સુખશાંતિ ઇચ્છે છે અને આ વિજય તેમને આભારી છે.

મેં ચૂંટણીપ્રચારમાં કહેલું કે એક તરફ બીજેપીના લાખો કાર્યકરોનો પરસેવો છે અને બીજી તરફ કૉન્ગ્રેસનો પૈસો છે અને એમાં કાર્યકરોનો પરસેવો જ જીતશે, કૉન્ગ્રેસનો પૈસો પરાસ્ત થશે. આજે આ વિજયમાં પક્ષના કાર્યકરોના પરિશ્રમને કારણે જ સફળતા મળી છે. બીજેપીના ૪૦ વર્ષના પરિશ્રમ અને તપસ્યાથી આ વિજયપતાકા ફરકી છે. મારે ગુજરાતને ખૂબ આગળ લઈ જવું છે. દલિત, શોષિત, પીડિત, ગરીબ પોતે તાકાતવર બને અને વિકાસમાં ભાગીદાર બને. જનતાનો વિશ્વાસ અને શાસકનો આત્મવિશ્વાસ આવનારાં પાંચ વર્ષ આપત્તિમુક્ત વિકાસને નમૂનેદાર બનાવશે. આ વિકાસ જનકલ્યાણ માટે કરવાનો છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2012 03:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK