બાના આ શબ્દોને જીવનમાં ઉતારનાર જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત BJPના નવા સુકાની
ગઈ કાલે જગદીશ વિશ્વકર્માનું મોઢું મીઠું કરાવતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે કોબા ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગુજરાતના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ગઈ કાલે ગુજરાત BJPના નવા પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં કેન્દ્રીય ચૂંટણી-ઇન્ચાર્જ ડૉ. કે. લક્ષ્મણ, ગુજરાત BJPના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત BJPના આગેવાનો, ગુજરાત પ્રધાનમંડળના સભ્યો, સંસદસભ્યો, વિધાનસભ્યો, કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ નવા પ્રદેશપ્રમુખનો ચાર્જ સંભાળતાં પહેલાં અમદાવાદમાં તેમના ઘરેથી નીકળીને સુપ્રસિદ્ધ કૅમ્પના હનુમાનદાદાના મંદિરે દર્શન કર્યાં હતાં અને રૅલી કાઢીને કમલમ પહોંચ્યા હતા.
જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘શીર્ષ નેતૃત્વએ મને જે જવાબદારી સોંપી છે, જે વિશ્વાસ મમૂક્યો છે એ બદલ શીર્ષ નેતૃત્વનાં ચરણોમાં વંદન. મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને પાર્ટીએ જે જવાબદારી સોંપી છે એ જવાબદારીની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર. મારાં બા હંમેશાં કહેતાં કે પાણી કરતાં પાતળા થઈને ચાલીએ. આજે આ શબ્દો મેં મારી જિંદગીમાં ઉતાર્યા છે. જો પાણી કરતાં પાતળા થઈને ચાલતાં શીખીએ તો કોઈ સત્તાનો અહમ્ કે સત્તાનો નશો ચડશે નહીં. આ પદ કે હોદ્દો કાર્યકરથી શોભે છે. પાર્ટીનો ખેસ ઉતારીને રસ્તા પર જાઉં તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય. મારી ઓળખ કેસરિયો અને કમળ છે. સૌ કાર્યકરોના સાથ-સહકારથી ટીમ ગુજરાત BJP થકી ગુજરાતની જનતાની સેવામાં સાથે મળીને તનતોડ પ્રયાસ કરીએ. જનતાની આશા-અપેક્ષાને પરિપૂર્ણ કરવા આપણે સૌ કાર્યકરો કટિબદ્ધ રહીએ. BJP આજે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને સહકાર પ્રધાન અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અને નેતૃત્વમાં આગળ વધી રહી છે.’


