° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

ખુમારીના ખરાશ ભર્યા અવાજ ખલીલ ધનતેજવીની વસમી વિદાય

04 April, 2021 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી, ઉર્દુ, હિંદીમાં કવિતા, ગઝલોની રચના કરનારા ખલીલ ધનતેજવી એકમાત્ર ગુજરાતના શાય છે જેમની હયાતીમાં જ તેમની લખેલી ગઝલને જગજીત સિંઘનો સ્વર મળ્યો.

ખલીલ ધનતેજવી. તસવીર - સંજય વૈદ્ય

ખલીલ ધનતેજવી. તસવીર - સંજય વૈદ્ય

ખલીલ ધનતેજવી, વડોદરા સ્થિત શાયરનું 82 વર્ષની વયે સારવાર દરમિયાન નિધન થયું છે. તેમની વિદાયથી પડેલી ખોટ તેમના ખરાશ ભર્યા અવાજથી જ ભરવી રહી. મૂળ વડોદરાના ધનતેજના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ઈસ્માઈલ મકરાણી હતું. તેઓ માત્ર ચાર ચોપડી ભણ્યા પરંતુ તેમના શબ્દોએ લોકોનું દિલ જીતવામાં કોઇ કચાશ ન છોડી. ગુજરાતી, ઉર્દુ, હિંદીમાં કવિતા, ગઝલોની રચના કરનારા ખલીલ ધનતેજવી એકમાત્ર ગુજરાતના શાય છે જેમની હયાતીમાં જ તેમની લખેલી ગઝલને જગજીત સિંઘનો સ્વર મળ્યો.

“अब मैं राशन की क़तारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ

इतनी महंगाई के बाज़ार से कुछ लाता हूँ
अपने बच्चों में उसे बाँट के शरमाता हूँ”

તેમની શાયરી રજુ કરવાની અદા મુશાયરાની જાન રહેતી. તેમને કવિ કલાપી પુરસ્કારથી 2004માં અને વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ખલીલ ધનતેજવીને મુશાયરામાં સાંભળવા એક લાહવો હતો અને તેમની ગઝલોની સરળતા જ તેની ખાસિયત હતી. તેઓ સાદા શબ્દોમાં ધારદાર તેજાબી વાત કહી શકાતા. ટકોરા બંધ ગઝલોના સર્જક ખલીલ ધનતેજવીને તેમની જ કેટલીક રચનાઓ સાથે સ્મરીને ખુદા હાફિઝ કહીએ.

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,
સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,
પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,
બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,
એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!

આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,
હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,
બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,
બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

-ખલીલ ધનતેજવી

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

– ખલીલ ધનતેજવી

એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !

નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

– ખલીલ ધનતેજવી

તેમની સ્મૃતિમાં ઘણાં ચાહકોએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી તેમના તેજાબી સટિક લખાણને સલામ ભરી હતી.

 

અભિનેતા મલ્હાર ઠાકર જે પોતે અચ્છા કવિ છે તેમણે પણ આ પોસ્ટ દ્વારા તેમને યાદ કર્યા હતા.

 

ગાયક અને સંગીતકાર આલાપ દેસાઇએ પોસ્ટમાં ગઝલ માટે દુઃખી દિવસ એમ લાગણી વ્યક્ત કરી હતી.

04 April, 2021 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

Coronavirus Gujarat Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6000 કેસ

ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસોએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 6021 નવા કેસ નોંધાયા છે. સોમવારે 55 ચેપગ્રસ્ત મૃત્યુ નોંધાયા હતા, ત્યાર બાદ રાજ્યમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા 4855 પર પહોંચી ગઈ છે

13 April, 2021 11:52 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

વડોદરાના એક બંગલામાં 13 યુવતીઓ સહિત 22 જણ મહેફિલ માણતાં ઝડપાયાં

વડોદરાના એક બંગલામાં 13 યુવતીઓ સહિત 22 જણ મહેફિલ માણતાં ઝડપાયાં

08 March, 2021 11:55 IST | Vadodara | Agency
ગુજરાત સમાચાર

વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ

વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ

04 March, 2021 10:20 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK