શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગઈ કાલે વહેલી પરોઢથી સોમનાથદાદાનાં દર્શન માટે શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા

સોમનાથ મંદિરમાં શ્રાવણના પહેલા સોમવારે ગઈ કાલે સાંજે સોમનાથદાદાને બોરસલી પુષ્પશ્રૃંગાર કરાયો હતો.
શ્રાવણનો પહેલો સોમવાર ગુજરાતમાં શિવમય બની રહ્યો હતો. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ, વડનગરના હાટકેશ્વર મહાદેવ સહિત ગુજરાતનાં શિવમંદિરોમાં દર્શન માટે ભાવિકોની ભીડ ઊમટી પડી હતી. સોમનાથમાં હર હર મહાદેવના જયઘોષ સાથે પાલખીયાત્રા યોજાઈ હતી.
શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગઈ કાલે વહેલી પરોઢથી સોમનાથદાદાનાં દર્શન માટે શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. પ્રથમ સોમવારે સોમનાથદાદાની પાલખીયાત્રા યોજાઈ હતી, જેમાં ભાવિકો, તીર્થ પુરોહિતો, સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા અને હર હર મહાદેવનો જયઘોષ ભાવિકોએ કર્યો હતો. શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે સોમનાથ મહાદેવને બોરસલી પુષ્પ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ગઈ કાલે સોમનાથ મંદિરમાં ભાવિકો દ્વારા ૩૭ જેટલી ધ્વજપૂજા થઈ હતી. સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૦,૦૦૦થી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
બીજી તરફ ગાંધીનગર – મહુડી રોડ પર આવેલા અમરનાથ ધામમાં ગઈ કાલે કાવડિયા યાત્રા પહોંચી હતી. વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ ધામના મૅનેજિંગ ટ્રસ્ટી દીપક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી જય અંબે મિત્ર મંડળ દ્વારા રવિવારે કાવડિયાઓએ પગપાળા કાવડયાત્રા યોજીને ગઈ કાલે અહીં અમરનાથ મહાદેવ મંદિરે આવ્યા હતા અને કાવડમાં લાવેલા જળથી ૧૨ જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરાયો હતો તેમ જ ૭૫૧ દીવાની આરતી કરવામાં આવી હતી.
હરહર મહાદેવ
દેશભરમાં ગઈ કાલે પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશનાં ૧૬ જ્યોતિર્લિંગ પૈકી એક વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં જલાભિષેક માટે કાવડિયાએ તેમ જ અન્ય ભક્તોએ લાંબી લાઇન લગાવી હતી.