° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


ગુજરાતના આદિવાસી પટ્ટામાં આ વખતે આટલી બધી હલચલ કેમ છે?

22 November, 2022 09:00 AM IST | Ahmedabad
Dilip Gohil | feedbackgmd@mid-day.com

૩૫ બેઠક આદિવાસી મતદારો ધરાવતી હોય ત્યારે ૧૮૨ બેઠકની વિધાનસભામાં એના મહત્ત્વને ઓછું આંકી શકાય નહીં

ફાઇલ તસવીર ઇલેક્શન સ્પેશ્યલ

ફાઇલ તસવીર

ગુજરાતને ટ્રેડ, કૉમર્સ અને ઇન્ડસ્ટ્રીના રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે–વાત સાચી પણ છે, પરંતુ એક લાંબો આદિવાસી બેલ્ટ પણ ગુજરાતમાં છે. ઉમરગામથી અંબાજી સુધીમાં ૨૭ બેઠક આદિવાસી અનામત છે અને એને અડીને આવેલી બીજી આઠેક બેઠકમાં પણ આદિવાસી મતોની ગણતરી કરાતી હોય છે. આ રીતે ૩૫ બેઠક આદિવાસી મતદારો ધરાવતી હોય ત્યારે ૧૮૨ બેઠકની વિધાનસભામાં એના મહત્ત્વને ઓછું આંકી શકાય નહીં.

કદાચ એટલે જ છ મહિના પહેલાં ગુજરાતમાં ચૂંટણી-માહોલનાં મંડાણ થઈ રહ્યાં હતાં ત્યારે આદિવાસી વિસ્તારોમાં જ મોટી સભાઓ યોજાઈ. કૉન્ગ્રેસની આદિવાસી સત્યાગ્રહ રૅલી દાહોદમાં યોજાઈ હતી. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કૉન્ગ્રેસની સરકાર આવશે એટલે પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવશે. આ જાહેરાત એટલા માટે અગત્યની હતી કે દક્ષિણ ગુજરાતમાં નદીઓને જોડવાની આ યોજના માટેનો (અન્ય ચાર યોજનાઓ સાથે) ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. આ જાહેરાત સાથે જ ભારે વિરોધ થયો હતો અને થોડા વખત પછી કેન્દ્ર સરકારે-ભાગ્યે જ બનતું હોય છે એ રીતે-પોતાની જ આ યોજના હાલપૂરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવી પડી હતી. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ ચૂંટણીના વર્ષમાં સૌથી મોટી પહેલી સભા જૂનમાં નવસારીમાં યોજાઈ હતી. એમાં પણ આદિવાસીના વિકાસના મુદ્દાને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. દરમ્યાન આમ આદમી પાર્ટી અને છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ચૂંટણીમાં ગઠબંધન થશે એ સમાચાર આવી ગયા હતા અને સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. કરન્ટ અફેર્સ પર ટીવીને વધારે મહત્ત્વ મળતું હોય છે એટલે ગુજરાતમાં આદિવાસી પટ્ટાની હલચલ વિશે સૌથી વધારે ચર્ચાઓ પણ ગુજરાતની ન્યુઝ ચૅનલોમાં ચાલવા લાગી હતી.

એવું ચિત્ર ઊભું થયું હતું કે ગુજરાતની ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી બેઠકો નિર્ણાયક બનશે. અમુક વિસ્તાર, અમુક બેઠકો, અમુક સમાજો નિર્ણાયક બનશે એની ચર્ચા ચૂંટણીમાં ચાલતી હોય છે, પણ નિર્ણાયક મુદ્દો કયો બનશે એ કાયમ રહસ્ય હોય છે. મતપેટીઓ ખૂલે–સૉરી, ઈવીએમનો સ્ક્રીન આંકડો બતાવે ત્યારે ખબર પડતી હોય છે. ચૂંટણીમાં આખરે આંકડા જ અગત્યના સાબિત થાય છે અને આદિવાસી રાજકારણને સમજવા માટે પણ થોડા આંકડા જોઈ લેવા જરૂરી છે.

છેલ્લી ૨૦૧૭ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૨૭ એસટી બેઠકમાંથી ૧૫ બેઠક મળી હતી. બીટીપીને મળેલી બે બેઠક પણ કૉન્ગ્રેસ સાથે ગઠબંધનમાં હતી એટલે ૧૭ થઈ અને મોરવા હડફમાં અપક્ષ. ભાજપને ફાળે માત્ર ૯ બેઠક આવી હતી. એથી જ ચર્ચા થતી હોય છે કે આદિવાસી બેઠકોમાં હજીય કૉન્ગ્રેસનું વર્ચસ્વ છે અને ભાજપે અહીં સ્થાન જમાવવાનો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. 
હવે જુઓ કે ભાજપને આદિવાસી બેલ્ટની ૧૫ બેઠક મળી હતી ૧૯૯૫ની ચૂંટણીમાં. ૧૯૯૦માં માત્ર છ હતી. ૧૯૯૮માં ફરી ૮ થઈ ગઈ હતી. ૨૦૧૭માં પણ ૯ બેઠક જ મળી હતી, પણ પેટાચૂંટણીનાં પરિણામો ઉમેરો તો ૧૧ થઈ જાય-ડાંગ, કપરાડા અને મોરવા હડફ. આ આંકડા અત્યારે તરત યાદ આવતા નથી, પરંતુ યાદ કરવા પડશે, કેમ કે આ વખતે આદિવાસી બેઠકોમાં ફરી મોટા ફેરફાર દેખાઈ રહ્યા છે. 

આપ અને બીટીપીનું ગઠબંધન તૂટી પડ્યું, પણ પછી બહુ ડ્રામેટિક ઘટનાક્રમ ચાલ્યો. બીટીપીમાંથી ઘણા કાર્યકરો આપમાં જોડાઈ ગયા. મહેશ વસાવાના સાથી ગણાય તેવા ચૈતર વસાવા આપમાં જોડાયા અને ડેડિયાપાડામાં તેમની સામે જ ચૂંટણી લડવા ઊતર્યા. મહેશ વસાવાએ ઝઘડિયામાં ફૉર્મ ભર્યું. ફૉર્મ તો ભર્યું, પણ પોતાના જ પિતા છોટુભાઈ વસાવાને બીટીપીમાંથી કાઢી મૂકીને. મુલાયમસિંહ જેવી હાલત છોટુભાઈની થયાની ચર્ચા જાગી અને ફરી નાટકીય સમાચાર આવ્યા કે મહેશ વસાવાએ આખરે ઉમેદવારી પાછી ખેંચી લીધી. હવે છોટુભાઈ કદાચ અપક્ષ તરીકે આઠમી વાર જીતશે, પણ ડેડિયાપાડા પરનું વર્ચસ્વ જશે.

કપરાડા અને ડાંગના કૉન્ગ્રેસના મજબૂત નેતાઓને ભાજપે પોતાનામાં ભેળવી દક્ષિણ ગુજરાત પાકું કરી લીધું છે. ઉત્તર ગુજરાતમાં અશ્વિન કોટવાલ કૉન્ગ્રેસ છોડી આવી ગયા છે અને સ્વ. જોશિયારાના પુત્રને પણ ભાજપે સાધી લીધા છે. અમરસિંહ ચૌધરીનો વારસો જાળવવામાં દક્ષિણમાં નિષ્ફળ ગયેલા તુષાર ચૌધરી હવે ઉત્તરમાં ખેડબ્રહ્મા ચૂંટણી લડવા પહોંચ્યા છે. 

કૉન્ગ્રેસને સૌથી મોટો અને નાટકીય ફટકો છેલ્લા તબક્કે પડ્યો જ્યારે ૧૦ વાર ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવાએ પુત્રમોહમાં પક્ષને છેહ દીધો. તેમની ઇચ્છા નિવૃત્ત થઈને પુત્ર રાજેન્દ્ર રાઠવાને છોટા ઉદેપુરમાં જિતાડવાની હતી, પરંતુ નારણ રાઠવા આ બેઠક પોતાના પુત્રને વારસામાં આપવા માગે છે. વળી રાજેન્દ્ર રાઠવા સુખરામ રાઠવાના જમાઈ છે એટલે કદાચ તેઓ પાવી-જેતપુર બેઠક જમાઈ માટે ખાલી કરશે. સુખરામ રાઠવાને વળી કૉન્ગ્રેસે વિપક્ષના નેતા જેવું મોટું પદ આપ્યું હોય ત્યારે તેઓ પક્ષનું હિત વિચારશે, પણ એવું થયું નહીં. એને કારણે રાઠવા ત્રિપુટી તૂટી અને હવે ૧૯૯૫ પછી ફરી એક વાર કૉન્ગ્રેસની આદિવાસી વોટબૅન્ક તૂટશે? 

આ સવાલોને કારણે જ આદિવાસી વિસ્તારની ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ બની ગઈ છે. ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ છે, પણ અહીં ચોખૂણિયો. દાયકાથી પાંચેક બેઠક પર પ્રભાવ ધરાવનારા છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી તૂટી ગઈ છે. પરિવારમાં કંકાસ ઘૂસી ગયો, કેમ કે ચર્ચા અનુસાર બદલાતી હવા સાથે પુત્ર મહેશ વસાવાને ભાજપ સાથે તડજોડ કરી લેવામાં રસ પડ્યો હતો. પિતા છોટુભાઈ ભાજપને સતત ભાંડતા હોય ત્યારે એ શક્ય બન્યું નથી, આપ સાથે ગઠબંધન તૂટ્યું તો આપે એના જ કાર્યકરોને તોડ્યા અને આ વખતે કૉન્ગ્રેસે પણ વસાવા પિતા-પુત્રને કોઠું આપ્યું નથી એટલે હવે સ્વતંત્ર રીતે જ લડવાનું થશે. કૉન્ગ્રેસ, ભાજપ, બીટીપી અને આપની ખેંચતાણમાં કોણ કોને કાપશે એની જ અત્યારે આદિવાસી પટ્ટામાં ચર્ચા છે. 

22 November, 2022 09:00 AM IST | Ahmedabad | Dilip Gohil

અન્ય લેખો

ગુજરાત સમાચાર

Gujarat Election: પહેલા તબક્કાના મતદાનની મહત્વની 6 બાબતો પર નજર

ગુરૂવારે ગુજરાતમાં જે વિધાનસભા બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું તેમાંથી આ બેઠકો મહત્વની છે.

02 December, 2022 12:57 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

‘ગેસ સિલિન્ડરનું શું કરશો, બંગાળીઓ માટે રાંધશો?`: પરેશ રાવલના નિવેદન પર વિવાદ

ગુજરાતના વલસાડમાં પરેશ રાવલે ગુજરાતીમાં જ લોકોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારીની માગ અંગે સરકાર વતી સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો હતો

02 December, 2022 11:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

૯૬ વર્ષનાં દેવબાઈએ કહ્યું, મેં મત આપીને મારી ફરજ અદા કરી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સિનિયર સિટિઝન વોટર્સે રંગ રાખ્યો અને બીજા મતદાતાઓને પ્રોત્સાહિત કર્યા

02 December, 2022 11:33 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK