અમદાવાદના રાણીપમાં આવેલા મતદાનમથક પર વોટિંગ કરવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા મિત્રને સાથે લેતા ગયા

અમદાવાદમાં રહેતા નરેન્દ્ર મોદીના મિત્ર અરવિંદ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ગઈ કાલે યોજાયેલા મતદાનમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વોટિંગ કરવા જતાં અહીં રહેતા તેમના મિત્ર અરવિંદ પટેલને યાદ કરીને કહ્યું હતું કે ‘અરવિંદ, તારું વોટિંગ બાકી છે? ચાલ સાથે.’ આમ કહીને નરેન્દ્ર મોદી મતદાન કરવા જતાં તેમના મિત્રને સાથે લેતા ગયા હતા.
અરવિંદ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મતદાન કરવા માટે રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં નરેન્દ્રભાઈ આવ્યા હતા ત્યારે તેમણે મને પૂછ્યું હતું કે અરવિંદ, તારું વોટિંગ બાકી છે? તો મેં તેમને કહ્યું હતું કે મારે મત આપવાનો બાકી છે ત્યારે તેમણે મને મતદાન કરવા સાથે આવવા કહ્યું હતું. અમે મતદાનમથકમાં પાંચ મિનિટ સુધી લાઇનમાં ઊભા હતા અને અમારો વારો આવતાં અમે વોટિંગ કર્યું હતું.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘નરેન્દ્રભાઈ મારા જૂના મિત્ર છે. અમે સંઘના કાર્યકર્તા. મારે રાજકારણમાં જવાનું થતું નથી, પણ થાય એટલાં સેવાનાં કામ કરીએ છીએ. તેમણે મારા જેવા જૂના મિત્રને યાદ કર્યો અને બોલાવ્યો એ મને સારું લાગ્યું.’