Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હું તો સેવક, મારી શું ઔકાત : મોદી

હું તો સેવક, મારી શું ઔકાત : મોદી

22 November, 2022 08:35 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

કૉન્ગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ કરેલી ટિપ્પણીને જ બનાવ્યું હથિયાર, અગાઉ મૌત કા સૌદાગર, ચા વેચનારો તેમ જ ચૌકીદાર જેવી ટિપ્પણીઓનો પણ જવાબ આપ્યો હતો : રાહુલ ગાંધી પર આડકતરો આક્ષેપ : સત્તા મેળવવા યાત્રા કરવા નીકળ્યા

ગુજરાત વિધાનસભાના ચૂંટણીપ્રચાર દરમ્યાન સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ચૂંટણીસભાને સંબોધી હતી

Gujarat Election

ગુજરાત વિધાનસભાના ચૂંટણીપ્રચાર દરમ્યાન સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ચૂંટણીસભાને સંબોધી હતી


ગુજરાતમાં ગઈ કાલે સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસને આડે હાથ લીધી હતી અને વિકાસના મુદ્દે ચર્ચા કરવા પડકાર ફેંકતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસવાળા વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા. કૉન્ગ્રેસવાળા કહે છે આ મોદીને તેમની ઔકાત બતાવી દઈશું, ઔકાત. અહંકાર તો જુઓ. મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો. આ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા આવો મેદાનમાં. આ ઔકાત બતાવવાના ખેલ રહેવા દો.’

ગુજરાતમાં સતત બીજા દિવસે નરેન્દ્ર મોદીએ દૂધરેજ, જંબુસર અને નવસારીમાં ચૂંટણીસભાઓ સંબોધી હતી. દૂધરેજ પાસેની સભામાં નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પર વાક્પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? અમે હિસાબ આપવા તૈયાર છીએ, પણ કૉન્ગ્રેસને ખબર છે કે આવા મુદ્દા કાઢીએ તો બીજેપીનો જબરજસ્ત રેકૉર્ડ છે. બીજેપી ચઢી બેસે, કેમ કે બીજેપીએ એટલું બધું કામ કર્યું છે. એટલે હવે કૉન્ગ્રેસવાળા વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા. કૉન્ગ્રેસવાળા કહે છે આ મોદીને તેમની ઔકાત બતાવી દઈશું, ઔકાત. અરે માબાપ, તમે તો બધા રાજપરિવારો છો. હું તો એક સામાન્ય પરિવારનું સંતાન છું. મારી કોઈ ઔકાત નથી બાપા. અરે હું તો સેવક છું. હું તો સેવાદાર છું. તેની કોઈ ઔકાત હોતી હશે? અરે તમે મને નીચ પણ કહ્યો, નીચી જાતિનો કહ્યો, મોતનો સોદાગર પણ કહ્યો, અરે તમે મને ગંદી નાળીનો કીડો પણ કહ્યો, બધું કહ્યું. હવે તમે ઔકાત બતાવવા નીકળ્યા છો. અમારી કોઈ ઔકાત નથી. મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો અને આ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા આવો મેદાનમાં. આ ઔકાત બનાવવાના ખેલ રહેવા દો’ કૉન્ગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ ચૂંટણીઢંઢેરો જાહેર કરતી વખતે મોદીને તેમની ઔકાત બતાવી દઈશું એવી ટિપ્પણી કરી હતી, જેનો જોરદાર જવાબ મોદીએ આપ્યો હતો. અગાઉ સોનિયા ગાંધીની મોત કા સૌદાગર કહ્યો હતો. આ ઉપરાંત ચા વેચવા‍વાળો તેમ જ ચોકીદાર જેવી વાતો પણ કરી હતી. તેનો જવાબ મોદીએ એ રીતે આપ્યો હતો કે કૉન્ગ્રેસને બહુ ભારે પડી ગયું હતું.  



ઍન્ટિ-ઇન્કમ્બન્સીના મુદ્દે તેઓએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ચૂંટણી આવે એટલે ઍન્ટિ-ઇન્કમ્બન્સી, આ શબ્દ સાંભળવા મળે. જે સરકાર રહી હોય એની વિરુદ્ધમાં એક વોટ પડે અને લગભગ બધા રાજકીય નિરીક્ષકો, સમીક્ષકો હોય એ બધા એક જ સમીકરણ પહેલું બેસાડી દે, પણ ગુજરાતની જનતાએ આ બધાને ખોટા પાડ્યા અને ગુજરાતની જનતાએ રિવાજ બદલી નાખ્યો કે અમારે આ છાશવારે ઘર નથી બદલવું. અમારે આ બીજેપીવાળાને કામ પણ આપવું છે અને બીજેપીવાળા પાસેથી કામ પણ લેવું છે. અને એના કારણે ગુજરાતે પ્રો-ઇન્કમ્બન્સી, કામ કરનારી સરકારને સાથ, કામ કરનારી સરકારને સહયોગ અને કામ કરનારી સરકારને સમર્થન એવો નવો રાજકીય ચીલો ચાતર્યો છે.’


ચૂંટણીસભામાં હાજર વિશાળ જનમેદની


નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર વાક્પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘જેમને ભારતની જનતાએ પદ પરથી હટાવી દીધા છે તેવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યા છે. પદ માટે યાત્રા કરે એ તો લોકશાહીમાં કરે, પરંતુ જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું, મા નર્મદાને આવતી રોકી, કોર્ટ-કચેરીઓ કરી એવા નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકીને પદ માટે યાત્રા કરવાવાળાઓ આ ગુજરાતની જનતા તમને સજા કરવાની છે. આ ચૂંટણી નર્મદાવિરોધીઓને સજા કરવા માટેની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લામાં બનવી જોઈએ.’

જંબુસરમાં ચૂટંણીસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘જંબુસરનો આ ઉત્સાહ, ઉમંગ આખા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. આદિવાસીઓના મુદ્દે કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસવાળાઓને આદિવાસીઓ આ દેશમાં છે તેની ખબર જ નહોતી. અટલજીની સરકારે પહેલી વાર આદિવાસીઓ માટેનું મંત્રાલય બનાવ્યું, આદિવાસીઓ માટે બજેટ બનાવ્યું, આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યાં. આદિવાસીઓના પહેરવેશ પર મજાક ઉડાવનારી આ કૉન્ગ્રેસ પાર્ટી અને કૉન્ગ્રેસના નેતાઓ વારતહેવારે આદિવાસીઓનું અપમાન કરનારા લોકો પાસેથી, કૉન્ગ્રેસ પાસેથી આદિવાસીઓના કલ્યાણની કલ્પના જ ના કરી શકાય.’

મતદારને મળવા જવું એ તીર્થયાત્રા 
ગુજરાતમાં સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે ચૂંટણીસભાને સંબોધતાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને મતદેવતા કહેતાં બીજેપીના કાર્યકરો અને આગેવાનોને અપીલ કરતાં કહ્યું હતું કે ‘આપણે ત્યાં તીર્થયાત્રાએ કોઈ જતું હોય તો એમ કહીએ છીએ કે મારા તરફથી પગે લાગજો. તો જ્યારે તમે બધાને ઘરે જશો, મતદેવતાઓને મળવા જશો ત્યારે આ મત આપનારા દેવતા છે, ઈશ્વરનું રૂપ છે. એ તીર્થયાત્રા છે. મતદારને મળવા જવું એ તીર્થયાત્રા છે અને મતદારને મળો ત્યારે મારા પણ પ્રણામ પાઠવજો. મારું માથું ટેકવજો. બધાને હાથ જોડીને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણામ કહ્યા છે.’ 

મોદીનો વટ તમારા વોટમાં છે
દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારીમાં ચૂંટણીસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ સભામાં ઉપસ્થિત સૌકોઈને ઓળઘોળ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતના નાગરિકોએ લોભ-લાલચમાં પડ્યા વગર બીજેપીની સરકાર બનાવી એના કારણે ગુજરાત નંબર વન છે. મોદી જે છે તે તમારા વોટના કારણે છે, મોદીનો વટ પણ તમારા વોટમાં છે. મોદીનો વટ હોય તો હિન્દુસ્તાનના નાગરિકોનો પણ વટ હોય.’ 

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2022 08:35 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK